શુક્રવાર, 2 ડિસેમ્બર 2022
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By હરેશ સુથાર|

જ્ઞાન, વિદ્યાના દેવ - શ્રીવિશ્વકર્મા દાદા

મહાસુદ તેરસ શ્રીવિશ્વકર્મા દાદાની જન્મ જ્યંતિ

P.R

કંબાસૂતત્રાંબુપાત્રં વહતિ કરતલે પુસ્તકં જ્ઞાનસૂંત્રં
હંસારૂઢ ત્રિનેત્ર: શુભં મુકુટં શિર સર્વતોવૃદકાયઃ
ત્રૈલોક્યં યેન સૃષ્ટિં સકલ સુરગૃહં રાજ્યહમર્યાદિ હર્મ્યા
દેવોસા સૂત્રધારો જગતિખિલ હિતઃ પાતુવો વિશ્વકર્માઃ

અર્થાત જેના એક હાથમાં કાંબી, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક અને ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે. જેઓની બેઠક હંસ ઉપર છે, જેમને ત્રણ નેત્ર છે. મસ્તક ઉપર સુંદર મુકુટ શોભી રહ્યો છે. જેમનું શરીર સર્વ પ્રકારે વૃધ્ધિ પામેલું છે. જે ત્રણેય લોકના રચિયતા છે એવા સર્વ જગતનું હિત કરતા જે દેવધામ, રાજમહેલ અને તમામ ધામો જેમણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા સુખર્તા વિશ્વકર્મા પ્રભું છે.

પૃથ્વીના રચિયતા એવા ભગવાન શ્રીવિશ્વકર્મા વાસ્તપશાસ્ત્ર સહિત માનવ ઉપયોગી સહિત તમામ કારીગરીના પ્રણેતા છે. વિશ્વકર્મા દાદા અંગે પુરાણોમાં વિશેષ ઉલ્લેખ છે. વિષ્ણું પુરાણના પહેલા અંશમાં ભગવાન વિશ્વક્રમાને શિલ્પકાર તરીકે ઓળખવામાં આવ્યા છે. શિલ્પગ્રંથોમાં તેમને સૃષ્ટિકર્તા કહેવામાં આવ્યા છે. સ્કંદપુરાણમાં તેમને દેવભવનોના નિર્માતા કહ્યા છે. તેઓ કારીગરીમાં એટલા બધા નિપુણ છે કે તેઓ પાણી ઉપર પણ ભવનનું નિર્માણ કરી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારીકા નગરીનું નિર્માણ કાર્ય પણ ભગવાન વિશ્વકર્માએ જ કર્યું હતું. એવું કહેવાય છે કે, માનવજીવનને નુકશાન કરતી સૂર્યની તેજ જ્વાળાઓનો સંહાર પણ શ્રીવિશ્વકર્મા દાદાએ જ કર્યો હતો.

પૃથ્વીલોક, પાતાળ લોક તથા દેવ લોકમાં જે પૂજનીય છે એવા ભગવાન શ્રીવિશ્વકર્મા દાદાની મહાસુદ તેરસના દિવસે જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું કારીગર વર્ગમાં ઘણું મહત્વ છે. આ દિવસે સુથાર, પંચાલ, લુહાર, સોની સહિતનો કારીગર વર્ગ ધામધુમથી ઉજવણી કરે છે.

દાદાની સ્તુતિ
નમોસ્તુ વિશ્વરૂપાય વિશ્વરુપાતેય નમઃ
નમો વિશ્વત્માભૂતાય, વિશ્વકર્મન્નમોસ્તુતૈ

અર્થાત
વિશ્વ જેનું રૂપ છે, વિશ્વ જેનો આત્મા છે અને જે પ્રાણી માત્રમાં વ્યાપક છે તેવા વિશ્વકર્માને હું નમસ્કાર કરૂ છું.

શ્રીવિશ્વકર્માનો બીજમંત્ર
ઓમ ત્રિગુણાત્માય વિધ્મહે સૃષ્ટિકર્યા ધીમહિ તન્નોવિશ્વં પ્રચોદયાત

ભગવાન શ્રીવિશ્વકર્માના ચાલીસા

ભગવાન શ્રીવિશ્વકર્માને મનુ, મય, ત્વષ્ટા, તત્પુરૂષ અને દૈવજ્ઞ નામના પાંચ ઓજશ પુત્રો હતા. આ પુત્રો દ્વારા આખા જગતનું કામ થાય છે. ધર્મપુરાણોના આધારે આ પાંચ પુત્રોની વિગત જાણીએ તો આ પાંચ પુત્રો એટલે વિવધ કારીગરી. ભગવાન વિશ્વકર્માનું પૂર્વમુખ એટલે મનું. તેમનું ગોત્ર સનાગ છે અને તે લુહાર કહેવાયા. વેદની દ્રષ્ટિએ તે ઋગ્વેદ તરીકે ઓળખાયા, તેમની પત્નીનું નામ કાંચના હતું.

દક્ષિણમુખ એટલે મય અને તે સુથાર કહેવાયા. તેમનું ગોત્ર સનાતન તેમજ વેદમાં યર્જુવેદ તરીકે ઓળખાય છે. તેમની પત્નીનું નામ સુલોચના હતું.પશ્વિમમુખ એટલે ત્વષ્ટા અને તે કંસારા બંધુઓ તરીકે જાણીતા થયા. તેમનું ગોત્ર અહભુન કહેવાયું અને વેદમાં તે સામવેદ તરીકે ઓળખાય છે.

ઉત્તરમુખેથી ઉત્તપન્ન થયેલ તત્પુરૂષ શિલ્પી કહેવાયા. કરૂણા તેમની પત્ની હતી. બ્રહ્માર્ષિ ગોત્રવાળા તત્પુરૂષનો વેદ અથર્વવેદ છે તેમજ ઇશાનમુખવાળા દેવજ્ઞ સુવર્ણ ગોત્રવાળા છે અને તે સોની કહેવાયા. વેદમાં તે સુક્ષ્મવેદ છે અને ચંદ્રિકા તેમની પત્ની છે. આ ઉપરાંત વિશ્વકર્મા ભગવાનની બે માનસ પુત્રીઓ પણ હતી. ઇલા ઉર્ફે સંજ્ઞા અને અનામી. સંજ્ઞાના લગ્ન ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર સૂર્ય સાથે થયા હતા. જ્યારે બીજી પુત્રી અનામીના લગ્ન પ્રિયવ્રત નામના રાજર્ષિ સાથે થયા હતા.