દોરજી ખાંડુ સહિત 5ના હેલીકોપ્ટર ક્રેશમાં મોત
ઈટાનગર : અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુ સહિત લાપતા થયેલા પવન હંસ હેલિકોપ્ટરનો કાટમાળ અને પાંચ મૃતદેહ બુધવારે સવારે રાજ્યના તવાંગ જીલ્લાના જંગ ઝરણાની નજીક મળી આવ્યા છે. બુધવાર સવારે લગભગ 10.00 વાગ્યે તપાસ ટીમે સુદૂર લોબથાંગ ક્ષેત્રમાં કાટમાળ શોધી કાઢ્યો હતો. આ ક્ષેત્ર સમુદ્રની સપાટીથી 13,700 ઉચે સીધા પર્વતીય ક્ષેત્ર અને ગાઢ જંગલોમાં આવેલુ છે.વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાએ દોરજી ખાંડુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પર્વત શ્રેણીમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં બચાવ દળને ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગી શકે છે. ભારે બરફવર્ષા અને વરસાદના કારણે બચાવ દળને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે અરૂણાચલપ્રદેશના મુખ્યપ્રધાન દોરજી ખાંડૂ શનિવારે પવનહંસના સિંગલ એન્જિન વિમાનમાં ઉડ્યા હતા. ત્યારે તેમની સાથે પાઈલોટ, કો-પાઈલોટ, અંગત સચિવ, એક ધારાસભ્યના બહેન પણ હતા. હેલીકોપ્ટર સવારે 10 વાગ્યાની આસપાસ ગુમ થઈ ગયુ હતું.