VIDEO: દિલ્હીના મુસ્તફાબાદમાં 4 માળની ઇમારત ધરાશાયી, 6 લોકોના મોત, જુઓ ઇમારત ધરાશાયી થવાના CCTV
Mustafabad Building collapses
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં મોડી રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ; કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ઇમારત ધરાશાયી થવાથી છ લોકોના મોત થયા છે જ્યારે લગભગ 28 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શક્યતા છે. આ ઇમારતમાં ઘણા પરિવારો રહેતા હતા. NDRF અને દિલ્હી ફાયર સર્વિસની ટીમો છેલ્લા 6 કલાકથી બચાવ કામગીરીમાં રોકયેલા છે. ,
ફાયર વિભાગના અધિકારી રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે અમને સવારે લગભગ 2:50 વાગ્યે ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને અમને કાટમાળ નીચે લોકો ફસાયેલા હોવાના અહેવાલો મળ્યા હતા. NDRF અને ફાયર વિભાગ લોકોને બચાવવા માટે કામ કરી રહ્યા છે.
ઇમારત ધરાશાયી થવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
મુસ્તફાબાદ વિસ્તારમાં થયેલી ઇમારત ધરાશાયી થવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મધ્યરાત્રિએ ઇમારત પત્તાના ઘરની જેમ તૂટી પડી હોય તેવું જોઈ શકાય છે. ઇમારત ધરાશાયી થતાં જ ધુમાડામાં ઘેરાઈ ગઈ હતી. જ્યારે ઇમારત ધરાશાયી થઈ ત્યારે રાત્રિના 2:39 વાગ્યા હતા.
અકસ્માતમાં છ લોકોના મોત
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇમારત ધરાશાયી થઈ ત્યારે તેની અંદર 20 થી વધુ લોકો હતા, જેમાંથી 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી છ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બાકીના લોકોની સારવાર ચાલી રહી છે. કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે. જે ઇમારત ધરાશાયી થઈ તે ચાર માળની L-આકારની ઇમારત હતી.
મૃતકોમાંથી એકના સંબંધી શહજાદ અહેમદે જણાવ્યું હતું કે ઇમારત સવારે 2.30 થી 3 વાગ્યાની આસપાસ ધરાશાયી થઈ હતી. તે ચાર માળનું મકાન હતું. મારા બે ભત્રીજાઓ મૃત્યુ પામ્યા છે. મારી બહેન, સાળી અને ભત્રીજી પણ ઘાયલ થયા છે. તેમને જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ખરાબ હવામાનને કારણે અકસ્માતની શક્યતા
મળતી માહિતી મુજબ, શુક્રવારે દિલ્હીના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો. રાત્રે શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડા જોવા મળ્યા. ગયા અઠવાડિયે મધુ વિહાર પોલીસ સ્ટેશન નજીક ધૂળના તોફાન દરમિયાન એક બાંધકામ હેઠળની ઇમારતની દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા.