ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (23:52 IST)

ગુજરાતમાં આવતા વર્ષથી મેડિકલ શિક્ષણ ગુજરાતી ભાષામાં પણ શરૂ થશે

medical
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી–2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. બીજી તરફ આવતા વર્ષથી મેડિકલ શિક્ષણ ગુજરાતી ભાષામાં પણ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી છે. વધુમાં NEP-2020માં દર્શાવેલ ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 'ગુજરાત NEP સેલ' હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી છે.તેમણે જણાવ્યું હતું કે,  રાજ્યની 45 જેટલી યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD)પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ‘Digi Locker’ પર રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરવામાં આવેલ છે.  રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓએ Multiple Entry-Exitને સમર્થન આપવા માટે તેમના અભ્યાસક્રમમાં વિવિધ વૈકલ્પિક વિષય ઉમેરવામાં આવી છે અને આ વૈકલ્પિક વિષયના ક્રેડિટનો વિદ્યાર્થીઓના ઓવરઓલ ગુણાંકમાં સમાવેશ કરવામાં આવનાર છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મેડિકલના વિદ્યાર્થી સરળતાથી સમજી શકે તે માટે આપણે ગુજરાતી અભ્યાસક્રમ બનાવા જઈ રહ્યાં છીએ. પરીક્ષાર્થીઓ માટે ગુજરાતી અને અંગ્રેજી ઓપ્સન ખુલ્લા રહશે. તેમણે ઉમેર્યું કે, તે માટે મેડિકલ ફેકલ્ટીમાં પણ તમામ વિષય ગુજરાતી અભ્યાસક્રમ બનાવાશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં મેડિકલ અભ્યાસ શરૂ થઈ જશે અને વિદ્યાર્થીઓ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ભણી શકાશે.આ બાબતે સરકારે ગત વર્ષે નિર્ણય લીધો હતો પરંતુ અમલવારી હવે થશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.