બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: બુધવાર, 4 માર્ચ 2015 (14:43 IST)

હોળીની મજા બગડી ન જાય એ માટે ધ્યાન રાખો ટિપ્સ

હોળી એ આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ છે. આ તહેવાર હવે તો આખી દુનિયામાં ઊજવવામાં આવે છે. આ તહેવાર નાના -મોટા સૌ કોઇ સાથે મળીને આનંદથી ઊજવે છે. આ ઉત્સવમાં કોઇ અકસ્માત ન થાય એ હેતુએ હોળીના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે.

હોળીનો દિવસ જૂના રાગ અને દ્વેષ ભૂલીને નવેસરથી પ્રેમસભર સંબંધોની શરૂઆત કરો એ આશયથી અહીં કેટલાંક સુરક્ષા સંબંધી સુચનો આપ્યાં છે. આ સૂચનોને ધ્યાનમાં રાખીને સુરક્ષિત રીતે હોળી રમજો.

-  કુદરતી રંગોથી રમો એ હોળી રમવાની શ્રેષ્ઠ રીત ગણાય. કુદરતી રંગો ન મળે તો સાદા કોરા રંગોથી પણ તમે રમી શકો છો. કુદરતી રંગોથી રમ્યા બાદ તમે જ્યારે એને સાદા પાણીથી ધોશો એટલે એ તુરત જ નીકળી તો જશે પણ સાથે સાથે તમારી ત્વચાને પણ નુકસાન નહીં પહોંચાડે.

-  લાલ અને ગુલાબી રંગનો વધુ ઉપયોગ કરજો. એ દેખાશે પણ સરસ અને ઝડપથી સાફ પણ થઇ જશે. લીલો, જાંબુડી, પીળો, કાળો અને સોનેરી રંગોથી દૂર રહેજો. આ રંગો શરીર પરથી કાઢતા ચામડી છોલાઇ જતી હોય છે. એમાંનાં રસાયણોની આડઅસર ત્વચા પર લાંબા સમય સુધી રહેતી હોય છે.

- હોળી રમવા જતાં અગાઉ ચહેરા પર ક્રીમ કે મલાઇ કે પછી તેલ લગાવવાનું ભૂલતા નહીં. આ રીતે તમારા ચહેરાની ત્વચા જળવાઇ રહેશે.

-  તમારા વાળમાં પણ તેલ નાખીને બહાર નીકળજો જેથી રંગ ઝડપથી નીકળી જાય. તમારા વાળને રંગોની આડઅસરથી બચાવવા માટે માથે સ્કાર્ફ કે રૂમાલ બાંધીને હોળી રમવા નીકળો.

-  આંખમાં અને મોઢામાં રંગ ન જાય એની ખાસ કાળજી રાખજો. કોઇ મોઢા પર રંગ લગાવવા આવે ત્યારે આંખ અને મોઢું બંધ રાખવું. બને ત્યાં સુધી સનગ્લાસ પહેરીને બહાર નીકળવું.

- સાબુથી મોઢું ધોવા કરતાં ક્લિન્સિંગમિલ્ક કે સાદા દૂધથી પહેલા ધોવાથી મોઢાની ત્વચા સુકાઇને ખરાબ નહીં થાય.

-  જૂના અને ફેંકી દેવાના હોય એવા કપડાં પહેરીને નીકળવાની વાત તો બધા જ જાણે છે પણ જો તમે એમ ઇચ્છતા હો કે લોકો તમને ઓછા રંગે તો કાળા રંગના કપડાં પહેરીને નીકળજો.

-  મહિલાઓએ આ દિવસે ખાસ ધ્યાન રાખવાનું કે હોળીને બહાને કોઇ એમનો ગેરલાભ ન લે. મિત્રો કે પતિના મિત્રો પણ આ દિવસે હોળીના બહાને કે પછી ભાંગ કે ડ્રિંકના નશામાં હોવાને બહાને મહિલાઓને અડપલાં કરી લેતા હોય છે. તો એવું ન બને એનું ધ્યાન રાખજો.

-  ભાંગ, ડ્રિન્ક કે એવા કોઇપણ નશાથી દૂર રહેજો કે જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે.

-  ભીની ફરસ પર દોડાદોડ ન કરવી. હોળીને દિવસે ઘણા લોકોના આ રીતે દોડીને પડવાથી હાડકાં ભાંગતા હોય છે. યાદ રાખજો આ દિવસે તમને કોઇ ડૉક્ટર પણ નહીં મળે.

-  ભાંગ કે ડ્રિન્ક પીને વાહન ન ચલાવતા.

જો ઉપરની સલાહ વાંચ્યા છતાં તમે હોળી રમવાનો વિશેષ શોખ ધરાવતા હો તો ર્ફ્સ્ટ એઇડ કિટ હાથવગી હોય એનું ખાસ ધ્યાન રાખજો.