1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

'મોતના સોદાગર' બાદ હવે 'આદમખોર'

ઈશરત જહાં કેસમાં મોદીને મળ્યું એક નવું નામ

15 જૂન 2004 આ એ જ દિવસ હતો જે ગુજરાતના ઈતિહાસના ચોપડે એક 'યાદગાર દિન' તરીકે નોંધાયો. આ દિવસે તમામ વર્તમાનપત્રોના પ્રથમ પેજ પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા
ND
N.D
માટે આવેલા ચાર આતંકવાદીઓને અમદાવાદ હાઈવે પર ઠાર કરાયાના સમાચારો છપાયા. ગુજરાતની જનતાએ પણ પોલીસની આ કામગિરી બદલ ભરમોઢે પ્રશંસા કરી. પોલીસે પણ પત્રકાર પરિષદોમાં દાવો કર્યો કે, ' ઠાર કરાયેલા ચારેય આતંકવાદીઓ જેમાં એક યુવતિ પણ શામેલ હતી તેઓ એક ષડયંત્ર અતંગર્ત મુખ્યમંત્રી મોદીની હત્યા કરવા માટે જઈ રહ્યાં હતાં જે અંગેની તેઓને સમયસર જાણ થઈ જતાં એક અથડામણ દરમિયાન તેઓ પોલીસની ગોળીઓનો ભોગ બન્યાં.'


ગુજરાત પોલીસના આ દાવાને આજે પાંચ વર્ષ વીતી ગયાં, ઝાંબાજ અધિકારીઓને તેમની આ કામગિરી બદલ પ્રમાણ પત્રો અને પદકો પણ મળી ગયાં પરંતુ અચાનક જ મંગળવારે અમદાવાદના સિટી મેજિસ્ટ્રેટ એસપી તમાંગના અહેવાલે એમ કહીને તેમના દાવાઓને ખોટા પાડ્યાં કે, ઠાર કરવામાં આવેલા ચારેય કથિત આતંકવાદીઓનો લશ્કર-એ-તૈયબા સાથે કોઈ પણ સંબંધ ન હતો. તેઓ તો માટુંગાની ખાલસા કોલેજના વિદ્યાર્થીઓ હતાં જેમનું પોલીસે પ્રમોશન મેળવવાની લાલસાએ પરાણે મુંબઈથી અપહરણ કરીને અમદાવાદ હાઈવે પર એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. કોર્ટના આ ચૂકાદાએ ન તો માત્ર ગુજરાત સરકાર પરંતુ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉંઘ પણ હરામ કરી નાખી.

હજુ સૌહરાબુદ્દીન કેસની શાહી સુકાઈ પણ નથી ત્યાં જ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ ગુજરાત સરકારની માથે એક નવી સમસ્યા લઈને આવી ચડ્યો છે. મુંબઈની રહેવાસી 19 વર્ષીય ઇશરતજહાં એ જ યુવતિ હતી જેની ત્રણ અન્ય વ્યક્તિ જાવેદ ગુલામ શેખ ઉર્ફે પ્રણેશ કુમાર પિલ્લઈ, અમજદ અલી ઉર્ફે રાજકુમાર,અકબર અલી રાણા અને જીશાન જોહર અબ્દુલ ગની સાથે ‘ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાંચ' (ડીસીબી) અધિકારીઓએ એક એન્કાઉન્ટરમાં આતંકવાદી સમજીને હત્યા કરી નાખી હતી.

આ સમગ્ર ઘટનાક્રમમાં હાલ 21 પોલીસકર્મીઓની સંડોવાણી બહાર આવી છે.
PIB
PIB
જેમાં અમદાવાદ પોલીસ કમિશનર કે.આર.કૌશિક, ક્રાઈમ બ્રાંચના ચીફ પી.પી પાંડે અને ડીઆઈજી ડી જી વણઝારા પણ દોષી છે. જો આરોપ સિદ્ધ થઈ જશે તો ઉપરોક્ત તમામને આકરી સજા પણ થઈ શકે છે.


