1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By Author કલ્યાણી દેશમુખ|
Last Updated: શનિવાર, 11 જૂન 2022 (11:44 IST)

સોલોગામી - એક ખૂબસુરત વિચાર જે તમને સ્ત્રી જીવન વિશે વિચારવા મજબૂર કરશે...

aatmvivah
સોલોગામી એ શબ્દ આજકાલ જેટલો ચર્ચામાં આવ્યો છે તેટલો પહેલા ક્યારેય નહોતો આવ્યો. પરંતુ હુ તો ખુશ છુ કે આ ક્યાક ખોવાયેલો શબ્દ સામે તો આવ્યો. દુનિયાની ભાગદોડમાં આપણે જેમ જૂના રીત રિવાજો ભૂલી રહ્યા છે.. પહેલાની જેમ લાઈફ ઈંજોય કરવાનુ ભૂલી રહ્યા છે. પહેલા કરતા વધારે સુખ સુવિદ્યા હોવા છતા પણ ખુશ રહેવાનુ ભૂલી ગયા છે એવા સમયમાં આ શબ્દને પોઝીટીવલી લઈને તેની સકારાત્મક બાજુઓ વિશે પણ જાણી લેવુ જોઈએ.  
 
આ જીવન એકલા જીવવુ ખૂબ અધરુ છે એ વાતને હુ નકારતી નથી સમાજે કેટલાક રીતિ રિવાજો બનાવ્યા છે તેની સાથે પણ સહમત છુ અને હુ ખુદ પણ તેની સાથે બંધાઈને જ જીવી રહી છુ.  રસ્તામાં એકલા જ ચાલીએ તો અનેક પડકારો એકલા જ સહન કરવા પડે પણ જો આપણી સાથે કોઈ સાથી હોય તો જીવનનો માર્ગ વધુ સરળ બની જાય છે. જીવનને એક લક્ષ્ય મળી જાય છે. જીવનમાં અનેક ખુશીઓ પણ આવે છે.  લગ્ન એ એક એવી વ્યવસ્થા છે જ્યા બે વ્યક્તિ જ એકબીજાના સાથી નથી બનતા પણ બે જુદા જુદા પરિવાર એક થાય છે.   સમાજના રીતિ રિવાજો મુજબ જીવીએ તો સમાજમાં સન્માન પણ મળે છે. 
 
પરંતુ વર્તમાન સ્થિતિમાં કોઈ આનાથી વિપરિત પણ નીકળે તો તેને સમાજનો દુશ્મન માનવુ પણ યોગ્ય નથી.  મતલબ આજે તમને ઘણી એવી મહિલાઓ જોવા મળશે જેમનુ વય વધી જાય તો પણ તેઓ લગ્ન નથી કરતી. નોકરી કરે છે અને એકલી રહે છે. આ તેની મજબૂરી પણ હોઈ શકે અને આ તેની પોતાની ઈચ્છા પણ હોઈ શકે.  પરંતુ સમાજ આવી સ્ત્રીને પણ શાંતિથી જીવવા દેતો નથી. લગ્ન કરીને સુખ મળે કે ન મળે તેની સમાજમાં કોઈને પડી નથી પરંતુ હા સ્ત્રીએ પરણી જવુ એ ફરજીયાત છે. બાળપણથી છોકરીઓને દરેક મા એક જ શબ્દ કહેતી જોવા મળશે.. આ શીખી લે નહી તો બીજા ઘરે જઈને અમારુ નામ લજવીશ.. તારે જે કરવુ હોય તે તારા ઘરે જઈને કરજે. મતલબ સ્ત્રીનુ અસ્તિત્વ શુ ? તે જ્યા જન્મી એ ઘર કે જ્યા તેની મરજી નામરજીથી લગ્ન કરવામાં આવે એ ઘર ?  જે સ્ત્રીઓનુ મન આ બધા સવાલો સાથે લડે છે તે લાખોમાંથી કોઈ એક સ્ત્રીને હિમંત કરીને ક્ષમા બિંદુની જેમ સોલોગામી બનવાનો વિચાર આવે. 
Photo : Instagram
આજનો મારો આ લેખ ક્ષમા બિંદુના સોલોગામી લગ્ન પર ચારેબાજુ થઈ રહેલી ચર્ચા પર જ છે.  સમાજના રક્ષકોને આ વાત નથી ગમી કારણ કે તેમને ભય છે કે એકનુ જોઈને અન્ય યુવતીઓ પણ આવુ કરવા માંડે તો સમાજની વ્યવસ્થા ગડબડાઈ જશે. તો મારી વિનંતી છે આવા મહાનુભવોને કે તમારે ગભરાવવાની જરૂર નથી. આવુ દરેક યુવતી નહી કરે.  આ તો એવી જ કોઈ યુવતી કરી શકે જેને ખુદ પ્રત્યે અતિ પ્રેમ હોય. જેને અન્ય સ્ત્રીઓના કે પોતાની માતાના જીવનને જોઈને કોઈ કડવો અનુભવ થયો હોય અને તેને પુરૂષ સાથે લગ્ન પછીની સ્ત્રીની સ્થિતિ અંગે વિચારીને આવો વિચાર આવ્યો હોય.  તો તેના નિર્ણયનુ સન્માન કરો. અને પોઝીટીવ રહો કે બની શકે કે આગળ જઈને તેને કોઈ એવો સાથી મળી જાય જેની સાથે તે  જીવન વીતાવવાનુ નક્કી કરે... 
હુ આ અંગે ઘણી મહિલાઓ સાથે વાતચીત કરી. દરેક મહિલાઓના તેમના પોતાના વિચાર જાણવા મળ્યા. 
 
