પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવમાં ભડકો !!

PTIPIB
પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં વધારાની જાણ થતાં જ દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. પેટ્રોલમાં પાંચ રૂપિયા, ડિઝલમાં ત્રણ રૂપિયા અને રાંધણ ગેસના સિલેન્ડરમાં પચાસ રૂપિયાનો વધારો થતાં સામાન્ય વ્યક્તિ વધુ એક વાર મુશ્કેલીમાં મુકાયો છે. આ સાથે અસહ્ય મોંઘવારીના સાણસામાં સપડાયેલા ગરીબો તથા મધ્યમવર્ગીય લોકો માટે 'પડતા પર પાટુ' જેવો ઘાટ સર્જાયો છે. ઈંધણના ભાવ વધારાથી એક તરફ સામાન્ય જનતામાં રોષ ભભૂકી ઉઠ્યો છે તો બીજી તરફ બુદ્ધીજીવી વર્ગ કિંમત વધારાને સરકાર માટેનુ અનિવાર્ય પગલુ માની રહ્યા છે.

આજે ઇંધણની કિંમતમાં ભાવવધારો કરતાં પહેલા પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે અનેક નેતાઓ સાથે મંત્રણા કરી હતી. પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ પેટ્રોલમાં દસ રૂપિયા, ડિઝલમાં પાંચ રૂપિયા અને રાંધણગેસમાં પચાસ રૂપિયાના વધારાની માગણી કરી હતી. પરંતુ સરકારે અંતે પેટ્રોલમાં માત્ર પાંચ રૂપિયાનો, ડિઝલમાં ત્રણ રૂપિયાનો તથા રાંધણ ગેસના બોટલમાં પચાસ રૂપિયાનો વધારો મંજુર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાતેલની કિંમત આસમાન આંબી રહી છે અને બીજી તરફ ભારતમાં પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસની કિંમતમાં વધારો થતો નથી. તેના કારણે દેશની તેલ કંપનીઓ પાયમાલીના આરે આવી ચુકી છે.

PTIPTI
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ અને ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન નિર્ધારિત કિંમતોથી ઓછી કિંમતમાં પેટ્રોલ, ડિઝલ, કેરોસિન તથા એલપીજીનુ વેચાણ કરી રહી છે. જેના પરિણામે ચાલુ વર્ષે તેલ કંપનીઓને 2,46,600 કરોડ રૂપિયાનુ નુકસાન થાય તેવી વકી છે. ત્રણે કંપનીઓ દરરોજનુ 725 કરોડ રૂપિયાનુ નુકસાન વેઠી રહી છે. પાયમાલીના આરે આવી પહોંચેલી બીપીસીએલ અને એચપીસીએલે તો જાહેર કરી દીધુ હતુ કે, જો આ પ્રકારની પરિસ્થીતી જારી રહેશે તો, ઓગષ્ટ મહિનાથી તેઓ પાસે કાચુતેલ ખરીદવાનો રૂપિયો પણ નહીં હોય.

બીજી તરફ ઈન્ડીયન ઓઈલ પણ આ પરિસ્થીતીથી અલિપ્ત નથી અને જો ભાવ વધારો ન કરવામાં આવે તો સપ્ટેમ્બર માસથી તે પણ કાચુતેલ ખરીદી ન શકે, પરિસ્થીતીનુ નિર્માણ થયુ છે. અલબત્ત, કટોકટીની આ સ્થિતીને જોતાં સરકાર પાસે ઇંધણની કિંમતમાં વધારો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી બચ્યો જ ન હતો અને તેના લીધે આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનુ સરકારનુ કહેવુ છે. પરંતુ, આ અંગે સામાન્ય માણસનુ શુ કહેવુ છે તે જાણવા માટે 'વેબદુનિયા'એ કેટલાક વ્યક્તિઓ સાથે આ સંદર્ભે વાતચીત કરી હતી.

રાંધણ ગેસના સિલેન્ડરના ભાર નીચે સામાન્ય માણસ દબાય
વડોદરાના શેરબ્રોકર નિખીલભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાથી મોંઘવારી વધશે અને તેના કારણે સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાય જાય તેવી આશંકા છે. અને ડિઝલમાં થયેલો ભાવ વધારો સહન કરી શકાય તેમ છે. પરંતુ રાંધણ ગેસના બોટલમાં થયેલો પચાસ રૂપિયા જેટલો જંગી વધારો તેમની ચિંતામાં વધારો કરી રહ્યો છે. પેટ્રોલના ભાવ વધે તો લોકો વાહન છોડીને બસમાં અથવા સાઈકલ પર અવર-જવર કરી શકે છે પરંતુ રાંધણ ગેસમાં થયેલા વધારાનો વિકલ્પ શોધવો મુશ્કેલ છે.

ત્રણેના ભાવ વધારાની અસરથી સમાજનો કોઈ વ્યક્તિ અલિપ્ત નથી
નડિયાદના બેંક કર્મચારી મહેન્દ્રભાઈ નાયરે જણાવ્યુ હતુ કે, પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસ એમ ત્રણેમાં થયેલા ભાવ વધારાની અસર દેશના તમામ લોકો પર પડી છે. દેશનો નાગરિક સીધી કે આડકતરી રીતે ત્રણેની જરૂરિયાત સાથે સંકળાયેલો છે. ત્રણે ચીજોના ભાવ વધતાં મોંઘવારીમાં પણ ધરખમ વધારો થાય તેવી આશંકા નકારી શકાતી નથી. અલબત્ત, મધ્યમવર્ગીય લોકો માટે આ મુશ્કેલીનો સમય છે તેવુ તેમણે વધુમાં કહ્યુ હતુ.

ભાવ વધારાને જવાબદારી સમજીને સ્વીકારી લેવો જોઈ
સરકારના આ નિર્ણય માટે સામાન્ય વ્યક્તિના મંતવ્યોથી બુદ્ધીજીવીઓ સંમત નથી. તેઓનુ કહેવુ છે કે, ભાવ વધારો સરકાર અનિવાર્ય હતો અને તેના કારણે જ કરવામાં આવ્યો છે. જેથી દરેક વ્યક્તિએ દેશના હિત માટે તેને પોતાની નૈતિક જવાબદારી સમજીને સ્વીકારી લેવો જોઈએ. વડોદરા બ્રાંચ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટના પૂર્વ પ્રમુખ સંજીવ શાહે 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં થયેલો વધારો સરકાર માટે જરૂરી હતો. જોકે, તેનાથી મધ્યમ તથા ગરીબ વર્ગના લોકોને વેઠવુ પડશે તે નક્કી છે. પરંતુ, વર્ષોથી ભારતીય લોકો કેટલીક ચીજોમાં સબસીડી ભોગવી રહ્યા છે અને તેના કારણે તેઓને ચીજોની સાચી કિંમતનો અંદાજ જ નથી રહ્યો.

આજે થયેલો ભાવ વધારો હજી પર્યાપ્ત નથી જે વાસ્તવીકતા સ્વીકારવી જ રહી. હજી દેશની તેલ કંપનીઓ નુકસાન વેઠી રહી છે અને તેથી આગામી સમયમાં ફરીવાર ભાવ વધે તો નવાઈ નહીં. જો, પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો અટકાવવા માટે સરકાર પોતાના ટેક્સ ઘટાડે તો પ્રજાને તેનાથી થતાં નુકસાનમાંથી બચાવી શકાય તેમ છે. જેવી રીતે આંધ્રપ્રદેશ તથા કેરાલામાં સેલ્સ ટેક્સમાં ઘટાડો કરીને માત્ર ચાર ટકા કરી દીધો છે. જેનાથી ત્યાંના લોકોને ભાવ વધારાની એટલી અસર પડતી નથી. જ્યારે અન્ય રાજ્યોમાં તેની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે.

સરકારને હજી પેટ્રોલમાં લિટરે 16 રૂપિયાનુ નુકસાન થાય છ
ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝની વડોદરા શાખાના પૂર્વ પ્રમુખ અને જાણીતા ઉધોગપતિ રામ દેવીદયાલે જણાવ્યુ હતુ કે, પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસમાં થયેલો ભાવ વધારો જરૂરી હતો. આ તમામ ચીજો ઉપર સરકાર સબસીડી આપી રહી છે અને તેના કારણે ટેક્સ ચુકવતા લોકોને નુકસાન ભોગવવુ પડી રહ્યુ છે. પેટ્રોલમાં પ્રતિ લિટર લગભગ 21 રૂપિયા નુકસાન જઈ રહ્યુ છે.

વેબ દુનિયા|
પાંચ રૂપિયા ભાવ વધારો થયો હોવા છતાંય હજી સરકારને પ્રતિ લિટર લગભગ 16 રૂપિયાનુ નુકસાન વેઠવુ પડે છે. જોકે, સેલ્સ ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તો લોકોને નુકસાનમાં ફાયદો થઈ શકે તેમ છે. જ્યારે પેટ્રોલની કિંમત ઓછી હતી તે સમયે સરકાર જે સેલ્સ ટેક્સ લેતી હતી. હાલના સમયમાં પણ સેલ્સ ટેક્સનો દર એ જ છે પરંતુ પેટ્રોલની કિંમત વધી છે. આમ, પેટ્રોલની કિંમત પર ટેક્સમાં ઘટાડો કરવાથી લોકોને રાહત મળે તેવી શક્યતા છે.


આ પણ વાંચો :