શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભારતીય રાષ્ટ્રપતિ ચૂંટણી
Written By
Last Updated : ગુરુવાર, 21 જુલાઈ 2022 (13:59 IST)

President Poll: કેવી રીતે થાય છે મતગણતરી, કેટલા મતોથી નક્કી થશે જીત ? જાણો રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીનુ ગણિત

president
રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ જીતશે કે વિપક્ષના યશવંત સિંહા, તે આજે નક્કી થશે. જો કે, આજે તમે એક જ શબ્દ વારંવાર સાંભળશો તે છે ઇલેક્ટોરલ કૉલેજ. આ શબ્દ કેટલો મહત્વનો છે તે એ વાત પરથી સમજી શકાય છે કે આજે રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પણ આ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા નક્કી કરવામાં આવશે.  આવો  જાણીએ શુ છે  ઈલેક્ટોરલ કોલેજ અને કઈ રીતે નક્કી થાય છે સાંસદ કે ધારાસભ્યના વોટનું મૂલ્ય? આખરે, મતગણતરી દરમિયાન કયો ઉમેદવાર જીત્યો તે જાણવાની શુ છે રીત.. 
 
શુ છે ઈલેક્ટોરલ કોલેજ ? 
 
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા અને તમામ રાજ્યોના ધારાસભ્યોએ પોતાનો મત આપ્યો. આ દરેક મતનું મહત્વ અલગ-અલગ છે. અલગ-અલગ રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય પણ અલગ-અલગ હોય છે. સાંસદના વોટની કિંમત 700 છે. તે જ સમયે, ધારાસભ્યોના મતનું મૂલ્ય તે રાજ્યની વસ્તી અને બેઠકોની સંખ્યા પર આધારિત છે. ઈલેક્ટોરલ કોલેજ એ સાંસદો અને ધારાસભ્યોના મતોના કુલ મૂલ્યનો સરવાળો છે. બંને ઉમેદવારોમાં, જે આ ઇલેક્ટોરલ કૉલેજના 51 ટકા મત મેળવશે તે વિજેતા બનશે.
 
આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા મતદારો હતા?
લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપે છે. 245 સભ્યોની રાજ્યસભામાંથી 233 સાંસદોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી (નોમિનેટેડ સાંસદો મતદાન કરી શક્યા ન હતા). આ સાથે લોકસભાના 543 સભ્યોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
president election
આ સિવાય તમામ રાજ્યોના કુલ 4 હજારથી વધુ ધારાસભ્યોને મત આપવાનો અધિકાર હતો. આ રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 4 હજાર 796 હતી. જો કે, તેમના મતોની કિંમત અલગ-અલગ હતી. 
 
રાજ્યના ધારાસભ્યોનો મતનુ કેટલુ મહત્વ હોય છે ?
દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના ધારાસભ્યનું મહત્તમ મત મૂલ્ય 208 હતું. તે જ સમયે, આ પછી, ઝારખંડ અને તમિલનાડુના એક ધારાસભ્યના મતનું મૂલ્ય 176 અને મહારાષ્ટ્રના એક ધારાસભ્યના મતનું મૂલ્ય 175 હતું.
 
બિહારના એક ધારાસભ્યના વોટની વેલ્યુ 173 હતી. સૌથી ઓછી વેલ્યુ સિક્કિમના ધારાસભ્યોની હતી. અહીના એક ધારાસભ્યના વોટની વેલ્યુ સાત હતી. ત્યારબાદ નંબર અરુણાચલ અને મિજોરમના ધારાસભ્યોનો આવે છે. અહીના એક ધારાસભ્યના વોટની વેલ્યુ આઠ હતી. 
 
સાંસદોના મતનું શું છે મૂલ્ય ?
રાજ્યસભા અને લોકસભાના સભ્યોના એક વોટની કિંમત 700 હતી. બંને ગૃહોમાં સભ્યોની સંખ્યા 776 છે. આ અર્થમાં, સાંસદોના તમામ મતોનું મૂલ્ય 5,43,200 છે. હવે જો વિધાનસભાના સભ્યો અને સાંસદોના મતોની કુલ કિંમત જોઈએ તો તે 10 લાખ 86 હજાર 431 થાય છે. મતલબ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આટલા મૂલ્યના મહત્તમ મતો પડી શકે છે.
president election
એક મતની કિંમત જુદી જુદી કેમ હોય છે ? 
 
દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની વસ્તી અલગ-અલગ છે. આ ચૂંટણીમાં દરેક મતનું મૂલ્ય રાજ્યની વસ્તી અને ત્યાંની વિધાનસભા બેઠકોની કુલ સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે દરેક મત લોકોનું સાચા અર્થમાં પ્રતિનિધિત્વ કરે.
 
મતોનું આ મૂલ્ય વર્તમાન અથવા છેલ્લી વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવતું નથી. આ માટે 1971ની વસ્તીને આધાર બનાવવામાં આવી છે. 2,026 પછી યોજાનારી વસ્તી ગણતરી બાદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વસ્તી ગણતરીનો આધાર બદલાશે. એટલે કે 2031ની વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા બાદ સાંસદો અને ધારાસભ્યોના વોટનું મૂલ્ય 1971ના બદલે 2031ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવશે.
 
હવે વાત ધારાસભ્ય અને સાંસદના વોટના મૂલ્યની. બંનેના મૂલ્ય નક્કી કરવાની રીત જુદી જુદી છે. ધારાસભ્યના મતનુ મૂલ્ય એક સાધારણ સૂત્રથી નક્કી થાય છે. સૌ પહેલા એ રાજ્યની 1971ની વસ્તીગણતરી મુજબ જનસંખ્યા લે છે. ત્યારબાદ એ રાજ્યના ધારસભ્યોની સંખ્યાને હજારથી ગુણા કરવામાં આવે છે. ગુણા કરવા પર જે જનસંખ્યા મળે છે તેને કુલ જનસંખ્યા સાથે ભાગાકાર કરવામાં આવે છે. તેનુ જે પરિણામ આવે છે તે જ એ રાજ્યના એક ધારાસભ્યના વોટનુ મૂલ્ય હોય છે. 
 
આપણે આ વાતને એક ઉદાહરણથી સમજીએ. દાખાલ તરીકે 1971માં ગુજરાતની કુલ વસ્તી 4,38,49,905 હતી. રાજ્યમાં કુલ 198  વિધાનસભા બેઠકો છે. કુલ બેઠકોને 1000 વડે ગુણાકાર કરવાથી આપણને 198000 મળે છે. હવે આપણે 4,38,49,905 ને 198000 વડે ભાગીએ તો આપણને 221.46 જવાબ મળે છે. મત દશાંશમાં ન હોઈ શકે, આમ  ગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય 221 છે.
 
હવે વાત કરીએ સાંસદોના વોટના મૂલ્યની. સાંસદોના મતના મૂલ્ય પર પહોંચવા માટે તમામ ધારાસભ્યોના મતનું મૂલ્ય ઉમેરવામાં આવે છે. જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે જે સંખ્યા આવે છે તેને રાજ્યસભા અને લોકસભાના સાંસદોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. તે સાંસદના મતનું મૂલ્ય છે. ઉદાહરણ તરીકે, ગુજરાતના 198 ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય 221*198  એટલે કે 43758 છે.
 
એ જ રીતે, દેશભરના તમામ ધારાસભ્યોના મત મૂલ્યનો સરવાળો 543,231 છે. રાજ્યસભાના કુલ 233 અને લોકસભાના 543 સાંસદો 776 છે. હવે 5,43,231 ને 776 વડે ભાગવાથી આપણને 700.03 મળે છે. આ પૂર્ણાંકમાં 700 લેવામાં આવે છે. આમ એક સાંસદના વોટની કિંમત 700 છે. ધારાસભ્યો અને સાંસદોના કુલ મતને 'ઇલેક્ટોરલ કોલેજ' કહેવામાં આવે છે. આ સંખ્યા 10,86,431 છે. જે ઉમેદવાર આ સંખ્યાના અડધાથી વધુ એટલે કે 5,43,216 મત મેળવશે તેને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવશે.