મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શો ખુલ્લો મુક્યો, તમામ સિવિક સેન્ટર ખાતેથી ટિકીટ મળશે  
                                       
                  
				  				  
				   
                  				  અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની લોકોએ ભરપુર મજા માણી છે અને હવે રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે "ફલાવર શો" યોજાશે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને G-20 થીમ આધારિત સકલ્પ્ચરની તેમજ ફૂલ છોડની માહિતી પણ મેળવી હતી. ફલાવર શોમાં જવા માંગતા લોકો તમામ ઝોનલ ખાતેના સિવિક સેન્ટર ખાતેથી ફ્લોવર શો માટેની ટિકિટ ખરીદી શકાશે. તે ઉપરાંત ફ્લોવર શો ખાતેથી પણ ટિકિટ મેળવી શકાશે. 12 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિ માટે રૂ. 30ની ફી રહેશે. તે ઉપરાંત 13 દિવસ સુધી અટલ બ્રિજ બપોરે 2 વાગ્યાથી લોકો માટે બંધ રહેશે.અમદાવાદના મેયર કિરીટ પરમારે પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર તેમજ વિવિધ કલરની ગ્રીન વોલ આકર્ષક સેલ્ફી પોઇન્ટ તેમજ જુદી જુદી સાઈઝના ફ્લાવર ટાવર સહિત અલગ અલગ થીમ આધારિત જુદા જુદા કલ્ચર ફ્લાવર શોમાં રહેશે. અમે ટિકિટના ધસારાને ધ્યાનમાં રાખી અને તમામ ઝોનલ સેન્ટર ઉપર ટિકિટના વેચાણની સુવિધા શરૂ કરી છે. જેથી લોકો નજીકના સિવિક સેન્ટર ઉપરથી મેળવી શકશે. તેમજ ઓનલાઇન રિવરફ્રન્ટની વેબસાઈટ ઉપર પણ તેઓ ફ્લાવર શોની ટિકિટ મેળવી શકશે.
	
				  
				  
	
	ફૂલ છોડના રોપાના વેચાણ માટે પણ સાત નર્સરીના સ્ટોલ રાખવામાં આવ્યા છે.ફ્લાવર શોમાં આ વખતે મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યાં છે. ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તથા જુદા જુદા કલરનાં ફલાવર રોલનાં સ્કલ્પચર જુદી જુદી સાઇઝનાં ફલાવર ટાવરનું સ્કલ્પચર, બોલ સાથે ડોલ્ફીન પણ હશે.