શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 7 નવેમ્બર 2016 (14:45 IST)

ખંભાતનો દરિયાકાંઠો બંને દેશોના તણાવ બાદ રામભરોસે

જમ્મુ કાશ્મીરના ઉરી સ્થિત ભારતીય સેનાના કેમ્પ પર ત્રાસવાદી હુમલાની ઘટના બાદ ભારત-પાકિસ્તાન સરહદે તણાવ વધ્યો છે.  આ સંજોગોમાં દરિયાઈ સહિત દેશની તમામ સરહદોએ સલામતી વધારાય તે આવશ્યક છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની જમીની બોર્ડર પર સૈન્ય પૂરતી તૈયારી સાથે તહેનાત છે, પરંતુ દરિયાઈ બોર્ડર પર પણ રેડએલર્ટ અપાયું છે. ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ ૧૬૦૦ કિલોમીટર દરિયાઈ વિસ્તાર ધરાવે છે, ત્યારે દરિયાઈ સીમા પર પણ કોસ્ટગાર્ડને એલર્ટ કરવા જરૂરી છે. જોકે ખંભાતના દરિયાની વાસ્તવિક સ્થિતિ તપાસતાં અહીં સુરક્ષામાં અનેક છીંડાં જોવાં મળ્યાં હતાં.  ત્રાસવાદીઓ ભારતમાં તેમના નાપાક મનસૂબા પાર પાડવા કોઈ પણ રસ્તેથી ભારતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ પણ રપ૦થી વધુ આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા હોવાના ઈનપુટ્સ આપ્યા છે.  અમદાવાદથી ૯૦ કિલોમીટરના અંતરે આવેલો ખંભાતનો દરિયો ૬૦ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે. વડગામ, તરકપુર, તડાતળાવ, રાલેજ, ધુવારણ, બદલપુર અને દત્રાલ જેવાં અનેક નાનાં ગામ આ કિનારા સાથે જોડાયેલાં છે. ખંભાતમાં દરિયાની સુરક્ષા માટે ધુવારણ, વડગામ ને રાલેજ ખાતે કોસ્ટગાર્ડની ત્રણ આઉટડોર પોલીસચોકી ફાળવવામાં આવી છે. મહત્ત્વની બાબત એ છે કે ર૦૧રમાં ફાળવાયેલી આ ચોકીઓમાં આજદિન સુધી કોઈ કોસ્ટગાર્ડ ફાળવાયા જ નથી. ખંભાતનો દરિયો કિનારાથી દૂર જતો રહ્યો હોઈ અહીં કોઈ જોખમ નથી તેવી ગ્રંથિ સુરક્ષા એજન્સીઓએ બાંધી લીધી હોય તેમ લાગી રહ્યું છે.  ધુવારણથી સિંગલ રોડ એકાદ કિલોમીટરના અંતરે દરિયાકાંઠો નીકળે છે. અહીં કોઈ પણ પ્રકારની સુરક્ષાવ્યવસ્થા ન હોઈ કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી અવરજવર કરી શકે છે. ધુવારણના દરિયાકાંઠે થર્મલ પાવર સ્ટેશન આવેલું છે, જેને દીવાલોથી કૉર્ડન કરાયેલું છે. પાવર સ્ટેશન નજીકના ડોસલી માતાના મંદિરેથી સહેલાઈથી દરિયાકાંઠે જઈ શકાય છે, જ્યાં લોકો બેરોકટોક આવી શકે છે. અહીં સુરક્ષા માટે એક પોલીસચોકી પણ છે પરંતુ કર્મચારીઓના અભાવે સુરક્ષા અંગેના અનેક સવાલો ઊભા થાય છે.  ખંભાત શહેરના દરિયાકાંઠે કોઇ ચોકી જ નથી.  જોકે ખંભાતના દરિયાકાંઠે સુરક્ષા મામલે જાત તપાસ કરતાં નિયમિત પેટ્રોલિંગ થતું હોવાની વાતો પોકળ જણાઈ રહી છે. દરિયાકાંઠે ચોકી હોવા છતાં સુરક્ષાકર્મીઓ નથી. દરિયાકાંઠાના વિસ્તારમાં કોઈ ઘટના બને ત્યારે જ પોલીસ દસ્તક દેવા આવે છે. જોકે આ સ્થિતિ માટે પોલીસ વિભાગની સ્ટાફઘટ પણ જવાબદાર છે. કેન્દ્ર કે રાજ્ય સ્તરે સુરક્ષા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી નથી. ખંભાતનો અખાત રામભરોસે જ જણાઈ રહ્યો છે. ધુવારણ, વડગામ અને રાલેજના દરિયાકાંઠેથી આતંકવાદી ઘૂસપેઠ થઈ શકવા અંગે આંખ આડા કાન કરી શકાય નહીં, જેથી અહીં તાત્કાલિક સુરક્ષાનાં પગલાં હાથ ધરવાં જોઈએ તથા કોસ્ટગાર્ડ પોલીસચોકીઓ પર સત્વરે સ્ટાફ ફાળવણી થાય તે પણ અનિવાર્ય છે. જો અહીં સુરક્ષાલક્ષી પગલાં હાથ નહીં ધરાય તો ભવિષ્યમાં અનિચ્છનીય ઘટના ઘટી શકે તેમાં કોઈ બેમત નથી.