શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Modified: રવિવાર, 7 ઑગસ્ટ 2022 (00:13 IST)

Best of Bharat - છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !

Indian Poets/writers who shaped the freedom struggle

યા હોમ કરીને પડો ફતેહ છે આગે,
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..
 
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..
 
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નેપોલિયન ભીડ્યો યુરોપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામા,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..
 
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે…યા હોમ..
 
-કવિ નર્મદ
 
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !
 
સુર-અસુરના નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
ઓ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !
 
કહેશે જગત : જોગી પણા શું જોગ ખૂટ્યા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટ્યાં ?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?
દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ !
સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !
 
ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !
 
શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ !
 
જગ મારશે મે’ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !
 
જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
 
ચાલ્યો જ્જે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !
 
– ઝવેરચંદ મેઘાણી
 
 
ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ ! … ગુણવંતી ગુજરાત !
 
મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ ! … ગુણવંતી ગુજરાત !
 
સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગમાં અર્પણ કરિયે જાત ! … ગુણવંતી ગુજરાત !
 
ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય … ગુણવંતી ગુજરાત !
 
સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર ! … ગુણવંતી ગુજરાત !
 
હિન્દુ મુસ્લિમ,પારસી,સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરિયે સેવા સહુ કાળ ! … ગુણવંતી ગુજરાત !
 
ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર … ગુણવંતી ગુજરાત !
 
– અરદેશર ખબરદાર
 
 
સ્વતંત્રતાની સુરક્ષાને માટે મન મૂકીને લડનારા
શૂરા સૈનિકોની સ્મૃતિમાં આપણે બીજું તો શું કરી શકીએ ?
પરંતુ એમને આદરપૂર્વકના અનુરાગની અંજલિ અવશ્ય આપીએ.
 
હિમાલય પર્વત પરની પ્રતિકૂળ પરિસ્થિતિમાં,
શત્રુની સામે એ હસતાં હસતાં લડ્યા, ઝૂઝ્યા, ને મર્યા કે બલિ બન્યા.
છેલ્લા શ્વાસ સુધી એમણે સ્વતંત્રતાની સુરક્ષા કરી,
અને મરતી વખતે પણ પ્રાણમાં એ જ ભાવના ભરી કે,
માતૃભૂમિને માટે પોતે ફરીફરી જન્મે ને જરૂર પડે ત્યારે મરે.
મરતી વખતે પણ એમણે એ જ ભાવના ભરી.
 
દુશ્મન-દળની સામે દુર્ઘર્ષ દીવાલની જેમ ઊભા રહ્યા,
અને આતંકકારી આક્રમણખોરોને
પોતાની શૂરવીરતાનો સ્વાદ સારી પેઠે ચખાડી દીધો.
કૃત્યંતની પેઠે કાયરતાને ફગાવી દઈને એ રણસંગ્રામમાં કૂદી પડ્યા,
અને અનેકને મારીને જ પછી મર્યા.
 
મરતી વખતે એમની આંખમાં આત્મસંતોષ હતો,
અને એમના શ્રીમુખ પર શાંતિ.
કાળજામાં કર્તવ્યપાલનની પ્રતીતિ હતી,
અને અંતરાત્મામાં હતો અવર્ણનીય અને અસાધારણ આહલાદ.
મૃત્યુની મિત્રતા તથા ફિકરની ફાકી કરીને જંગમાં ઝૂઝનારા એ જવાંમર્દો
જીવનનું સાફલ્ય કરતાં ચિરનિદ્રામાં પોઢી ગયા,
પરંતુ ધરિત્રી પણ એમના હેતથી હાલી ઊઠી.
 
સ્વતંત્રતાને માટે સર્વસમર્પણ કરનારા એ સૈનિકોની સ્મૃતિમાં
આપણે બીજું તો શું કરીએ ?
પરંતુ એમને પગલે ચાલી માતૃભૂમિને માટે મરી ફીટવાની પ્રતિજ્ઞા લઈએ,
સ્વતંત્રતાની સુરક્ષા તથા સમૃદ્ધિને માટે બનતું બધું જ કરી જઈએ, તો પણ ઘણું.
એમની સોનેરી સનાતન સ્મૃતિને હૃદયમાં જડી દઈએ.
 
– શ્રી યોગેશ્વરજી કૃત ‘અક્ષત’માંથી (સાભાર સ્વર્ગારોહણ)