શનિવાર, 5 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Modified: બુધવાર, 23 મે 2018 (13:04 IST)

શ્રદ્ધાંજલિ - વિનોદ ભટ્ટની વિનોદકથા

તારક મહેતા બાદ ગુજરાતમાં જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે વાચકોની વચ્ચે નથી રહ્યાં. આજે તેમના નિવાસસ્થાને તેમણે જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો.  આજે વેબદુનિયા ગુજરાતી તરફથી તેમને શ્રદ્ધાંજલિના રૂપમાં તેમની બે વિનોદકથા અહી પ્રસ્તુત કરીએ છીએ... વાંચો અને વાંચીને તમારા ચહેરા પર હાસ્ય આવે તો સમજો એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.. જય શ્રી રામ... 
 
 
 નસીબ
 
આમ તો તેને મિલમાં ગમે તે પાળીમાં બદલી મળી જતી. રોજ નહિ, અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ. પાસે પૈસા હોય ત્યારે ઘરની નજીક આવેલી સસ્તા અનાજની દુકાન પર તે ઘઉં, ચોખા કે ખાંડ લેવા જતો ત્યારે મોટા ભાગે ‘માલ ખલાસ છે… આવતા સોમવારે મળશે…’નું પાટિયું જ વાંચવા મળતું. વધુ દામ આપીને ખુલ્લા બજારમાંથી તેને ખાંડ-અનાજ ખરીદવાં પડતાં. ખૂબ ગુસ્સો આવતો તેને આ સસ્તાં અનાજની દુકાન પર. ગુસ્સાથી મુઠ્ઠીઓ વળી જતી. ક્યારેક આ દુકાન સળગાવી દેવાની પ્રબળ ઈચ્છા થઈ આવતી.
 
એક દિવસ શહેરમાં હુલ્લડ ફાટી નીકળ્યું. મોડી રાતે લોકોએ સસ્તા અનાજની દુકાન તોડી. તે પણ ઊભો ઊભો આ તૂટતી દુકાન સામે તિરસ્કારથી જોતો હતો. દુકાન તોડીને બધા અંદર ઘૂસ્યા. લાં….બા સમયની ખીજ ઉતારવાનો આ મોકો હાથમાંથી જવા દેવો ન જોઈએ એવા પાકા નિર્ધાર સાથે તે પણ ટોળા સાથે દુકાનમાં પેઠો. એટલામાં બહાર પોલીસવાનની સાયરન સંભળાઈ. ‘ભાગો, પોલીસ…..’ કોઈકે ચેતવ્યા. અંધારામાં જે વસ્તુ હાથમાં આવી તે લઈને બધા દોડવા માંડ્યા. એક કોથળો હાથ લાગ્યો તે લઈને તે પણ ઉતાવળથી નાસવા માંડ્યો. કોથળો ખાસ વજનદાર નહોતો, તેમ ખાલીય નહોતો. તેણે વિચાર્યું : ‘બે કિલો ચોખા હોય તોય ગનીમત છે. એય ક્યાંથી !’
 
દૂરથી પોલીસવાનને આવતી જોઈ કોથળા સાથે દોટ મૂકીને તે બાજુની ગલીમાં વળી ગયો. બત્તીના એક થાંભલા નીચે તે હાંફતો ઊભો રહી ગયો. કોથળો સહેજ પહોળો કરી તેણે જોયું તો પેલું પાટિયું હતું : ‘માલ ખલાસ છે…. આવતા સોમવારે મળશે….’
 
 
સાસુ-વહુની ખીચડી
 
કન્યાને સાસરે વળાવતી વખતે ભારે હૈયે તેની માએ કહ્યું : ‘દીકરી, મારી કહેલી બધી જ વાતોનું ધ્યાન રાખજે હોં !’ કન્યાએ રડતી આંખોએ હકારમાં ડોકું હલાવ્યું.
‘બેટા, સહનશક્તિ એ સ્ત્રીનો મોટામાં મોટો ગુણ છે એ ના ભૂલતી.’
‘તારી બધી જ વાતો મેં ગાંઠે બાંધી છે, મા….’ દીકરી ગળું સાફ કરતાં બોલી.
‘…..અને દીકરી, પેલી પોટલીની ગાંઠ છૂટી ના જાય એનું ધ્યાન રાખજે.’
 
‘એ પોટલીમાં શું છે, બા ?’ દીકરીએ આતુરતાથી પૂછ્યું.
‘એમાં ખીચડી છે. દાળ-ચોખા એકબીજામાં ભળી જાય તેમ તું તારી સાસુમાં ભળી જજે… ઘેર જઈને આ ખીચડી તું રાંધજે, અને તમે સાસુ-વહુ બન્ને, એક થાળીમાં આ ખીચડી જમજો… તમે બન્ને એક બનીને રહો એવી ભાવનાથી મેં ખીચડી બાંધી આપી છે…’ મા બોલી.
અને દીકરી સાસરે આવી.
દીકરી વહુ બની.
વહુએ દાળ-ચોખાની પોટલી છોડી.
વહુએ ખીચડી બનાવી.
સાસુ-વહુ બંને એક થાળીમાં ખીચડી જમવા બેઠાં.
અને જમતાં જમતાં જ સાસુ-વહુ લડી પડ્યાં. હવે આ એંઠી થાળી કોણે માંજવી એ મુદ્દા પર બન્ને લડતાં હતાં