પ્રદુષણ અટકાવવા વરરાજાઓની પહેલ, 251 વરરાજાઓની સાઈકલ સવારી
પ્રદૂષણથી દેશની રાજધાની દિલ્હી પરેશાન છે. ત્યારે સુરતના પાટીદારોએ પ્રદૂષણને માત આપવા પહેલ કરી છે. અને સમૂહલગ્ન અગાઉ 251 વરરાજાએ સાઇકલ પર વરઘોડો યોજ્યો હતો. સમૂહલગ્નમાં જોડાનાર તમામ યુવકોના સાઇકલ પર નીકળેલા વરઘોડાને કલેક્ટર સહિતના સમાજન અગ્રણીઓએ લીલીઝંડી આપીને સામાજીક જાગૃતિને આવકારી હતી. વરઘોડાને તિલાંજલિ આપી ચૂકેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે એમના સમૂહલગ્નમાં અનેક સામજીક બદલાવ બાદ આ વખતે નવી પહેલ કરી છે. વરઘોડો અને ફૂલેકાને બદલે આ વખતે યોજાનારા ૨૫૧ સમૂહલગ્નના વરરાજાઓ સાઇકલ યાત્રા કરીને સ્વાસ્થ્ય જનજાગૃતિનું કામ કરશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આગામી ૧૦મી નવેમ્બરે ૫૮માં સમૂહલગ્ન યોજાશે. દીકરીઓને આપો દીશા થીમ ઉપર આયોજીત સમૂહલગ્નમાં માત્ર બહેનો જ મહેમાન અને બહેનો જ સમગ્ર વ્યવસ્થા સંભાળશે. કાર્યક્રમમાં વિવિધ ૧૭ ક્ષેત્રમાં યોગદાન આપનાર ૩૨ મહિલાઓનું અભિવાદન પણ કરવામાં આવશે. આજે સંસ્થા દ્વારા એક અનોખા કાર્યક્રમ અંતર્ગત સાઇકલ યાત્રાનું આયોજન કરાયુ હતુ. જેમાં ૨૫૧ વરરાજાઓ સાઇકલ પર સવાર થઇને જાહેર માર્ગો પર નીકળ્યા હતા. સાઇકલ યાત્રાના કન્વીનર રમેશ વઘાસીયાએ જણાવ્યુ કે, વરરાજાઓની સાથે તેમના અણવર અને મિત્રો પણ સાઇકલ યાત્રામાં જોડાયા હતાં. અને પ્રદૂષણને પોષતા વાહનોથી દૂર રહેવા સંદેશો આપ્યો હતો. લોકો સાઇકલ નો ઉપયોગ વધુ માત્રામાં કરતા થાય એવા હેતુથી પણ આ આયોજન કરાયું હતુ. સાઇકલ થી ટ્રાફિક અને પ્રદુષણના પ્રશ્નને પણ હલ કરી શકાશે સાથે તંદુરસ્તી બોનસમાં રહેશે તેમ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું. સાઇકલ યાત્રાનો આજે સવારે ૮.૩૦ વાગ્યાથી સૌરાષ્ટ્ર ભવન વરાછા રોડથી આરંભ થયો હતો. જે સરદાર ચોક, વરાછા રોડ થઇ રેલવે સ્ટેશન સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી લંબે હનુમાન રોડ, હંસ સોસાયટી થઇ વરાછા રોડ પર આવ્યો હતો.