બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 3 નવેમ્બર 2016 (12:08 IST)

રાજ્યમાં દારૂબંધીનો કાયદો નબળો હોવાના કારણે લાખો પરિવારો સ્વજનને ગુમાવે છે - અલ્પેશ ઠાકોર

રાજ્યમાં દારૂબંધીના કાયદાને કડક કરવાની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ઓએસએસ એકતા મંચના નેજા હેઠળ 6 નવેમ્બરે ગાંધીનગર 5 લાખથી વધારે લોકોની મહાસભાનું આયોજન કરાયું છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો નબળો હોવાના કારણે લાખો પરિવારો સ્વજનને ગુમાવે છે ત્યારે 6 નવેમ્બરે સરકારને ઉંઘમાંથી ઉઠાડવા અસરગ્રસ્ત પરિવારના લોકો દ્વારા સભાસ્થાન પર લગાવવામાં આવેલો મહાઘંટ વગાડશે. જો સાંજના સાડા છ વાગ્યા સુધીમાં સરકાર દારૂબંધીને લગતા કડક કાયદાની જાહેરાત નહીં કરે તો પછી મૃત્યુઘંટ વગાડવામાં આવશે. આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે દારૂબંધીનો ચુસ્ત અમલ, યુવાનોને રોજગારી, પછાત વર્ગોનું  શૈશણિક, સામાજીક અને આર્થિક ઉત્થાન કરવું એ કોઈ રાજકારણ કરવાના મૂદ્દા નથી પરંતુ પ્રજાકારણના મૂદ્દાઓ છે. અમે ગાંધીચિંધ્યા માર્ગે, હક્કો માંગી રહ્યા છીએ. પરંતુ સરકાર હજું પણ નહીં માને તો પછી અમારું રૌદ્રસ્વરુપ પણ જોવા મળશે.  દારૂબંધીના કાયદાને કડક બનાવીને તેનું તાત્કાલિક અમલીકરણ કરવામાં આવે. દારૂ વેંચે તેને 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ, દારૂ પીવે તેને 2 વર્ષની સજા અને રૂ. 2 લાખનો દંડ, જે વિસ્તારમાં દારુ વેંચાતો હોય ત્યાંના અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાય, તે વિસ્તારના એસપી તેમજ ધારાસભ્યને નોટીસ ફટકારવામાં આવે અને આવી ત્રણ નોટીસ પછી તેમની સામે દંડનાત્મક પગલાં લેવામાં આવે. રાજ્યનાં ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવામાં આવે. ઠાકોર - કોળી તેમજ અન્ય પછાત વર્ગોનાં સામાજીક-શૈક્ષણિક તેમજ આર્થિક ઉત્થાન માટે વાર્ષિક રૂ. 5 હજાર કરોડની યોજના જાહેર કરવામાં આવે અને તેનું યોગ્ય અમલીકરણ થાય તે માટે તાલુકા સ્તર સુધી તેની શાખાઓ કાર્યરત કરવામાં આવે.