શિયાળાની સ્પેશ્યલ વાનગી - સૂરતી ઊંધિયું

undhiyu
Last Updated: ગુરુવાર, 24 નવેમ્બર 2016 (21:33 IST)
 
 
સામગ્રી: ૫૦૦ ગ્રામ બટાકા, ૫૦૦ ગ્રામ શક્કરિયાં, ૧૫૦ ગ્રામ રતાળુ, પ્રમાણસર તેલ, ૧૦૦ ગ્રામ ચણાનો જાડો લોટ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી હળદર, ૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી બૂરું ખાંડ, ૧૫૦ ગ્રામ મેથીની ભાજી, ૧૫૦ ગ્રામ નાના કાળા કે લીલા રવૈયા, ૨૫ ગ્રામ આદુ, ૧૦૦ ગ્રામ લીલાં મરચાં, ૧ મોટી ઝૂડી કોથમીર, ૨ ચમચી ખાંડ, અર્ધી ચમચી સાજીના ફૂલ, ૧ ચમચી ગરમ મસાલો, ૨ ચમચી તલ, પા ચમચી હિંગ, અર્ધી ચમચી નારિયેળનુ ભીનાશવાળુ કોપરૂ, ૭૫ ગ્રામ લસણ, ૪ આખા મરચાં(જો કે આ માપ તમે તમારે જોઈતી તીખાશ પ્રમાણે ઓછુ વત્તુ કરી શકો છો), ૧ ચમચી અજમો, ૫૦૦ ગ્રામ ફોલવાની પાપડી, ૧૫૦ ગ્રામ દાણા વગરની પાપડી, ૩૫૦ ગ્રામ તુવેર, પ્રમાણસર મીઠું.
વાનગી બનાવવાની રીત - બટાકા, શક્કરિયા અને કંદને છોલી, ધોઈ લૂછી, ટુકડા કરો અને ત્રણેય ચીજને તેલમાં નાખી તળી નાખો. ચણાના જાડા લોટમાં ઘઉંનો  જાડો લોટ, મીઠું, અર્ધી ચમચી મરચું, અર્ધી ચમચી હળદર, અર્ધી ચમચી ધાણાજીરું, ૧ ચમચી બૂરું ખાંડ નાખો. તેમાં મોણ નાખો. હવે મેથીની ભાજીને સમારીને, ધોઈને ચળણીમાં કાઢો. તેમાં મીઠું નાખ્ર્ર મસળો અને પાણી કાઢી નાખો, આનાથી કડવાશ જતી રહેશે. જાડા લોટમાં આ ભાજી નાખી લોટને મસળી કઠણ મૂઠિયા વાળી ગરમ તેલમાં તળી લો. 
 
રવૈયાને ધોઈને બે તરફથી કાપા કરો. વાટેલા આદુ-મરચાં, કોથમીર, ખાંડ, મીઠું, ધાણાજીરું, સહેજ સાજીના ફૂલ, ગરમ મસાલો, તલ ભેગાં કરી મસાલો રવૈયામાં ભરો. લીલવા પણ વાટીને નાખી શકાય.
 
એક વાસણમાં તેલ લઈને હિંગ નાખી રવૈયા વધારો અને ચડાવો. કોથમીરને ઝીણી સમારી ધોઈને થાળીમાં મૂકો. તેમાં વાટેલું આદુ, વાટેલાં મરચાં નાખો. તલ, કોપરાની છીણ, વાટેલું લસણ, ખાંડ, મીઠું અને ધાણાજીરું નાખો. બધુ ભેગુ કરીને મસાલો તૈયાર કરો. વધારે તેલ મૂકીને તેમાં આખાં લાલ મરચાં, અજમો, મરચું, હળદર અને હિંગ નાખી પાપડી, વાલના દણા અને લીલા તુવેરના દાણા નાખો. થોડું મીઠું અને સાજીના ફૂલ પાણીમાં ઓગાળીને  નાખવા. ઢાંકીને ચડવા દો. કૂકરમાં એક વ્હીસલ વગાડીને પણ બાફી શકો.કોથમીરમાં નાખેલા મસાલામાં ગરમ મસાલો નાખો અને બટાકા, શક્કરિયાં, રતાળુ તળીને નાખો. પછી બધું ભેળવો. પછી તેમાં મૂઠિયાં અને ચડેલા રવૈયા નાખો. દાણા ચડી જાય એટલે આ બધું તેમાં નાખી દો. બરાબર મિક્સ કરો. ઉંધિયા પર કોથમીર અને કોપરાની છીણ ભભરાવી ગરમ ગરમ પીરસો.
 


આ પણ વાંચો :