ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. મણીપુર વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Updated : સોમવાર, 24 જાન્યુઆરી 2022 (16:46 IST)

પ્રધાનમંત્રી 4 જાન્યુઆરીએ મણીપુર અને ત્રિપુરાની મુલાકાત લેશે, 4800 કરોડથી વધુના પ્રોજેક્ટ કરશે ઉદઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી 2022ના રોજ મણીપુર અને ત્રિપુરા આ બંને રાજ્યોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 11 વાગ્યે ઇમ્ફાલમાં લગભગ રૂપિયા 4800 કરોડ કરતાં વધારે મૂલ્યની 22 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 2 વાગે અગરતલામાં તેઓ મહારાજા બીર બિક્રમ હવાઇમથક ખાતે નવા સંકલિત ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરશે અને બે મુખ્ય વિકાસ પહેલોનો પણ પ્રારંભ કરાવશે.
 
પ્રધાનમંત્રીનો મણીપુરનો પ્રવાસ
મણીપુરમાં, પ્રધાનમંત્રી રૂપિયા 1850 કરોડના મૂલ્યની 13 વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને રૂપિયા 2950 કરોડના મૂલ્યની વિવિધ 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓ વિવિધ ક્ષેત્રો જેમ કે, માર્ગ માળખાકીય સુવિધાઓ, પીવાલાયક પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કળા અને સંસ્કૃતિ તેમજ અન્ય સાથે સંકળાયેલી છે.
 
સમગ્ર દેશમાં કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટેની પરિયોજનાઓને અનુરૂપ પ્રધાનમંત્રી અહીં પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે જે રૂપિયા 1700 કરોડ  કરતાં વધારે ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ધોરીમાર્ગોના નિર્માણથી કુલ 110 કિમી લંબાઇનો રસ્તો તૈયાર થશે અને આ પ્રદેશમાં માર્ગ કનેક્ટિવિટી મામલે તેનાથી ખૂબ જ મોટો સુધારો આવશે. અન્ય મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાથી અહીં આખા વર્ષ દરમિયાન સિલચરથી ઇમ્ફાલ સુધી વિના અવરોધે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે અને તેનાથી ટ્રાફિકની ગીચતામાં ઘટાડો થશે. આ પરિયોજના હેઠળ રૂપિયા 75 કરોડના ખર્ચે NH-37 પર બરાક નદી પર લોખંડના પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
 
પ્રધાનમંત્રી મણીપુરના લોકોને આશરે રૂ. 1100 કરોડના ખર્ચે ઉભા કરવામાં આવેલા કુલ 2,387 મોબાઈલ ટાવરોનું પણ લોકાર્પણ કરશે. રાજ્યની મોબાઈલ કનેક્ટિવિટીને વધુ વેગ આપવાની દિશામાં આ એક મોટું પગલું પુરવાર થશે.
 
દેશમાં પ્રત્યેક પરિવાર સુધી પીવાલાયક સ્વચ્છ પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને રાજ્યમાં પીવાલાયક પાણીના પુરવઠાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવાથી તેમના આ પ્રયાસને વધુ વેગ મળશે. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવલી રહેલી પરિયોજનાઓમાં સામેલ છે - રૂપિયા 280 કરોડના મૂલ્યની ‘થૌબલ બહુલક્ષી વોટર ટ્રાન્સમિશન સિસ્ટમ પરિયોજના છે’ જે ઇમ્ફાલ શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડશે; રૂપિયા 65 કરોડના ખર્ચે તામેંગલોંગ હેડક્વાર્ટર્સ માટે જળ સંરક્ષણ દ્વારા હાથ ધરવામાં આવેલી જળ પુરવઠા યોજના જે તામેંગલોંગ જિલ્લાની દસ વસાહતોના રહેવાસીઓને પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડશે; અને રૂપિયા 51 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ‘સેનાપતિ જિલ્લા હેડક્વાર્ટર જળ પુરવઠા વૃદ્ધિ યોજના’ જેનાથી આ વિસ્તારના રહેવાસીઓને નિયમિત ધોરણે પીવાના પાણીનો પુરવઠો પ્રાપ્ત થશે.
 
રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રને વધારે મજબૂત બનાવવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રી ઇમ્ફાલમાં આશરે રૂ. 160 કરોડના ખર્ચે PPP ધોરણે નિર્માણ પામનારી ‘અદ્યતન સુવિધાઓથી સજ્જ કેન્સર હોસ્પિટલ’નો શિલાન્યાસ કરશે. આ કેન્સર હોસ્પિટલ રાજ્યમાં ખાસ કરીને જેમને કેન્સર સંબંધિત નિદાન અને સારવાર સેવાઓ મેળવવા માટે રાજ્યની બહાર જવું પડે છે તેવા લોકોના ખિસ્સા પર બીમારીની સારવારમાં પડી રહેલા ખર્ચમાં ઘટાડો લાવવામાં ખૂબ જ ફાયદો કરશે. આ ઉપરાંત, રાજ્યમાં કોવિડ સંબંધિત માળખાકીય સુવિધાને વેગ આપવાના ઉદ્દેશથી, પ્રધાનમંત્રી ‘કિયામગેઈ ખાતે 200 બેડની કોવિડ હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કરશે, જે DRDOના સહયોગથી લગભગ રૂપિયા 37 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
 
ભારતીય શહેરના પુનરોદ્ધાર અને પરિવર્તનની દિશામાં પ્રધાનમંત્રી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા અવિરત પ્રયાસોને સાકાર કરવાની દિશામાં આગળ વધીને, ‘ઇમ્ફાલ સ્માર્ટ સિટી મિશન’ હેઠળ બહુવિધ પરિયોજનાઓને પૂરી કરવામાં આવશે. પ્રધાનમંત્રી આ મિશનની ત્રણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. રૂપિયા 170 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી આ પરિયોજનાઓમાં સંકલિત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્ર (ICCC), ઇમ્ફાલ નદી પર પશ્ચિમી રિવરફ્રન્ટ વિકાસ પરિયોજના (તબક્કો - I) અને ઇમ્ફાલ બજાર ખાતે મોલ માર્ગનો વિકાસ (તબક્કો - I) સામેલ છે. સંકલિત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્ર (ICCC) શહેરમાં વિવિધ પ્રકારની ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડશે જેમાં ટ્રાફિક વ્યવસ્થાપન, ઘન કચરાનું વ્યવસ્થાપન અને શહેરમાં દેખરેખ જેવી વિવિધ સેવાઓ સામેલ છે. આ મિશન હેઠળ અન્ય વિકાસ પરિયોજનાઓમાં અહીં પર્યટન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીની વિપુલ તકો પૂરી પાડશે.
 
પ્રધાનમંત્રી રાજ્યમાં આશરે રૂ. 200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘સેન્ટર ફોર ઇન્વેન્શન, ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગ (CIIIT)’ (સંશોધન, આવિષ્કાર, ઇન્ક્યુબેશન અને તાલીમ કેન્દ્ર)નો શિલાન્યાસ કરશે. આ પરિયોજના રાજ્યની સૌથી મોટી PPP પહેલ છે અને જે રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રને ખૂબ મોટું પ્રોત્સાહન આપશે.
 
પ્રધાનમંત્રી હરિયાણના ગુરગાંવમાં મણીપુર ઇન્સ્ટિટ્યુટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના બાંધકામનો શિલાન્યાસ પણ કરશે. હરિયાણામાં મણીપુરનું સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કરવાનો વિચાર સૌપ્રથમ વખત 1990માં આવ્યો હતો પરંતુ તેનો અમલ કરવામાં કેટલાય વર્ષો જતા રહ્યા. રૂપિયા 240 કરોડ કરતાં વધારે ખર્ચે આ ઇન્સ્ટિટ્યુટનું બાંધકામ કરવામાં આવશે અને તેનાથી રાજ્યની ભવ્ય કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે. રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વધારે મજબૂત કરવા માટે, પ્રધાનમંત્રી ઇમ્ફાલ ખાતે નવીનીકૃત અને પુનરોદ્ધાર કરવામાં આવેલા ગોવિંદજી મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ મોઇરાંગ ખાતે INA સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. આ સંકુલ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભારતીય રાષ્ટ્રીય સૈન્ય (INA) દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવશે.
 
‘સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ’ ના મંત્રને અનુરૂપ, પ્રધાનમંત્રી રૂપિયા 130 કરોડ કરતાં વધારે મૂલ્યની 72 પરિયોજનાઓ શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત આ પરિયોજનાઓ હાથ ધરવામાં આવશે. આ પરિયોજનાઓ લઘુમતી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાં માળખાકીય સહાય પૂરી પાડશે.
 
રાજ્યમાં હસ્તવણાટના ઉદ્યોગને વધારે મજબૂત બનાવવા માટે, રૂ. 36 કરોડના ખર્ચે નિર્માણ પામનારી બે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે જેમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગપોકકચિંગ ખાતે ‘મેગા હેન્ડલૂમ ક્લસ્ટર’ સામેલ છે જેનાથી ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના લગભગ 17,000 વણકરોને લાભ કરશે અને બીજી પરિયોજના મોઇરાંગમાં ‘ક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ વિલેજ’ છે જે વણકર પરિવારોને મદદ કરશે, તેનાથી મોઇરાંગ અને લોકટક તળાવની આસપાસના વિસ્તારોમાં પર્યટનની સંભાવનાઓ વધશે અને સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન થશે.
 
