શિશિર ઋતુનું વર્ણન

દલપતરામ|

આવ્યો રવી મકર રાશિ સમીપ આજ,
જાણે થયુ શિશિર નામ ઋતુનું રાજ;
ટાઢે વિશેષ સઉના તનને ધ્રુજાવ્યાં,
જાણે શરીરધરને શિશિરે ડરાવ્યાં. 1

ઓઢે જનો શરીર ઉપર તો દુશાલ,
લીલી પીળી ધવળ કે વળી રંગ લાલ;
જાણે શિશિર ભૂપથી ભય પામી ભારી,
ઘર્યો સુવેષ પુરુષે પણ અર્ધ નારી. 2

ઝાડો તણાં જિરાણ પત્ર ખરી પડે છે,કાષ્ઠ પ્રમાણ નિરખી મજરે ચડે છે;
જાણે શીતે તરુવરો બહુ લુંટી લીધાં
વસ્ત્રો રહીત તરુઓ કરી ક્રોધ કીધા. 3

ઓઢે શ્રિમંતજન તો સુજની રજાઈ,
પોઢે બિછાવી ઉનની ઉમદા તળાઈ;
પોઢ્યા હતા ધન સમે જગદીશ જેમ,
પોઢ્યા દિસે શિશિરમાં નર લોક તેમ. 4
શાર્દૂલવિક્રીડિત વૃત્ત

વીતે છે પરિપૂર્ણ તે, શિશિર તો માઘી થિથિ પૂનમે
આવે છે દિવસો વસંતઋતુના, એમાં નહી ઊનમે;
એનો હર્ષ અગાઉથી અતિ ઘણો, માને ઘણા માનવ;
માઘી પંચમીને દીને જન કરે, તેથી વસંતોત્સવ. 5


આ પણ વાંચો :