રમતા-રમતા ગયો જીવ, હૈદરાબાદમાં બેડમિંટન રમતા 25 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક
રવિવારે રાત્રે હૈદરાબાદના નાગોલે સ્ટેડિયમમાં એક દુ:ખદ ઘટના બની, જ્યારે 25 વર્ષીય ગુંડલા રાકેશનું બેડમિન્ટન રમતી વખતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. રાકેશ હૈદરાબાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે તેના મિત્રો સાથે બેડમિન્ટન રમવા માટે સ્ટેડિયમ ગયો હતો, જ્યાં રમત દરમિયાન તે અચાનક તે બેહોશ થઈને પડી ગયો.
ઘટના પછી તરત જ, તેના મિત્રો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. ડોક્ટરોના મતે, રાકેશનું હાર્ટ એટેક ના હુમલાને કારણે મૃત્યુ થયું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રાકેશ રમતી વખતે અચાનક પડી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
હસતા રમતા મળ્યુ મોત - વીડિયો વાયરલ
મૃતકની ઓળખ ખમ્મમ જિલ્લાના થલ્લાડા ગામના ભૂતપૂર્વ નાયબ સરપંચ ગુંડલા વેંકટેશ્વરલુના પુત્ર તરીકે થઈ છે. નિષ્ણાતો કહે છે કે યુવાનોમાં હાર્ટ એટેકના કેસોની વધતી સંખ્યાને અવગણી શકાય નહીં. આ ઘટના એક ચેતવણી છે કે નિયમિત આરોગ્ય તપાસ અને જીવનશૈલીમાં સુધારો અત્યંત મહત્વપૂર્ણ છે. અગાઉ પણ દેશના વિવિધ ભાગોમાં રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુના બનાવો નોંધાયા છે.