શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

ગુજરાતની તપોભૂમિથી સૌને અમારા 'નમો-ચ્ચન'

સદીના મહાનાયકે ધર્યો ભગવો અવતાર....

W.D
W.D
''હું નરેન્દ્ર મોદીની તપોભૂમિ ગુજરાતથી અમિતાભ બચ્ચન બોલી રહ્યો છું. તમને બધાને મારુ નિવેદન છે કે, તમે બહોળી સંખ્યાંમાં અહીં પધારો. અહીં પહોંચનારા દરેક પ્રવાસીઓને 'નમો-ચ્ચન' (અર્થાત નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન) દ્વારા ઓટોગ્રાફ ભગવા ચશ્મા ભેટ સ્વરૂપે આપવામાં આવશે.''

થોડા દિવસો બાદ કદાચ તમારા ડ્રોઈગ રૂમમાં રાખેલા ટીવી સેટ પર સદીના મહાનાયક આ પ્રકારની જાહેરાત કરતા જોવા મળે તો આશ્વર્યમાં પડશો નહીં કારણ કે, અમિતાભ હવે ગુજરાતનો ચહેરો બની ગયાં છે.

અમિતાભ બચ્ચન હવે કૃષ્ણની નગરી દ્વારિકા અને એતિહાસિક સોમનાથ મંદિર અને તમામ એવા પ્રાચીન સ્થળો માટે ગુજરાત સરકારની પ્રચાર ફિલ્મ માટે પોતાનો અવાજ આપશે. લોકોને ગુજરાત તરફ આકર્ષિત કરવા માટે તે મોદીની સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે.

પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષિત કરવા માટે અમિતાભ બચ્ચન હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બ્રાન્ડ એમ્બેસેડર હશે. આ બાબતે અમિતાભ બચ્ચને મોદીનું નિમંત્રણ સ્વીકાર કરીને તેમાં પોતાની મંજૂરી દર્શાવતો એક પત્ર પણ લખી દીધો છે.

હકીકતમાં આ વાત તો એ સમયે જ દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ હતી જ્યારે અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ 'પા' ના પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં અને નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટના તમામ મંત્રીઓ માટે તેમણે ફિલ્મ 'પા' નું વિશેષ પ્રદર્શન રાખ્યું હતું.

એ દિવસે 'પા' અને ગુજરાતના હિન્દૂવાદી 'પા' અર્થાત મોદીને ગળે લાગતા ફોટોગ્રાફ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કુંભના મેળામાં ખોવાયેલા બે ભાઈઓ વર્ષો બાદ ફરી મળી રહ્યાં હોય.

આમ પણ ફિલ્મનો પ્રચાર કરવાનો દરેક કલાકારને અધિકાર છે. જ્યારે આમિર પોતાની ફિલ્મ માટે અલગ અલગ વેશ ધારણ કરીને પૂરા ભારતમાં ફરતો હોય, શાહરૂખ પણ 'માય નેમ ઈઝ ખાન' ના પ્રચાર માટે પોતાની પત્ની ગૌરીને જણાવ્યાં વગર અમદાવાદની છોડીઓને હાથમાં વીટી પહેરાવી શકતો હોય તો બિગ બી કેવી રીતે ચૂપ રહી શકે. એમાય એ સમયે જ્યારે ફિલ્મનો નિર્માતા પોતાનો જ પુત્ર હોય.

અમિતાભ પણ નમો (નરેન્દ્ર મોદી) ના આભામંડળથી આટલી જલ્દી પ્રભાવિત થઈ જશે તેનો કયાસ લગાડવો મુશ્કેલ હતો. ફિલ્મ 'પા' જોયા બાદ દર્શક જેટલા 'ઓરો' થી પ્રભાવિત થયેલા દેખાયા, ઠીક એટલા જ અમિતાભ બચ્ચન પણ મોદીની મુલાકાતથી ઉત્સાહિત દેખાયા.

