બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (13:22 IST)

Rules of Tiranga - રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલાં જાણી લો આ 10 નિયમ, નહી તો થશે સજા

Flag Hoisting Rules
દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. દેશમાં અલગઅલગ જગ્યાએ લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળી રહ્યા છે. તો સોશિયલ મીડિયામાં પણ લોકો તિરંગા સાથેની તસવીરો મૂકી રહ્યા છે. જો તમે તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માગતા હોય તો  આવું કરવા માટે અમુક નિયમો છે. અમે આપને જણાવીશુ કે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કઈ વાતો મગજમાં રાખવી. એ પહેલાં જાણી લઈએ કે ભારતનો ફ્લૅગ કોડ શું છે?
 
રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ફ્લૅગ કોડ 2002 અનુસરવો અનિવાર્ય છે. આ સિવાય રાષ્ટ્રીય ચિહ્નોના બદનક્ષીવિરોધી કાયદા, 1971નું પાલન કરવું પણ ફરજિયાત છે. આ કોડની જોગવાઈ 2.1 અનુસાર, કોઈ પણ સામાન્ય નાગરિક દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે અંગે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ જે-તે વ્યક્તિએ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાનું રહેશે.
જોકે, એક જોગવાઈ અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારને જેલની સજા પણ થઈ શકે છે, જોકે પ્રથમ ગુના માટે દંડની જોગવાઈ પણ છે.
 
આ કોડ 26 જાન્યુઆરી, 2002ના રોજ લાગુ કરાયો. આ પહેલાં રાષ્ટ્રીય ચિહ્નો અને નામોને લગતો કાયદો, 1950 અને રાષ્ટ્રીય ચિહ્નોની બદનક્ષીવિરોધી કાયદો 1971 અમલમાં હતા. આ કોડમાં તાજેતરમાં જ બે મોટા ફેરફારો કરાયા છે. 20 જુલાઈ, 2022ના એક સુધારા અનુસાર હવે રાષ્ટ્રધ્વજ રાત્રિ અને દિવસ બંને સમયે ફરકાવી શકાશે. તેમજ ખુલ્લી જગ્યાએ કે ઘર પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. જોકે, અગાઉ રાષ્ટ્રધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવી શકાતો હતો.
 
30 ડિસેમ્બર, 2021ના રોજથી રાષ્ટ્રધ્વજ પૉલિસ્ટરના કાપડથી બનાવવાને પણ મંજૂરી અપાઈ હતી. જોકે, અગાઉ માત્ર ખાદીનું કાપડ જ માન્ય હતું. અગાઉ સરકારી ફ્લૅગ કોડ ખૂબ જ કડક હતો. જોકે, હાલમાં તેમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જોકે, રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે આપણે અમુક વાતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. તો આવો જાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો વિશે 
 
1. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.
 
2. ભારતનો રાષ્ટ્રધ્વજ જે ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે, તેના જેટલી જ કે વધુ ઊંચાઈએ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે.
 
3. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ.
 
4. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું જોઈએ.
 
5. રાષ્ટધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ, પાન, ફૂલહાર વગેરે ન મૂકવાં જોઈએ.
 
6. રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ. કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ.
 
7. રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ.
 
8. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે.
 
9. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના કૉસ્ચ્યુમ માટે ઉપયોગ ન થવો જોઈએ. તેમજ તેને કમરની નીચે ન બાંધવો જોઈએ. તેનો ઉપયોગ કાપડ, રૂમાલ, સોફા કવર, નેપકિન કે આંતર્વસ્ત્ર તરીકે ન થવો જોઈએ.
 
10. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ.