શ્રધ્ધાના ધામમાં મોતની ધમાચકડી...જવાબદાર કોણ...

દેવાંગ મેવાડા

વેબ દુનિયા|

હિમાચલપ્રદેશનાં પ્રસિધ્ધ નૈનાદેવી મંદિરમાં રવિવારે ધક્કામુક્કીને કારણે થયેલી કરૂણાંતિકામાં 145 શ્રધ્ધાળુઓ મોતના મુખમાં ધકેલાયા. ભગવાન પાસે પોતાનાં માટે કંઈ માંગવા આવેલા શ્રધ્ધાળુઓ આવી રીતે ભગવાનનાં ઘર પહોચી જશે,તેવી કોઈને પણ આશા ન હતી. શુ આ પ્રથમ કરૂણાંતિકા હતી? ના, આ અગાઉ આવા કેટલાય બનાવ બન્યા છે. આમ છતાં આ કરૂણાંતિકા સર્જાઇ તો એમાં જવાબદાર કોણ? શુ લાખ-બે લાખ રૂપિયા વળતર આપી દેવાથી કે આ મંદિરના રસ્તા રેલીંગથી બાંધી દેવાથી આ સમસ્યા ઉકેલાઇ જશે?

52 શકિતપીઠ પૈકીના એક એવા શ્રધ્ધાના ધામ નૈનીતાલમાં બનેલી આ ઘટનાએ માનવીય હ્રદયને હચમચાવી નાખ્યું છે. મંદિર ટ્રસ્ટ હોય કે પછી સરકાર હોય, બધા જ પોતાના તરભાણા ભરવામાં પડ્યા છે, કોઇને સામાન્ય માનવીની દરકાર નથી. જો એમ હોત તો આ ઘટના ના ઘટી હોત. કેટલાય ઘરના ચિરાગ આમ અચાનક બુઝાઇ ગયા ના હોત, કેટલીય મહિલાઓના હાથ સુના ના થયા હોત, કેટલાય બાળકો નોંધારા ના થયા હોત, કેમ જાણે આમ જનતાને રામ ભરોસે છોડી દેવામાં આવે છે.
અત્યારસુધી ભારતમાં મંદિર કે ધાર્મિક સ્થાનો પર ધક્કામુક્કી અને ભાગદોડની કેટલીય ઘટનાઓ બની ચુકી છે. 1954માં અલાહાબાદમાં યોજાયેલ કુંભનાં મેળામાં 800 શ્રધ્ધાળુઓનાં મોત થયા હતાં. ગુજરાતની વાત કરીએ તો..ડાકોરનાં રણછોડરાય મંદિરમાં પણ ધક્કામુક્કીનાં બનાવો બની ચુક્યાં છે. કેટલાંય નિર્દોષના મોત થયા છે. રાજ્યમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા વગેરે તીર્થધામો પર્વત પર આવેલા છે. તો બીજા ઘણાં મંદિરોમાં જવા-આવવાનો માર્ગ ઘણાં સાંકડા છે. અંબાજી, પાવાગઢ જેવા પર્વત પર આવેલા મંદિરો પર ચઢવા પગથીયા તો છે. પણ તેની જરૂરી રેલીંગ નથી. તેથી નૈનાદેવી જેમ કાબુ બહારની ભીડ આવી જાય તે દિવસે મોટી દુર્ઘટના થવાની પુરી શક્યતા છે.
ભારત જેવાં દેશમાં કે જ્યાં નાગરિકો કર્મ કરતાં નસીબ કે ભગવાનને વધારે મહત્વ આપતાં હોય છે. બીજી બાજુ ભક્તો પાસેથી લાખોનું દાન મેળવતાં મંદિર પ્રશાસન પણ ભક્તોની સેવા માટે નાણાં ખર્ચતા અચકાય છે. મંદિરને ભેટમાં મળેલાં રૂપિયાથી ચાલતી રાજ્ય-કેન્દ્ર સરકારો કોઈ દુર્ઘટના સમયે મૃતકોને થોડાક રૂપિયા આપીને ફરજ પુરી થઈ ગઈ હોય તેમ માને છે. પણ આ દેશમાં નાગરિકો એટલી બધી મુશીબતોથી ઘેરાયેલા છે કે તેમને ભગવાન જ આખરી સહારો લાગે છે.
રાજ્યમાં દર મહિને ક્યાંક ને ક્યાંક મોટા મેળાનું આયોજન થતું હોય છે. પણ જરૂરી વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળે છે. દર વર્ષે મેળામાં આવનાર પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. તેમછતાં પોલીસ ફોર્સ કે વ્યવસ્થામાં કોઈ વધારો કરાતો નથી. લાગે છે કે વહીવટીતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું ના હોય ?

ઉંચે આવેલા તીર્થો પર કોઈ ટીખળખોરની નાનકડી મસ્તી મોટી હોનારત સર્જી શકે છે. પુરૂષો તો ભાગીને પોતાને બચાવી શકે છે, પણ આવા સમયે મહિલાઓ-બાળકો સૌથી વધુ ભોગ બને છે. ક્યારે અટકશે કમોતનો સિલસિલો? કેટલીય જીંદગીને કાયમ માટે ચૂપ કરી દેનારા ટીખળખોરો આસપાસના લોકોને ધ્યાનમાં રાખી પોતાની જાતને સુધારશે ખરા?


આ પણ વાંચો :