પોતાના બ્લોગ પર તેમણે નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા જાહેર કરી કે, મોદી સરકારે ફિલ્મને કરમુક્ત કરવાની તેમની દરખાસ્ત માની લીધી. આ બ્લોગમાં અમિતાભ બચ્ચને મોદીના શાસનના પણ વખાણ કર્યાં. આખરે મોદીએ તેમને એક વિશેષ સન્માન જો આપ્યું હતું. બિગ બી એ પોતાના બ્લોગમાં નરેન્દ્ર મોદીને સંત-મહાત્મા કહેતા કહેતા રહી ગયાં. એ તો સારુ થયું કે તેમણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીની જેમ નરેન્દ્ર મોદી અને ગાંધીજીને એક ત્રાજવે તોળવાનો પ્રયત્ન ન કર્યો નહીં તો ફરી વિરોધ પક્ષ મેદાન ચડી ગયો હોત.

જો કે, અમિતાભે મોદીના ગુણગાનમાં કોઈ પણ પ્રકારની અછત ન રહેવા દીધી. તેમણે કહ્યું કે જેમ મહાત્મા ગાંધીએ દેશ માટે આહુતિ આપી એવી જ આહુતિ મોદી ગુજરાતના વિકાસ યજ્ઞમાં આપી રહ્યાં છે. આટલા મોટા રાજ્યના મુખ્યમંત્રી હોવા છતા પણ નરેન્દ્ર મોદીની જીવનશૈલી ખુબ જ સરળ છે, એશો-આરામનું જીવન તેઓને પસંદ નથી પરંતુ તે મુળભૂત સુવિધાઓ સાથે જ ખુશ રહે છે.

PIB
PIB
મોદીજી એ પણ અમિતાભની પ્રશંસામાં બે શબ્દો કહ્યાં અને ફિલ્મ 'પા' માં તેમના અભિનયની ભરપૂર પ્રશંસા કરી. જો કે, કોંગ્રેસના પેટમાં આ વાત પચી ન શકી. અમિતાભને આડે હાથ લેતા કોંગ્રેસે કહ્યું કે, તે પોતાના સેલિબ્રિટી હોવાનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે.

કોંગ્રેસ સચિવ અને ગુજરાતના પ્રભારી રાજીવ શુક્લએ તો બિગ બી ને સલાહ આપતા એમ કહી દીધું કે, તેઓએ નિહિત સ્વાર્થ માટે ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર બનવું ન જોઈએ. ગુજરાત સરકાર કોઈ કોર્પોરેટ એકમ નથી જેની છબી સુધારવા માટે બ્રાંડ એમ્બેસેડરની જરૂરિયાત હોય અને રહી વાત નરેન્દ્ર મોદીના ગુજરાત વિકાસ યજ્ઞની તો મોદીના 'વાઈબ્રેંટ' ગુજરાતના આ યજ્ઞમાં જેની બલિ ચઢાડવામાં આવી તે હતું સાંપ્રદાયિક સોહાર્દ અને ભાઈચારો.

લાસ્ટ સ્ટ્રોક...

આમ જોઈએ તો અમિતાભ ગુજરાત પહેલા ઉત્તર પ્રદેશના બ્રાંડ એમ્બેસેડર પણ બન્યાં હતાં જેના કારણે સમાજવાદી પાર્ટી માટે ચૂંટણીઓ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ હતી. ખેર હવે સમાજવાદી પાર્ટીમાંથી અમરસિંહની બાદબાકી થઈ ગઈ છે. જે અમિતાભના નાના ભાઈ જેવા છે. તેવા સમયે શું અમિતાભ ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર બનીને અમરસિંહ અને નરેન્દ્ર મોદીને નજીક લાવવા તો ઈચ્છતા નથી ને ? આમ પણ અમરસિંહના ભાજપમાં જોડાવવા અંગેના સમાચારોએ હાલ વેગ પકડ્યો છે ? જો એવું થશે તો શું નમો.. અમિતાભ અને અમરની મૈત્રી રંગ લાવશે ખરી ?