પ્રધાનમંત્રી ન્યૂ ચેકોન ખાતે લગભગ રૂ. 390 કરોડના ખર્ચે બાંધવામાં આવનારા સરકારી રહેણાંક ક્વાર્ટર્સના નિર્માણ માટે પણ શિલાન્યાસ કરશે. આ રહેણાંક ક્વાર્ટર્સ આધુનિક સુવિધાઓથી સજ્જ સંકલિત હાઉસિંગ કોલોની હશે. તેઓ ઇમ્ફાલ પૂર્વના ઇબુધૌમર્જિંગ ખાતે રોપવે પરિયોજનાનો પણ શિલાન્યાસ કરશે.
 
પ્રધાનમંત્રીના હસ્તે દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનારી અન્ય પરિયોજનાઓમાં કાંગપોકપી ખાતે કૌશલ્ય વિકાસ માળખાકીય સુવિધા (ESDI) હેઠળ નવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), તેમજ માહિતી અને જનસંપર્ક નિયામકની નવી ઓફિસની ઇમારત પણ સામેલ છે.
 
પ્રધાનમંત્રીનો ત્રિપુરાનો પ્રવાસ
પ્રધાનમંત્રી ત્રિપુરાની પોતાની મુલાકાત દરમિયાન, મહારાજા બીર બિક્રમ (MBB) હવાઇમથકના નવા સંકલિત ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરશે અને મુખ્ય પહેલોનો પ્રારંભ કરશે જેમાં મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના અને વિદ્યાજ્યોતિ શાળાઓનો પ્રોજેક્ટ મિશન 100 સામેલ છે.
 
મહારાજા બીર બિક્રમ હવાઇમથકમાં રૂપિયા 450 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલું સંકલિત ટર્મિનલ ભવન 30,000 ચોરસ મીટરમાં ફેલાયેલું એક અદ્યતન ભવન છે, જેમાં આધુનિક સુવિધાઓ છે અને તે નવીનતમ IT નેટવર્ક સંકલિત સિસ્ટમ દ્વારા સમર્થિત છે. નવા ટર્મિનલ ભવનનો વિકાસ એ દેશના તમામ હવાઇમથકોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રીના પ્રયાસને અનુરૂપ હાથ ધરવામાં આવેલી કામગીરી છે.
 
વિદ્યાજ્યોતિ શાળાઓના પ્રોજેક્ટ મિશન 100નો ઉદ્દેશ રાજ્યની 100 વર્તમાન ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અત્યાધુનિક સુવિધાઓ તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વિદ્યાજ્યોતિ શાળાઓમાં રૂપાંતરિત કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. આ પરિયોજના હેઠળ નર્સરીથી 12મા ધોરણ સુધીના લગભગ 1.2 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે અને આગામી ત્રણ વર્ષમાં લગભગ રૂ. 500 કરોડનો ખર્ચ થશે.
 
મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે વિકાસના મૂળભૂત ક્ષેત્રોમાં સેવાની ડિલિવરી માટે સીમાચિહ્નરૂપ ધોરણો પ્રાપ્ત કરવાનો છે. આ યોજના માટે પસંદ કરવામાં આવેલા મુખ્ય ક્ષેત્રોમાં પરિવારોને પાણીના નળના જોડાણો, ઘરેલું વીજળીના જોડાણો. તમામ પ્રકારના હવામાનમાં ઉપયોગમાં લઇ શકાય તેવા માર્ગોનું નિર્માણ, દરેક પરિવાર માટે કાર્યરત શૌચાલયો, દરેક બાળક માટે ઇમ્યુનાઇઝેશનની ભલામણ સ્વ સહાય સમૂહોમાં મહિલાઓની ભાગીદારી વગેરે સામેલ છે. આ યોજનાથી ગામડાઓમાં વિવિધ ક્ષેત્રોમાં સેવાઓની ડિલિવરીમાં સીમાચિહ્નરૂપ ધોરણો પ્રાપ્ત કરવામાં પ્રોત્સાહન મળશે અને તેનાથી પાયાના સ્તરે સેવાઓની ડિલિવરીમાં સુધારો લાવવા માટે ગામડાઓ વચ્ચે મજબૂત સ્પર્ધા થશે તેવી પણ અપેક્ષા છે.