ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: સોમવાર, 1 એપ્રિલ 2024 (16:03 IST)

પોતાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિયોની માગ પર શું બોલ્યા રૂપાલા?

rupala
પરશોત્તમ રૂપાલાએ એક ભાષણમાં કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય-રાજપૂત સમાજે તેમનો વિરોધ કરતાં તેમને બે વખત જાહેરમાં માફી માંગવી પડી હતી. જોકે, છતાં તેમની સામેનો વિરોધ અટકવાનું નામ લઈ રહ્યો નથી.
 
હવે પરશોત્તમ રૂપાલાની જગ્યાએ ભાજપ અન્ય ઉમેદવારનું નામ રાજકોટ બેઠક પરથી જાહેર કરી શકે છે તેવી અટકળો મીડિયામાં ચાલી રહી છે.
 
આ અટકળોને રૂપાલાએ આજે એક પત્રકારપરિષદમાં પાયાવિહોણી ગણાવી છે. પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં જણાવ્યું કે “તેમને દિલ્હીથી કોઈએ બોલાવ્યા નથી. ત્રીજી એપ્રિલે તેઓ કૅબિનેટની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યા છે.”
 
શું તેમને હઠાવીને મોહન કુંડારિયાનું નામ ઉમેદવાર તરીકે ચાલી રહ્યું છે? આ સવાલ જ્યારે પત્રકારોએ પૂછ્યો ત્યારે તેના પર કોઈ પણ કૉમેન્ટ કરવાનો તેમણે ઇન્કાર કરી દીધો.
 
જોકે, તેમણે કહ્યું, “કોઈ પણ ઉમેદવારને મૂકવો કે બદલવો તેનો અધિકાર પક્ષના પાર્લામેન્ટરી બૉર્ડને છે.”
 
તેમણે એમ પણ કહ્યું કે અધિકૃત સમાચારો સિવાય મીડિયાએ આ પ્રકારની અટકળો ફેલાવવી ન જોઈએ. તેમણે આ મામલે મજાકમાં કહ્યું, “આજે પહેલી એપ્રિલ છે એટલે આવા મામલે આજે તો ન જ પડવું જોઈએ.”
 
મોહન કુંડારિયાના નામની ચાલતી અટકળો પર તેમણે ફોડ પાડતાં જણાવ્યું કે કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે પહેલાથી જ નક્કી છે.
 
વિવાદીત નિવેદન બાદ ક્ષત્રિય-રાજપૂતો દ્વારા થઈ રહેવા વિરોધ મામલે તેમણે કહ્યું, “મેં તો મારી શાબ્દિક ભૂલ બદલ માફી માગી લીધી છે. સોશિયલ મીડિયામાં પણ માગી છે અને ક્ષત્રિય સંમેલનમાં રૂબરૂ જઈને પણ માફી માગી છે. હવે મારી ઉમેદવારી રદ કરવાની માગ તેમણે પાર્ટી સમક્ષ કરી છે તો આ પાર્ટી અને ક્ષત્રિય સમાજની વચ્ચેનો મામલો છે. તે અંગે હું કોઈ નિવેદન આપવા માગતો નથી.”
 
તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન થઈ જાય તેવા પ્રયત્નો અમે અને અમારી પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે.
 
જોકે, ક્ષત્રિય સમાજના રોષ પાછળ ભાજપના જ કોઈ આગેવાનોનો હાથ હોવાની શક્યતાને તેમણે નકારી છે. તેમણે આ મામલે કહ્યું, “મને નથી લાગતું કે કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરતું હોય.”
 
જો પાર્ટી કહે કે તમારી જગ્યાએ અન્ય ઉમેદવાર મૂકવો તો તમારું શું વલણ રહેશે? આ પ્રશ્નના જવાબમાં રૂપાલાએ પત્રકારોને કહ્યું કે “આ મારી અને મારી પાર્ટી વચ્ચેનો મામલો છે તેને બંને વચ્ચે જ રહેવા દો.”
 
બીજી તરફ આ મામલે દલિત સમાજ દ્વારા થઈ રહેલા વિરોધને તેમણે સંપૂર્ણ રાજકીય ગણાવ્યો.
 
રાજકોટમાં રેલનગરમાં પૂતળાદહનના કાર્યક્રમમાં જે ત્રણ યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા છે.