Last Modified: હોશિયારપુર , મંગળવાર, 12 મે 2009 (11:51 IST)
એનડીએ મજબૂત છે - રાજનાથ
રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) દિવસે દિવસે વધુ મજબૂત બની રહ્યો હોવાનો દાવો કરતાં ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહે અહીંયા એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં પાંચ દળોએ એનડીએનો હાથ પકડ્યો છે. જ્યારે એક માત્ર સંગઠને હાથ છોડ્યો છે.
હોંશિયારપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, એક માત્ર બીજુ જનતા દળે એનડીએ સાથે છેડો ફાડ્યો છે જ્યારે દક્ષિણના પાંચ પક્ષો એનડીએ સાથે જોડાયા છે.
તેમણે આ વાત ઉપર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, એનડીએને પૂર્ણ બહુમત મળશે જ અને લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનશે. કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) ઉપર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે યુપીએ તમામ મોરચે અસફળ રહી છે.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, યુપીએના કાર્યકાળ દરમિયાન યુવાઓમાં બેરોજગારી વધી છે અને જેનાથી તેમનામાં નશાની પ્રવૃત્તિ અને ગેરકાનુની ગતિવિધિઓ વધી રહી છે. ભાજપના સત્તામાં આવ્યા બાદ તેમણે વિદેશી બેંકોમાં રહેલા કાળા નાણાંને પરત લાવવાની વાત કહી હતી.