ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 10 માર્ચ 2022 (11:53 IST)

5 State Assembly Elections Result 2022 Live Updates- UPમાં સમાજવાદી પાર્ટીની અપીલ, ટીવીનાં વલણો પર નહીં બૂથ પર ધ્યાન આપો, પંજાબમાં મુખ્યમંત્રી ચન્ની, સિદ્ધુ અને અમરિંદર પણ મુશકેલીમાં.

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની અસર જે-તે રાજ્યના મુખ્ય મંત્રીપદના ઉમેદવારો તથા ચૂંટણીજંગમાં ઝંપલાવનારા કૅન્ડિડેટ પર તો થશે જ સાથે-સાથે તેનાં દૂરગામી રાજકીય પરિણામો હશે. યુપીમાં વિજય-પરાજય મોદી-યોગીની શાખ પર અસર કરશે.

પંજાબ-ઉત્તરાખંડ-ગોવાનાં ચૂંટણીપરિણામો રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે, પાર્ટીમાંથી તેમના નેતૃત્વની સામે કદાચ પડકાર ઊભા ન થાય તો પણ ભાજપના વિકલ્પ તરીકે કૉંગ્રેસ પર સવાલ ઊઠશે.
 
પંજાબમાં આપનો વિજય થાય તો ત્રીજા મોરચામાં પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું કદ વધશે.
 

જાણો પંજાબ ચૂંટણીનુ પરિણામ 

આ સિવાય નવા ચૂંટાયેલા ધારાસભ્યો આગામી છ મહિના દરમિયાન રાજ્યસભાની લગભગ લગભગ 70 જેટલી બેઠકોની ચૂંટણી દરમિયાન ઉપલાગૃહમાં પોત-પોતાની પાર્ટીના પ્રતિનિધિત્વને અસર પહોંચાડશે.
 

નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને તેમણે ચૂંટેલા રાજ્યસભાના સંસદસભ્યો આગામી રાષ્ટ્રપતિપદની ચૂટણી દરમિયાન ભાજપ (કે એનડીએ)ના ઉમેદવારની હારજીતને નહીં તો કમ સે કમ માર્જિનને તો અસર કરશે જ.
 
પંજાબની ચૂંટણીમાં પરિવર્તન કૅપ્ટન અમરિંદરસિંહ અને તેમની પાર્ટીનું રાજકીય ભાવિ નક્કી કરશે તો ગોવાનાં પરિણામોના આધારે મમતા બેનરજીની રાજકીય મહત્ત્વકાંક્ષાઓ નિર્ધારિત થશે.

પંજાબ: મુખ્યમંત્રી ચન્ની, સિદ્ધુ અને અમરિંદર પણ મુશકેલીમાં.
 
પંજાબમાં ચમકૌર સાહિબ અને ભદૌર બેઠક પરથી લડી રહેલા પંજાબના મુખ્ય મંત્રી ચરણજીત સિંહ ચન્ની પાછળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટની બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. પટિયાલાથી પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહ પણ પાછળ ચાલી રહ્યા છે. ધૂરીથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ભગવંત માન આગળ ચાલી રહ્યા છે.

 
ઉત્તર પ્રદેશ: પરિણામના વલણમાં ભાજપે કર્યો બહુમતનો આંકડો પાર
 
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામના વલણમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે.
 
અઢી કલાકની મતગણતરી બાદ હવે રાજ્યમાં ભાજપ 209 બેઠકો પર આગળ છે. સમાજવાદી પાર્ટીને 101 સીટ પર લીડ મળી છે.
 
જ્યારે કૉંગ્રેસ ચાર અને બહુજન સમાજવાદી પાર્ટી પાંચ બેઠક પર આગળ છે.
 
402 બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બહુમત માટે 202 બેઠકો પર જીત જરૂરી છે.
 
પંજાબ ચૂંટણીના વલણ પર આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું, “સામાન્ય લોકો જાગી ચૂક્યા છે”
 
પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણમાં આમ આદમી પાર્ટીને મળી રહેલી લીડથી પાર્ટીના નેતાઓ ખુશ જોવા મળી રહ્યા છે.
 
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે "પંજાબમાં પાર્ટીને મળી રહેલી જીતથી સાબિત થઈ રહ્યું છે કે સામાન્ય જનતા જાગી ચૂકી છે. અમારી પાર્ટી કૉંગ્રેસનું નેચરલ રિપ્લેસમેન્ટ છે."
 
"અમે વધુ એક રાજ્યમાં સત્તામાં આવી રહ્યા છીએ એ નહીં, મહત્ત્વની વાત એ છે કે રાષ્ટ્રીય સ્તરે એક વિકલ્પ તરીકે અમે આગળ વધી રહ્યા છીએ."