આમ જોઈએ તો ઈશરત જહાં એકાઉન્ટરનો કેસ કોઈ અપવાદ નથી. આ કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ પૈકીના એક ડીઆઈજી વણઝારા અગાઉ પણ સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરના કેસમાં જેલવાસ ભોગવી રહ્યાં છે. વણઝારા અને તેની ટીમે જે સોહરાબુદ્ધિનને આતંકવાદી જણાવ્યો હતો તે અંતે એક સામાન્ય હિસ્ટ્રી-શીટર હોવાનું બહાર આવ્યું હતું એટલું જ નહીં પરંતુ સોહરાબુદ્દિનની પત્ની કૌસર બી જે પોતાના પતિની હત્યાની સાક્ષી હતી તેને પણ પૂરાવાઓનો નાશ કરવાના હેતુંથી મોતને ઘાટ ઉતારી દેવાઈ હોવાનું ખુલ્યું હતું.

જો આ વખતે આરોપ સિદ્ધ થઈ જશે તો ન તો માત્ર પોલીસ અધિકારીઓ જ નહીં પરંતુ ગુજરાતના મોટા મોટા રાજનેતાઓને પણ જેલવાસ ભોગવવો પડશે. કદાચ આ રાજનેતાઓમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ હોય શકે. કારણ કે, આ એ જ મોદી હતાં જેમણે એક ચૂંટણી સભામાં સોહરાબુદ્દિનના એન્કાઉન્ટરને યોગ્ય ઠેરાવ્યું હતું અને બાદમાં સોનિયા ગાંધીએ તેમને 'મોતના સોદાગર' કહ્યાં હતાં. આ એ જ મોદી સરકાર છે જે અંતે સોહરાબુદ્દિનના પરિવારને દસ લાખનું વળતર આપવા માટે રાજી થઈ ગઈ હતી.

આ વખતે પણ મોદી સરકારને એક નવું નામ મળ્યું છે. કોંગ્રેસે તેને 'આદમખોર'(નરભક્ષી) કહી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારી મોદી સામે લાલ આંખ કરીને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને પોતાના તરફથી પહેલ કરીને રાજ્યમાં 2001 થી લઈને 2009 સુધી થયેલા તમામ પોલીસ એન્કાઉન્ટરની તપાસ કરવા માગણી કરી રહ્યાં છે જ્યારે કોગ્રેસના એક અન્ય દિગ્ગજ નેતા વીરપ્પા મોઈલીએ પણ કટાક્ષમાં કહી દીધું છે કે, જો આ ઉપરોક્ત તમામ એન્કાઉન્ટરની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અન્ય કેટલાયે કંકાલો સામે આવી શકે છે.

એવી પણ શક્યતાં છે કે, આ કેસ બાદ નજીકના સમયમાં ગુજરાત રાજ્યના રાજનેતાઓ અને પોલીસ અધિકારીઓ દોષનું ઠીકરું એક-બીજા પર ઘસવા લાગે. આરોપોથી બચવા માટે એવા એવા નામો સામે આવે જેના વિષે ગુજરાતની જાગૃત જનતાએ કદી વિચાર્યું પણ ન હોય.

જો કે, ગુજરાત સરકારે ઈશરત જહા એન્કાઉન્ટર પર ન્યાયાધીશ એસપી તમાંગના રિપોર્ટનું ખંડન કર્યું છે અને તેણે ઉપલી કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ગુજરાતના સરકારના પ્રવક્તા જયનારાયાણ વ્યાસે મેજિસ્ટ્રેટ તમાંગને પણ નિશાને લીધા છે જેમણે કથિત રીતે સીઆરપીસીની ધારા 176 નું ઉલ્લંઘન કર્યું છે. ભાજપના અન્ય એક નેતા વૈંકયા નાયડુએ પણ કહ્યું છે કે, સમગ્ર ઘટના પાછળ મોદી જ જવાબદાર શા માટે ? રાજ્યમાં જે પણ ઘટનાઓ ઘટે છે તેની પાછળ શું મુખ્યમંત્રી જવાબદાર હોય છે ? શું દિલ્હીમાં કઈ પણ ઘટે તો તેની પાછળ વડાપ્રધાન જવાબદાર હોય છે ?

જે પણ હોય હાલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. એક તરફ જ્યાં કોંગ્રેસ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આદમખોર જણાવી રહી છે ત્યાં બીજી તરફ રોષે ભરાયેલા ભાજપના કાર્યકરોનું પણ કહેવું છે કે, ખુદ કેન્દ્ર સરકારે પણ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સૌગંધનામામાં ઈશરતને આતંકી ઠેરાવી છે.

અંતે તમામ સંજોગોને જોતા એટલુ જ કહીશ કે, આવનારો સમય નરેન્દ્ર મોદી માટે અસંખ્ય મુશ્કેલીઓ લઈને આવવાનો છે.

Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
Mo.09754144124