શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ન્યુઝ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2016 (16:40 IST)

આગામી વિઘાનસભાની ચૂંટણીઓમાં વર્તમાન ધારાસભ્યો-મંત્રીઓના પત્તા કપાશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ ગુજરાતમાં છે. તેમણે ભાજપના નેતાઓ સાથે મિટીંગો કરીને નોટબંધી અંગેનો એજન્ડા પણ નક્કી કર્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નિર્ધારિત સમય પહેલાં યોજાય તેવી રાજકીય ચર્ચાએ જોર પકડયું છે. નરેન્દ્ર મોદીની ગુજરાતની વધતી મુલાકાતોને પગલે રાજકીય વિષ્લેશ્કોએ અંદાજ માંડયો છે. આ વખતે વર્તમાન ધારાસભ્યો જ નહીં, મંત્રીઓના પણ પત્તા કપાઇ જશે તેવી શક્યતા છે. માંડ ૩૫ ટકા ધારાસભ્યો રિપીટ થઇ શકે છે.રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન છતાંયે આ વખતે ભાજપ માટે ગુજરાતમાં ચૂંટણી જીતવી આસાન નથી. મોદીના લહેરમાં જીત મેળવનાર ભાજપ માટે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી જીતવી એક પડકાર સમાન છે. અમિત શાહે પણ અમદાવાદમાં અવરવજર વધારી દીધી છે. અંદરખાને તો અમિત શાહની સૂચનાથી મૂરતિયાઓની શોધખોળ પણ શરૃ કરી દેવાઇ છે. એટલું જ નહીં, વર્તમાન ધારાસભ્યોની કામગીરી અને મતવિસ્તારમાં રાજકીય પ્રભાવની વિગતો પણ ખાનગી રાહે મેળવવામાં આવી રહી છે. જે ધારાસભ્યની બાદબાકી થશે તે મત વિસ્તારમાં કયા ઉમેદવાર ભાજપને જીત અપાવી શકે તેનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે.સૂત્રો કહે છેકે, આ વખતે ભાજપ વયોવૃધ્ધ નેતાઓને ઘેર ભેગા કરી દેશે જયારે નવોદિતને ટિકિટ આપવાની ગણતરી છે. ખાસ કરીને મહિલાઓને પણ ટિકિટ આપવા ભાજપ વિચારી રહ્યું છે. નવા મહોરા થકી ભાજપ ચૂંટણી જીતવા માંગે છે. હાલમા રૃપાણી સરકારમાં સામેલ મંત્રીઓની પણ આ છેલ્લી ટર્મ હશે. ત્રણ-ચાર ટર્મથી જીતનારાં ધારાસભ્યોને બદલે ભાજપ યુવાને ટિકીટ આપશે. આમ, ૫૦ ટકાથી વધુ ધારાસભ્યો,મંત્રીઓને ઘેર બેસવાનો વારો આવશે.અત્યારે તો વડાપ્રધાન સહિત ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાય તો કેવા પરિણામ આવી શકે છે તે અંગે રાજકીય કયાસ કાઢી રહ્યાં છે.