અમિત શાહને મોટી ભૂમિકા સોંપવામાં આવશે

amit shah
Last Modified શુક્રવાર, 23 મે 2014 (16:17 IST)


ઉત્તર પ્રદેશમાં ભાજપના ઐતિહાસિક અને પ્રચંડ વિજયનો યશ જેમને આપવામાં આવે છે એવા પદ્‌નામિત વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના ખાસ નિકટના વિશ્વાસુ અમિત શાહને મોટી ભૂમિકા સોંપવામાં આવનાર હોવાનું રાજકીય વર્તુળો જણાવે છે. પક્ષ સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે અમદાવાદમાં નારણપુરાના ભાજપના ધારાસભ્‍ય અમિત શાહને રાજ્‍ય વિધાનસભામાંથી રાજીનામું આપવા કહેવામાં આવશે અને તેમને વડોદરાની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે કે જે બેઠક નરેન્‍દ્ર મોદી ખાલી કરનાર છે.


લોકસભાની ચૂંટણીમાં નરેન્‍દ્ર મોદીનો વારાણસી અને વડોદરા બંને બેઠક પરથી પ્રચંડ સરસાઈથી વિજય થયો છે. મોદી હવે વારાણસીની બેઠક જાળવી રાખીને વડોદરાની બેઠક ખાલી કરનાર છે અને આમ આ બેઠક પરથી અમિત શાહને ચૂંટણી લડાવવામાં આવશે કે જેથી રાષ્‍ટ્રીય સ્‍તરે મહત્ત્વની અને મોટી ભૂમિકા ભજવી શકે.


ગુજરાતમાં ભાજપના એક વરિષ્‍ઠ પ્રધાને જણાવ્‍યું હતું કે મોદી ગુજરાતના શાસનમાં નવા મુખ્‍યપ્રધાન આનંદીબહેનને છૂટો દોર આપવા માગે છે અને તેથી અમિતભાઈને વિધાનસભાની બેઠક પરથી રાજીનામું અપાવીને વડોદરાની બેઠક પરથી ચૂંટણી લડાવીને લોકસભામાં પ્રવેશ અપાવવામાં આવશે કે જેથી
તેઓ રાષ્‍ટ્રીય સ્‍તરે વધુ મોટી ભૂમિકા ભજવી શકે. ભાજપના મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહને વધુ મોટી જવાબદારી સોંપવાની વિચારણા ચાલી રહી છે. અમિત શાહની નિકટના એક ધારાસભ્‍યએ જણાવ્‍યું હતું કે તેઓ મોદીના ખાસ માણસ તરીકે પક્ષની સંગઠનને લગતી બાબતોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કારણ કે હવે ભાજપના પ્રમુખ રાજનાથસિંહ કેન્‍દ્ર ખાતે નવી સરકારમાં જોડાનાર છે. અમદાવાદ ખાતે મણિનગરમાં યોજાયેલી મોદીની જાહેરસભામાં પણ મોદીએ અમિત શાહની ભારે પ્રશંસા કરી હતી. કોંગ્રેસને કોઈ પણ રાજ્‍યમાં બે આંકડામાં બેઠક ન મળે તે અમિત શાહે જોયું હતું.


૨૦૧૭ સુધીમાં ગુજરાતના નવા મુખ્‍યપ્રધાન આનંદીબહેન પટેલ ૭૭ વર્ષનાં થશે. અમિત શાહના એક વફાદારના જણાવ્‍યા પ્રમાણે અમિત શાહ ગુજરાતના મુખ્‍યપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે, પરંતુ તેમની ઉંમર હજુ માત્ર ૫૧ વર્ષ જ છે. આમ ઉંમરનું પરિબળ તેમની તરફેણમાં નથી. આથી આનંદીબહેનનો મુખ્‍યપ્રધાનનો કાર્યકાળ પૂરો થાય ત્‍યાં સુધી અમિત શાહે રાહ જોવી પડશે. ડિસેમ્‍બર-૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં અમિત શાહને મુખ્‍યપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્‍ટ કરાશે. એવું અમિત શાહના એક નિકટના ધારાસભ્‍યએ જણાવ્‍યું હતુ.


આ પણ વાંચો :