ચૂંટણીના પ્રથમ તબક્કામાં હુમલો
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના આજે શરૂ થયેલા મતદાનમાં નક્સલીઓએ ચૂંટણીને લોહીથી રંગી છે. ઝારંખડ, બિહાર તથા છત્તીસગઢને નિશાન બનાવી નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નવ લોકો માર્યા ગયા છે.ઝારખંડમાં સવારે નવ વાગે મતદાન શરૂ થતાંની સાથે જ નક્સલીઓએ લાતેહાર જિલ્લામાં સીમી સુરક્ષા બળની એક બસ ઉપર હુમલો કર્યો હતો જેમાં બીએસએફના પાંચ જવાનો તથા બે અસૈનિકો માર્યા ગયા હતા. નક્સલીઓએ છત્તીસગઢમાં પણ મતદાન કેન્દ્રોને પોતાના નિશાન બનાવ્યા હતા. દંતવાડા જિલ્લો અને નરાયણપુર વિસ્તારમાં આઇઇડી વિસ્ફોટ કર્યો હતો તેમજ ગોળીબારી કરી હતી. જોકે આ હુમલામાં કોઇ જાનહાની થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.જ્યારે બિહારના ગયા જિલ્લાના બાંકે બજાર પોલીસ મથકના વિસ્તારમાં આવેલા સિંહપુર ગામમાં પણ નક્સલીઓએ હુમલો કર્યો હતો અને ચૂંટણી ફરજ ઉપર તૈનાત એક હોમગાર્ડ તથા એક પોલીસ કર્મીને મોતને ઘાટ ઉતાર્યા હતા તેમજ અન્ય બે પોલીસ કર્મીઓ પણ ગુમ થયાનું બહાર આવ્યું છે.આ દરમિયાન મળેલી તાજા જાણકારી અનુસાર 15 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 124 બેઠકો ઉપર ધીમી ગતિએ મતદાન આગળ વધી રહ્યું છે.