બાબા બાગેશ્વર ધામમાં ફરી એકવાર અકસ્માત, એક મહિલાનુ મોત, 10 ઘાયલ
મંગળવારે સવારે છતરપુર જિલ્લાના પ્રખ્યાત બાગેશ્વર ધામમાં એક મોટી દુર્ઘટના ઘટી જ્યારે એક ધર્મશાળાની દિવાલ ધરાશાયી થઈ. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની રહેવાસી 40 વર્ષીય અનિતા દેવીનું કાટમાળ નીચે દટાઈ જવાથી મૃત્યુ થયું, જ્યારે 10 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. અકસ્માત બાદ તરત જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા છતરપુર જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં તમામની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
શ્રદ્ધાળુઓના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ધર્મશાળામાં બધા લોકો સૂતા હતા, ત્યારે અચાનક દિવાલ તૂટી પડી અને તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા. આ અકસ્માતમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના અદલહાટ ગામના રહેવાસી રાજુની પત્ની અનિતા દેવીનું મોત નીપજ્યું હતું. દિવાલના કાટમાળ નીચે ઘણા લોકો દટાઈ ગયા હતા. 10 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે દિવાલ પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
છતરપુરના સીએમએચઓ આરપી ગુપ્તા કહે છે કે સવારે ભારે વરસાદને કારણે બાગેશ્વર ધામના એક ઢાબા પર દિવાલ પડી ગઈ હતી. કાટમાળ નીચે દટાઈ જવાથી કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. એકના મોતની માહિતી પણ સામે આવી છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.