અરવિંદ કેજરીવાલ : 'મોદીજી તમારી લડાઈ મારી સાથે છે, મારાં માતા-પિતાને પ્રતાડિત ન કરો'
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડા પ્રધાન તમારી લડાઈ મારી સાથે છે, મહેરબાની કરીને મારાં વૃદ્ધ અને બીમાર માતા-પિતાને પ્રતાડિત ન કરો.
અરવિંદ કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટના મામલે દિલ્હી પોલીસ તેમનાં માતા-પિતા સાથે પૂછપરછ કરશે.
અરવિંદ કેજરીવાલે જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, "વડા પ્રધાન મોદીએ મને તોડવાના ઘણા પ્રયત્નો કર્યો. જોકે, મને તોડી ન શક્યા. મારી ધરપકડ પણ કરવામાં આવી. તિહાડ જેલમાં મને અનેક રીતે પ્રતાડિત કરીને તોડવાના પ્રયત્નો કર્યા. જોકે, હું તૂટ્યો નહીં."
"આજે તમે બધી જ હદો પાર કરી દીધી. તમે મને તોડવા માટે મારાં વૃદ્ધ અને બિમાર મા-બાપને નિશાનો બનાવ્યાં. મારાં માતા ખૂબ જ બીમાર રહે છે. મોદીજી 21 માર્ચે જ્યારે તમે મારી ધરપકડ કરી હતી તે જ દિવસે રાત્રે મારાં માતા હૉસ્પિટલથી પાછાં ફર્યાં હતાં. મારા પિતા 85 વર્ષના છે અને તેઓ સરખી રીતે સાંભળી પણ શકતા નથી."
કેજરીવાલે કહ્યું, "શું તમને લાગે છે કે મારાં માતા-પિતા ગુનેગાર છે. પોલીસે દ્વારા તેમની પૂછપરછ શું કામ કરાવો છો? મારાં વૃદ્ધ અને બીમાર માતા-પિતાને કેમ હેરાન કરી રહ્યા છો?"
"તમારી લડાઈ મારી સાથે છે. મારાં માતા-પિતાને હેરાન કરવાનું બંધ કરો."
અરવિંદ કેજરીવાલે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું, "હું મારાં માતા-પિતા અને પત્ની સાથે પોલીસની રાહ જોઈ રહ્યો છું. પોલીસે ગઈ કાલે ફોન કરીને મારાં માતા-પિતા પાસેથી પૂછપરછ માટે સમય માંગ્યો હતો. જોકે, પોલીસ આવશે કે નહીં તે વિશે પોલીસે કોઈ જાણકારી ન આપી."
આમ આદમી પાર્ટીનાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલે 13 મેના દિવસે મુખ્ય મંત્રી નિવાસમાં અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર પર કથિત મારપીટના આરોપ લગાવ્યા છે.
આમ આદમી પાર્ટીએ માલીવાલના આરોપોને ફગાવ્યા છે.
બિભવ કુમારના પિતા મહેશ્વર રાયે કહ્યું છે કે "તેમનો પુત્ર નિર્દોષ છે".