મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By હરેશ સુથાર|

રાજકોટમાં કમળ પીંખશે કુંવરજી !

ભાજપને હંફાવવા કોંગ્રેસ આપશે ટક્કર

ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક છેલ્લા છ ટર્મની કમળમાં સમાઇ રહી છે. પરંતુ આ વખતે આ બેઠક પંજો ઝૂંટવી જાય તો નવાઇ નહીં ! કોંગ્રેસે આ વખતે તૈયારી સાથે ઝંપલાવ્યું છે અને એ પણ એક સક્ષણ અને પાણીદાર ઉમેદવાર સાથે. વિધાનસભામાં સતત ચાર ટર્મની જસદણની બેઠક પરથી ચૂંટાઇ આવતા કુંવરજી બાવલીયાએ આ વખતે લોકસભામાં ભાજપ સામે બાથ ભીડી છે. ગમે તે હોય પરંતુ આ વખતે આ બેઠક ઉપર ટક્કર બરોબરની જામી છે.

વર્ષ 1989થી લઇને 2004 સુધી આ બેઠક ઉપર હંમેશા ભગવો જ લહેરાયો છે ત્યારે ભાજપે વર્તમાન સાંસદ ડો. વલ્લભ કથરિયાનું પત્તુ કાપી આ બેઠક નવા નિશાળીયા કિરણ પટેલને આપી છે. એ જોતાં આ બેઠક ઉપર કુંવરજી બાવલીયાનું પલ્લુ ભારે થઇ શકે એમ છે. કારણ કે તેઓ એક સ્વચ્છ અને સારા રાજકીય નેતાની છાપ લોકોમાં ધરાવે છે. પરંતુ સામે પક્ષે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે છેવટ સુધી આ બેઠક ઉપર ઉમેદવારીને લઇને ખાસ્સો વિવાદ થયો હતો. જે કેટલેક અંશે કોંગ્રેસને અસર કરી શકે એમ છે.
P.R
મારી પાસે સેવાનું ભાથું છે - કુંવરજી બાવળીયા
શાંત પાણીમાં મસ્તીથી ચાલી રહેલા ભાજપના જહાજમાં ગાબડું પાડવા નીકળેલા કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળીયા વેબ દુનિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારી પાસે લોક સેવાનું ભાથું છે અને એટલે હું મેદાને જંગ જીતવા આવ્યો છું. લોકો માટે પીવાના પાણીના પ્રશ્નો, ઓવર બ્રિજ, ડ્રેનેજ, રોજગારી સહિતના મુદ્દા લઇને લોકોની સામે આવ્યો છે. મને ખાતરી છે કે અહીંના લોકો પારખું છે અને એટલે જ આ વખતે કોંગ્રેસની સાથે રહેશે.

P.R
ભૂતકાળ અકબંધ રાખીશ - કિરણ પટેલ
હોટલ અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ પડતા ઉદ્યોગપતિ અને પોતાના વિસ્તારમાં લોક સંપર્ક કરી રહેલા ભાજપના ઉમેદવાર કિરણ પટેલે ટેલિફોનિક મુલાકાતમાં કહ્યું હતું કે, આ બેઠક ઉપરનો ભાજપનો વિજયી સિલસિલો અકબંધ રાખીશ. અહીંના લોકો જાણે છે કે વિકાસ તો ભાજપની સાથે જ છે અને એટલે જ મતદારો મોટી બહુમતિથી ભાજપને જીતાડશે એવો મને વિશ્વાસ છે. ભાજપને મત આપી લોકો કેન્દ્રમાં એનડીએની સરકાર લાવશે અને યુપીએને હટાવશે.

રાજકોટની બેઠકના વિજયી ઉમેદવાર
વર્ષ નામ (પક્ષ)
2004 ડો. વલ્લભ કથીરિયા (ભાજપ)
1989 ડો. વલ્લભ કથીરિયા (ભાજપ)
1998 ડો. વલ્લભ કથીરિયા (ભાજપ)
1996 વિઠ્ઠલભાઇ રાદડીયા (ભાજપ)
1991 શિવલાલ વેકરીયા (ભાજપ)
1989 શિવલાલ વેકરીયા (ભાજપ)
1984 રમાબેન માવાણી (કોંગ્રેસ)
1980 રમાબેન માવાણી (કોંગ્રેસ આઇ)
1977 પટેલ કેશુભાઇ સવદાસભાઇ (બીએલડી)