શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|

આસારામજી તમે શુ છો એ સૌ જાણે છે

P.R
સમજાતુ નથી કે કેમ જ્યારે દેશ પર કોઈ મોટી મુશ્કેલી આવે કે કોઈ ગંભીર સમસ્યા પર ચર્ચા થાય ત્યારે હલકા નિવેદનમાં લપેટીને તેને સામાન્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ક્યારેક કૈલાશ વિજયવર્ગીય તો ક્યારેક ભાગવત ક્યારેક કોઈ અધિકારી અનીતા તો ક્યારેક રાજ ઠાકરે... અને હવે લોકો જેમને સન્માનીય ગણે છે તેવા આસારામ બાપૂ....

દિલ્હી ગેંગરેપ મુદ્દામાં સંત કહેવાતા આસારામે કહ્યુ કે તાળી બે હાથથી વાગે છે. છોકરી જો કોઈ છોકરાને ભાઈ કહીને કરગરે તો આવુ નથી થતુ જેવુ થયુ છે. હદ તો એ છે કે આ પ્રકારના હલકા નિવેદન પછી પણ તેમના અનુયાયીમાંથી કોઈ તેમના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવી રહ્યુ. આવા લોકો સંત કેવી રીતે બની જાય છે કે ઓળખાય છે. કયા નજરીયાથી તમે તેમને પૂજનીય કહો છો ?

સમજાતુ નથી કે આપણો ધર્માન્ધ સમાજ આવા લોકો પાછળ પાગલ થાય છે જે આટલા ક્રુર અને રાક્ષસી કૃત્યમાં પણ સ્ત્રીનો જ વાંક શોધતા ફરે છે. શુ તમે આવી વ્યક્તિ તરફ આશા રાખો છો કે તે તમને જીવનનું માર્ગદર્શન આપશે ? આવી વ્યક્તિ કેવી રીતે તમારા જીવનમાં ઉજાસ લાવી શકે છે જે ખુદ સમાજને ગેરમાર્ગે દોરતા નિવેદન આપતા હોય.

આપણા સમાજમાં સંતના નામે અનેક ગૌરવશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓની પરંપરા રહી છે. આસારામ બાપુ જેવા લોકો આવા નિવેદનો આપીને સંતના નામને બદનામ કરવા પાછળ લાગ્યા છે. આસારામ જેવા લોકોને પૂજનીય કહીને આપણે જ માથા પર ચઢાવીએ છીએ. કોઈ સિંધી સમાજના દમ પર પોતની મિલકતમાં વધારો કરી રહ્યા છે તો કોઈ અગ્રવાલ સમાજનો રખેવાળ બન્યો છે. કોઈએ ગુજરાતી લોકોને આગળ વધારી રાખ્યા છે તો કોઈ બીજા સમાજના નામ પર પોતાની દુકાન સજાવી રહ્યુ છે. છેવટે આવી મૂર્ખતા કોણ કરી રહ્યુ છે. આપણે બધા મળીને જ ને ?

કોણ આ સંત બનેલા લોકો પાસે હિસાબ માંગે છે કે તેમની કરોડોની સંપત્તિ ક્યાથી આવી ? કોણ છે જે તેમની ઉંધા છતા નિવેદનો પછી પણ તેમનો વિરોધ કરવાની હિમંત ધરાવે છે ?

જો નહી તો ઓલવી નાખો એ બધી મીણબત્તીઓ જે આપણે ઈંડિયા ગેટ પર દામિનિના નામે સળગાવી હતી. નેતા તો બેશરમ છે, પણ શુ આપણે પણ ?

સ્ત્રીઓને મર્યાદામાં રહો નહી તો રાવણ આવશે જ જેવી સલાહ આપનારા કૈલાશ વિજયવર્ગીયને જઈને પૂછવાની હિમંત છે આપણામાં કે તેમના જ ઈન્દોરમાં છ મહિના પહેલા ત્રણ વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરીને તેની હત્યા કરી નાખી હતી ત્યારે તે બાળકીએ કંઈ મર્યાદા ઓળંગી હતી ?

યુવતી વિરોધ ન કરતી તો તેને આંતરડા કાઢવા ન પડતા જેવા નિવેદન આપનારી અધિકારી અનિતાને જઈને પૂછો કે શુ તે પોતાની પુત્રીઓને આવી સલાહ આપશે કે જ્યારે કોઈ તેની છેડતી કરે તો તેનો વિરોધ ના કરતી... ?

બળાત્કાર તો ઈંડિયામાં થાય છે ભારતમાં નહી જેવા નિવેદન આપનારા સંઘ પ્રમુખ ભાગવતજી બતાવે કે છત્તીસગઢના આશ્રમમાં રહેતી 8 થી 11 વર્ષની છોકરીઓ ઈંડિયામાં હતી કે ભારતમા ? તેઓ કઈ લિપસ્ટીક કે જીંસ પહેરીને ફરતી હતી ?

આ બધા પ્રશ્નોના જવાબ આવા નેતાઓ અને આસારામ જેવા સંતોને પૂછવા જોઈએ. આવા લોકો જ દોષનો ટોપલો નારી પર ઢોળીને બળાત્કારીઓને પ્રોત્સાહન આપે છે.