કોઈ રાજ્યને ઓછું ન લાગે તે રીતે સરખો ભાવ રાખવામાં આવશે - નરેન્દ્ર મોદી

modi
Last Modified ગુરુવાર, 22 મે 2014 (11:13 IST)

દેશના પદનામિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેન્દ્ર સરકાર સમક્ષ પડેલા પડતર પ્રશ્ર્નો અને માગણીઓનો નિકાલ કરવાનો નિર્દેશ આપતા કહ્યું હતું કે હું ગુજરાતનો છું એટલે ગુજરાતને અન્યાય થોડો કરાય ‘દેશના કોઈ રાજ્યને ઓછું ન લાગે તે રીતે બંને આંખમાં સરખો ભાવ રાખવામાં આવશે. મોસાળમાં જમણવાર હોય અને મા પીરસનારી હોય ત્યાં અન્યાય કેવી રીતે થાય એવું પણ તેમણે જણાવ્યું હતું. મોદીની સફળતા તો જ ગણાશે જો મોદીના ગયા પછી પણ વિકાસની દોડ આગળ વધે એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ખાસ ઐતિહાસિક બેઠકમાં ગ્ાૃહના સભ્યો અને લોકોના આભાર વ્યક્ત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ ગ્ાૃહમાં મારું શિક્ષણ થયું ચાર વાર મુખ્ય પ્રધાન બન્યો, પરંતુ વિપક્ષના પ્રશ્ર્નો અને મુદ્દાઓને પણ મેં ધ્યાનથી સાંભળીને તેનો અમલ કર્યો છે હું નવો હતો ત્યારે તત્કાલિન કૉંગ્રેસી નેતા અમરસિંહ ચૌધરી પણ મારું અંગત ધ્યાન દોરીને સૂચનો કરતા હતા, ભૂકંપ, સાયકલોન અને સરકારી બેઠકોના ગોટાળાની આપત્તિઓ વચ્ચે મને જવાબદારી સોંપાઈ હતી. પણ તેમાંથી સફળતાપૂર્વક બહાર નીકળ્યો હતો. હું સદનમાં ઓછું બોલતો હતો, પરંતુ ધારાસભ્યના પ્રશ્ર્નોને સાંભળતો હતો તેમજ તેના નિરાકરણની વ્યવસ્થા ગોઠવતો હતો. કેગના અહેવાલની ચર્ચા વધારે થાય છે, પરંતુ રિપોર્ટ પહેલા જ તેનું મૂળ શોધીને કરેકશન કરવામાં આવતું હતું. રાજ્યનું ભલું કરવા નવા ઉપાયો થવા જોઈએ જેમ અમે કર્યા છે. વ્યક્તિ આધારિત વ્યવસ્થાનું આયુષ્ય લાંબું હોતું નથી. વ્યક્તિ તો આવે અને જાય વ્યવસ્થા યથાવત્ રહેવી જોઈએ. સંસ્થાઓને સશક્ત બનાવવી જોઈએ. આઇડિયા સંસ્થાકીય થાય તે જરૂરી છે. ગુજરાતમાં આ ફોર્મ્યુલા છે અને ગુજરાત આગળ વધતું રહેશે. મોદીના ગયા પછી પણ વિકાસની દોડ અવિરત રહે ત્યારે મોદીની સફળતા ગણાશે.

કેન્દ્ર સરકાર સમક્ષ પડતર પ્રશ્ર્નોના મુદ્દે મોદીએ કહ્યું હતું કે એક ગુજરાતી તરીકે ગુજરાતને હક છે પરંતુ દેશની જવાબદારી આવે ત્યારે અપેક્ષાઓ વધી જાય છે. કેટલાક લોકો કહે છે કે, ગાંધીજીએ ધાર્યું હોત તો સરદાર પટેલ દેશના વડા પ્રધાન બની શક્યા હોત પણ પોતે ગુજરાતી હોવાથી તેમને પણ કદાચ એવું થતું હશે કે, ગુજરાતીના કારણે ગુજરાતનું કર્યું. જોકે હું ગુજરાતનો છું એટલે ગુજરાતને અન્યાય થોડો કરાય? એવો પ્રશ્ર્ન પણ ઉઠાવીને કહ્યું હતું કે, ગુજરાતને તેનો હક મળવો જોઈએ, કોઈ પણ રાજ્યને ઓછું ન લાગવું જોઈએ. બંને આંખમાં સરખો ભાવ હોવો જોઈએ.

દેશ સામે સમસ્યા ઘણી છે પણ સમાધાનના રસ્તા પણ ઘણા છે, દેશના યુવાધન અને જનમાનસની શક્તિ ઘણી છે. દેશની ભલાઈનું કામ થશે એવું જણાવીને તેમણે પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં ઉમેર્યું હતું કે, જનરલ કરિઅપ્પાનું તેમના નાનકડા ગામમાં સન્માન થયું ત્યારે તેમને અનેરો આનંદ થયો હતો. દુનિયા અને દેશમાં સન્માન થાય પણ જ્યારે પોતાના ગામમાં પોતાના લોકો દ્વારા સન્માન થાય તેની ઘણી ખુશી થાય છે. મને મારા કરતા આપ સૌ સજ્જનોની શુભકામનાઓ ઉપર વધારે ભરોસો છે. ૧૨-૧૩ વર્ષના કાર્યકાળમાં ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય કે મારા વ્યવહારમાં દોષ કે ઊણપ રહી હોય અથવા જાણે-અજાણે દુ:ખ થયું હોય તો આ મિચ્છામી-દુક્કડમની ઘડી છે એવું જણાવીને તેઓ ગદગદિત થઈ ગયા હતા.
-આ પણ વાંચો :