Jaipur- ભયાનક માર્ગ અકસ્માતમાં 8નાં મોત, બેકાબૂ બસે કારને ટક્કર મારી
જયપુરના ડુડુમાં ટાયર ફાટવાને કારણે રોડવેઝની બસ કાબૂ બહાર ગઈ હતી અને કારને ટક્કર મારી હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. આ દરમિયાન 6 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
આ દુર્ઘટના આજે બપોરે લગભગ 3.45 વાગ્યે જયપુર-અજમેર હાઇવે પર મોખમપુરામાં બની હતી. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ તમામ લોકો ભીલવાડાના રહેવાસી હતા અને મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, રોડવેઝની બસ જયપુરથી અજમેર જઈ રહી હતી. આ બસ પાસે બીજી લેનમાં ઈકો કાર દોડી રહી હતી. દરમિયાન અચાનક રોડવેઝની બસનું ટાયર ફાટતાં રોડવેઝની બસ ઈકો કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.