1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સ્પાઈસી સ્વાસ્થ્યવર્ધક રેસીપી - સોયાબીન કોફતા

P.R
કોફતા માટે સામગ્રી - 100 ગ્રામ ન્યુટ્રીલા(સોયા ફૂડ), 1 કપ બાફેલા બટાકા, 1 ચમચી ચણાનો લોટ, 1 ઇંચ છીણેલું આદુ, 1 લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું, જરૂરિયાત પ્રમાણે તેલ.

ગ્રેવી માટે સામગ્રી - 2 ડુંગળી, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, અડધો કપ ટોમેટો પ્યુરી, અડધી ચમચી વરિયાળી, અડધો કપ દૂધ, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જીરૂ, અડધો કપ પાણી, એકાદ ચમચી ફુદીનો.

બનાવવાની રીત - સોયાબીનને પહેલા ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પલાળી રાખો અને પછી તેને પાણીમાંથી નીચોવી બહાર રાખી દો. ત્યારબાદ બધા મસાલાને એક વાટકામાં રાખો અને તેમાં પલાળેલા સોયાબીન નાંખી લોટ તૈયાર કરો. લોટ બાંધવા માટે પાણીનો પ્રયોગ ન કરો. એક ડીપ પેન લો અને તેમાં તેલ ગરમ કરો. એક બાજુ લોટમાંથી લુઆ બનાવો અને ગોળ આકાર આપો. આવા 12થી 15 કોફતા તૈયાર કરો અને તેને કઢાઈમાં ગરમ કરેલા તેલમાં તળીને કાઢી લો.

હવે એક કઢાઈ લો અને તેમાં તેલ ગરમ કરો અને જીરું નાંખી કાપેલી ડુંગળી ઉમેરો. ગેસની આંચ ધીમી કરી દો અને ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ નાંખો અને 1 મિનિટ સુધી રાંધો. હવે તેમાં હળદર પાવડર, મીઠું, ટોમેટો પ્યુરી, વરિયાળી, લાલ મરચું અને ગરમ પાણી નાંખી મિક્સ કરો. આને હલકી આંચ પર રાંધો અને જ્યારે મસાલામાંથી તેલ છુટવા લાગે એટલે સમજો કે મસાલો તૈયાર થઇ ગયો. હવે ગ્રેવીમાં પાણી અને દૂધ નાંખો અને સારી રીતે રાંધો. પછી તેમાં તૈયાર કરેલા કોફતા ઉમેરો અને તેને હલકી આંચ પર થોડીવાર સુધી ચઢવા દો. જ્યારે સબ્જી તૈયાર થઇ જાય ત્યારે ગેસની આંચ બંધ કરી દો અને તેમાં ફુદીનાના પાન નાંખી ગરમ-ગરમ ભાત કે પરોઠા અથવા નાન સાથે આ શાક પીરસો.