મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (16:15 IST)

ગુજરાતમા દારૂબંધી સામે અવાજ ઉઠાવવો ભારે પડ્યો, ત્રણ વર્ષથી સાત પરિવારો ભટકી રહ્યાં છે

દારૂની બદીને દૂર કરવા સરકાર દ્વારા કડક કાયદાનું અમલીકરણ કરાયુ છે. પણ જો કોઇ વ્યક્તિ આ બદી સામે અવાજ ઉઠાવે તો તેણે અને તેના પરિવારે ગંભીર પરિણામ ભોગવવુ પડતુ હોય છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કસલપુર ગામમાં અસામાજીક તત્વોના ત્રાસથી ૩ વર્ષ પૂર્વે ગામમાંથી હિજરત કરી ગયેલા સાત પરિવારો આજે પણ દરદર ભટકી રહ્યા છે. આ પરિવાર પોતાની લાખોની મિલકત છોડીને આજે પણ પરિચિતોના ઘરે આશ્રય લઇ રહ્યા છે. જોકે,તંત્રએ તો ત્રણ વર્ષ પછી પણ આ પરિવારોને કોઇ મદદ નથી કરી. છેવટે આ પરિવારોએ ન્યાય માટે ભૂખહડતાલ માટે તંત્ર પાસે પરવાનગી માગી છે.

પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજનીકાન્ત પટેલના મત વિસ્તાર એવા જોટાણા તાલુકાના કસલપુરા ગામના સાત પરિવારને દારૂ અને જુગારની બદી સામે અવાજ ઉઠાવવો ભારે પડી ગયો છે. ગામમાં ચાલતી દારૂ અને જુગારની બદી સામે અવાજ ઉઠાવનાર આ પરિવારોને ૩ વર્ષ પહેલાં ગામ છોડવુ પડ્યુ હતુ અને છેલ્લા ૩વર્ષથી આ પરિવારના ૪૦ જેટલા સભ્યો પોતાના સગાસંબંધીના ઘરે આશ્રય લઇ રહ્યા છે. આ પરિવારો પાસે ગામમાં લાખોની મિલકત છે. પોતાના રહેણાંકના મકાન છે. પણ ત્રણ વર્ષથી આ પરિવારનો કોઇ વ્યક્તિ પોતાના ઘરની હાલત શુ છે, તે જોવા પણ નથી જઇ શક્યો. પરિવારના સભ્યો તેમને ન્યાય મળે તે માટે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. પણ ૩ વર્ષ પછી પણ આ પરિવારની વ્હારે કોઇ નથી આવ્યુ. છેવટે આ પરિવારનો લોકોએ તંત્ર તેમની વાત સાંભળે તે માટે હવે ભૂખ હડતાલ ઉપર ઉતરવાની તૈયારીઓ કરી છે. અને આ માટે તંત્ર પાસે પરવાનગી માંગવામાં આવી છે.

વર્ષ પહેલાં ગામમાં ચાલતા દારૂ અને જુગારનાં અડ્ડાઓ ધમધમી રહ્યાં હોવાની ગામનાં નાગરીકોએ રજૂઆતો કરી હતી. જોકે ગામમાં અડ્ડાઓ બંધ ન થયા પણ ફરિયાદ કરનાર પર કેટલાંક અસામાજીક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો. આથી યુવકોનાં પરિવારોએ ૨૦ જેટલા અસામાજીક તત્વો વિરૂધ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ બાદ પણ અસામાજીક તત્વોની ધરપકડ ન કરાતા પીડીતોએ ડીએસપી અને ગૃહરાજ્ય મંત્રીને રજૂઆતો કરી હતી. તેમ છતાં અસામાજીક તત્વો દ્વારા ધમકીઓ મળતી રહેતી હતી. ધમકીને પગલે પીડીત પરિવારો પોતાનાં મકાનને તાળું મારીને ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ ગામનાં જાગૃત નાગરીકોએ ઉચ્ચ અધિકારીઓને અનેક રજૂઆતો કરી હતી. ઉપરાંત અસામાજીક તત્વો વિરૂધ્ધ નોંધાયેલાં ગુનાઓ દર્શાવતાં ત્રણ-ત્રણ સ્મૃતિપત્રો પણ ગૃહરાજ્ય મંત્રીને મોકલાવ્યા હતા. આટઆટલી રજૂઆતો કરવા છતાં પણ, અને પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ અસામાજિક તત્વોએ કાયદાના લીરેલીરા ઉડાડયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે સુરક્ષાની આલબેલ પોકારતી આ સરકાર અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી માટે ગામની સ્થિતિ શરમજનક છે. અને વરવી વાસ્તવિકતા એ છે કે,ત્રણ વર્ષ પછી પણ આ પરિવારોને ન્યાય નથી મળ્યો. ત્યારે હવે આ પરિવારોને ઉપવાસ કરવાની પરવાનગી માગવી પડી છે.