વડોદરામાં રહેનારા શ્રીમતી નેહા વ્યાસ જે પોતે ઓએનજીસીમાં જોબ કરે છે અને બે બાળકોના માતા પણ છે.  તેમને ક્ષમા બિંદુના લગ્ન વિશે પુછ્યુ.. નેહાબેને કહ્યુ "હુ આ પ્રકારના લગ્નમાં વિશ્વાસ નથી કરતી.  એવી કોઈ સ્ત્રી નથી જે પ્રેમ ન ઝંખતી હોય. બની શકે કે આ પ્રકારના લગ્ન ફક્ત ખુદની તરફ લોકોનુ ધ્યાન આકર્ષિત કરવાનુ હોય.  હાલ બધાનુ એટેશન મળ્યુ છે તો સારુ લાગે છે. પણ જ્યારે તમે તમારી બીજી બહેનપણીઓને તેમનુ લગ્નજીવન એંજોય કરતા જોશો ત્યારે સમજાશે.  જ્યારે બીમાર પડીએ તો માથે હાથ કોણ મુકશે ? માતા-પિતા હોય ત્યા સુધી ઠીક છે પણ પછી શુ ? તમે ગમે તેટલુ કમાતા હોવ... તમે નોકરને પગાર પણ સારો આપતા હશો પણ તમને એ સહાનુભૂતિ કે હૂંફ મળી શકશે ખરી જે એક જીવનસાથી કે સંતાન તરફથી મળે છે."
 
આ અંગે અમે આજકાલની યુવાન જનરેશનને પણ પુછ્યુ કે શુ તમે આ પ્રકારના લગ્નને યોગ્ય માનો છો ? તો વડોદરાના અક્ષિતાબેન દેસાઈ જે 24 વર્ષના છે તેમના અને તેમની બહેનપણીઓના વિચાર છે કે "છોકરીને લગ્ન ન કરવા હોય તો તે કોઈ મોટી વાત નથી. આજકાલની યુવતીઓ ફ્રી માઈંડની છે. તેઓ જોબ કરતી હોય છે. તેમનુ ફ્રેંડ સર્કલ પણ ખૂબ મોટુ હોય છે. તો તેઓ લગ્ન ન કરવા માંગતી હોય તો એકલી રહી શકે છે. પરંત આ રીતે ખુદ સાથે લગ્ન કરીને ખુદને સમાજની દુશ્મન અને લોકોનુ અટ્રેશન ખેંચવાની કોશિશ જેવા હરકતો નહોતી કરવી જોઈતી. હવે જ્યારે તે આગળ જઈને કોઈની સાથે મેરેજ કરશે તો તેને ચૂપચાપ કરવા પડશે અથવા તો લોકો તેના વિશે જે બોલશે તે પણ સ્વીકારી લેવુ પડશે."
shama bindu
શમા બિંદુના ખુદ સાથે મેરેજ જો એક પબ્લિસિટી સ્ટંટ નથી અને ખુદને પ્રેમ કરવાની અનોખી રીત છે તો આ એક સારો વિચાર છે. જ્યા લગ્ન પછી સ્ત્રીઓ ખુદને માટે જીવવાનુ ભૂલી જાય છે. મેરેજના એકાદ બે વર્ષ સુધી તો ઠીક છે બધુ સારુ લાગે પરંતુ જ્યા બાળકો થાય કે મહિલાનુ જીવન બાળકોની જવાબદારી, ઘરની જવાબદારી અને જો જોબ કરતી હોય તો સર્વિસ આ બધામાં એવી અટવાય જાય છે કે તે ભૂલી જાય છે કે તે શુ હતી.. તે શુ કરવા માંગતી હતી.. તેના સપના શુ હતા. તે પહેલા કેવી રહેતી હતી. તે પરિવારના ખુશીમાં ખુશ અને પરિવારના દુખમાં દુખી થઈ જાય છે. તેનુ પોતાનુ સુખ શેમા છે તેને તે વધુ મહત્વ આપતી નથી કે કદાચ ભૂલી ગઈ છે કે તેના ખુદની ખુશી શામા છે. તે પોતાના દુખ વિશે કોઈને કહેતી નથી. શરીરને લગતી નાની નાની ફરિયાદોને ગણકારતી નથી.  આવી સ્ત્રી જો ખુદ માટે જીવવાનુ મન બનાવી લે તો શુ ખોટુ છે ? આપના વિચારો જરૂર જણાવજો.