અંબાજીમાં આજથી ભાદરવી પુનમના મેળાનો પ્રારંભ
પૂનમના મેળાની શરૂઆત થઇ રહી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમ મેળામાં પહોંચે તેવી શક્યતા છે. કોઇપણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનો પણ ગોઠવી દેવાયા છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન માતાજીના દર્શનના સમય પણ નક્કી કરી લેવામાં આવ્યા છે. અંબાજી મંદિર દ્વારા ૧૫ કલાક સુધી મંદિરને ખુલ્લુ રાખવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે વોટસ એપમાં હેલ્પલાઈન શરૂ કરાઈ છે. જેમાં કોઈ યાત્રાળુને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે વોટસએપ કરશે તો તેનું તેના દ્વારા જ નિરાકરણ લાવવામાં આવશે.
આ વોટ્સએપનું સંચાલન અંબાજીના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસની દેખરેખમાં કરવામાં આવશે.આ દરમિયાન રાજ્યભરમાંથી વિવિધ પગપાળા સંઘોનું ગઈ કાલને શુક્રવારે મોડી રાતથી અંબાજીમાં આગમન શરૂ થઈ ગયું છે, ત્યારે સલામતીમાં કોઈ કચાશ રહે નહી તેના માટે તંત્ર દ્વારા મેળા માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળા માટે પાંચ હજારથી વધુ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. જેમાં ૧૯ Dy.SP, ૨૩૬ PI અને PSI સહિતના જવાનોનો કાફલો ખડેપગે હાજર રહેશે. આ ઉપરાંત ૨૭, વોચ ટાવર, ૧૦૧ સીસીટીવી કેમેરા, ૧૭ PTZ, ૭ કન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. જેનાથી સમગ્ર મેળા ઉપર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે, ત્યારે ભક્તો વિશ્વના કોઈ પણ ખુણેથી મા અંબાના દર્શન કરી શકે તેના માટે પણ તંત્ર દ્વારા વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે ભાદરવી પુનમના મેળાના સાત દિવસ દરમિયાન ભક્તોમાં અંબાની આરતીના દર્શન ફેસબુક પર લાઈવ કરી શકશે.પ્રાપ્ત માહિતી મુજબ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફેસબુક પર અંબાજી ટેમ્પલઓફિશિયલ નામનું ઓફિશિયલ પેજ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભક્તો માતાજીની મહાઆરતીના લાઈવ દર્શન કરી શકશે. આ ફેસબુક પેજ પર ભાદરવી પુનમ દરમિયાન થનારા દર્શન, આરતીના સમય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વિગતો પણ દર્શાવવામાં આવશે. ફેસબુકમાં આરતીના લાઈવ દર્શન ભાદરવી પુનમ બાદ પણ જારી રાખવામાં આવે તેવી સંભાવના પણ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.