અમદાવાદમાં મણીનગરના 18 સ્પા સેન્ટરો પર પોલીસની રેડ
અમદાવાદના મણીનગર વિસ્તારમાં બેરોકટોક ચાલતા 18 જેટલા સ્પા સેન્ટરોમાં ચાલતા ગોરખધંધા ઉજાગર કરવા માટે આજે યુવા શક્તિ સંગઠન દ્વારા જનતા રેડ કરાય તે પહેલા મણીનગર પોલીસે પોતાની આબરું બચાવવા માટે દોડાદોડ કરીને વિવિધ સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મણીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઠેકઠેકાણે બિલાડીના ટોપની જેમ સ્પા સેન્ટરો ખૂલી નીકળ્યા છે. આ સ્પા સેન્ટરોની આડમાં ચાલતા ગોરખધંધાઓથી સ્થાનિકો પણ પરેશાન હતા, પરંતુ પોલીસની રહેમનજર આ સ્પા સેન્ટરો બેરોકટોક ચાલતા હતા. આખરે આ સ્પા સેન્ટરોનો ભાંડો ફોડવા માટે યુવા શક્તિ સંગઠન દ્વારા જનતા રેડ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ તે પહેલા જ પોલીસ રેડ કરી આ સ્પા સેન્ટરો પર રેડ કરી હતી. મણીનગર વિસ્તારના 18 સ્પા સેન્ટરો પર સવારના સમયે અચાનક જ ર જનતા રેડ થાય તે પહેલા પોલીસ દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા હતા. લોકોનો રોષ જોતા પોલીસ ત્વરિત કાર્યવાહી કરી સ્પા સેન્ટરોમાં કામ કરતાં યુવક-યુવતીઓને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આસપાસના લોકોમાં પણ આ ઘટનાના સમાચાર ફેલાતા લોકોના ટોળાં પોલીસ સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. યુવા શક્તિ સંગઠનના અધ્યક્ષ રોનકસિંહ ગોહેલના જણાવ્યા અનુસાર, મણીનગર વિસ્તાર જાણે બેંગકોક-પતાયા બની ગયો હોય તેમ અહીં 18 જેટલા સ્પા-મસાજ સેન્ટરો ફુટી નીકળ્યા હતા. સ્કૂલ તેમજ ક્લાસીસ પાસે બેરોકટોક ચાલતા આ સ્પા સેન્ટરોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. વળી, પરપ્રાંતની મહિલાઓ તેમજ અન્ય સ્ટાફ દ્વારા ચલાવાતા આ સ્પા સેન્ટરોમાં ખરેખર તો ગોરખધંધા જ ચાલતા હતા.