સુરત ત્રિપલ મર્ડર કેસનો મુખ્ય આરોપી ગૌતમ ગોલ્ડન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જુનાગઢથી સુરત પરત આવતા સમયે સુરતના કિમ ગામેથી સુરત ડીસીબી અને સુરત જિલ્લા એલસીબીએ સંયુક્ત રીતે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. ગોલ્ડન ઉર્ફ ગૌતમે 2, જૂલાઇના રોજ વરાછાના માતાવાડીમાં હાલ ભાજપના કોર્પોરેટર ભરત મોના વઘાસીયા પર હુમલો કર્યો હતો અને તેમના મિત્ર ભરત જોષી નામના યુવાનની ગળાના ભાગે ઘા માર્યા હતા. જોકે આ કેસમાં ગોલ્ડનને જામીન મળી ગયા હતા. બાદમા તે આ મર્ડર કેસ બાદ ચર્ચામાં આવ્યો હતો. ગોલ્ડન વિશે એવું કહેવામાં આવે છે કે તે કુખ્યાત ભુપત વશરામ આહિરનો ચેલો છે. તેની સાથે ફરીને લૂંટ, ચોરી અને ખૂન જેવા ગુનામાં સંડોવણી બહાર આવી છે. ગોલ્ડન કામરેજ ચાર રસ્તા પાસે આવેલા ભવાની કોમ્પલેક્ષમાં બેસી જમીન બાબતો, નાણાકીય વસૂલાતો સહિતના કામો કરતો હોવાનું કહેવાય છે.