સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 5 નવેમ્બર 2016 (11:56 IST)

ધોળકા નજીક થયેલા અકસ્માતમા 14નાં ઘટનાસ્થળે જ મોત, સુરતમાં ટેન્કરોનો ત્રીપલ અકસ્માત

દિવાળી બાદ રાજ્યમાં લોકોને અકસ્માત ભરખી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બે એવા અકસ્માત સર્જાયા છે જ્યાં માણસના કાળજાને અરેરાટી થી જાય. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના સોખડા ગામના પાંચ પરિવારના 17થી વધુ સભ્યો પીકઅપ વાનમાં અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ધોળકા-બગોદરા હાઇવે પાસે ટ્રક સાથે એક્સિડન્ટ થયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 14 વ્યક્તિના મોત નીપજ્યા હતા. 14 વ્યક્તિના મોતથી ખોબા જેવડા ગામમાં કાળચક્ર ફરી વળ્યું હતું. નાના એવા ગામના સ્મશાનમાં અગ્નિદાહ માટે બે જ ખાટલા છે. આથી 14 વ્યક્તિના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરવા માટે ગામ લોકોએ મેદાનમાં જ વ્યવસ્થા કરી હતી.  એકી સાથે ગામના 14 વ્યક્તિના મોતથી ગામે શોકમય બંધ પાળ્યો છે. તેમજ ગામના એક પણ ઘરમાં ચૂલો સળગાવવામાં આવ્યો નથી. જીંઝરીયા પરિવારના જ 9 વ્યક્તિના મોતથી ભારે ગમગીની છવાઇ ગઇ છે. જ્યારે મેઘાણી પરિવારના 2 અને સરવૈયા પરિવારના 2 સભ્યોનો સમાવેશ થાય છે. તેમજ ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


તો બીજી બાજુ ઓલપાડ ભેસાણ ચોકડી નજીક ત્રણ ટેન્કર વચ્ચે જોરદાર અક્સમાત સર્જાયો હતો. એક ટેન્કરે કેમિકલ ભરેલા ટેન્કરને ટક્કર માર્યા બાદ ગેસ ભરેલું ટેન્કર બાઇક સવારને બચાવવા જતાં કેનાલમાં ઉતરી ગયું હતું. શુક્રવારની મધરાત્રે બનેલા આ વિચિત્ર અકસ્માત બાદ ટ્રાફિકજામ થઇ ગયો હતો. લોકોના ટોળે ટોળાં ભેગા થઇ જતાં ટેન્કરમાંથી ડ્રાઇવરને મહામહેનતે બહાર કઢાયો હતો. જ્યારે ત્રણ ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતને પગલે રોડ ઉપર રેલમછેલ થયેલા કેમિકલ અને ગેસ દુર્ગંધને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રીના દોઢ વાગ્યાનો હતો. ભેસાણ ચોકડી નજીક એક ટેન્કર અકસ્માત બાદ કેનાલમાં ઉતરી જતાં ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક દોડી ગઇ હતી. લોકોની ભીડ વચ્ચે કેનાલમાં ખાબકેલા ગેસ ભરેલા ટેન્કર પાછળ ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકને બહાર કઢાયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. કેમિકલ ભરેલા ટેન્કરને એક અજાણ્યા ટેન્કરે ટક્કર માર્યા બાદ ગેસ ભરેલા ટેન્કરને પાછળથી અડફેટે લેતાં દુધર્ટના સર્જાઈ હતી. જેને લઇ રોડ ઉપર એમઇજી કેમિકલ અને ગેસની રેલમછેલ થઈ હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બે ટેન્કર વચ્ચે થયેલા અકસ્માત બાદ બન્ને ટેન્કરના ક્લિનર અને ગેસ ટેન્કરના ચાલક ભાગી ગયા હતા. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.