ભૂપેશ બઘેલના ઘરે ઈડીના દરોડા, દીકરાની અટકાયત કરી, શું છે મામલો
કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ શુક્રવારે છત્તીસગઢના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના દીકરા ચૈતન્ય બઘેલની અટકાયત કરી છે.
શુક્રવારે સવારે ઈડીની એક ટીમે ભૂપેશ બઘેલના ભિલાઈસ્થિત ઘર પર છાપો માર્યો હતો.
છત્તીસગઢમાં ઈડી કોલસા અને શરાબ ગોટાળાની તપાસ કરી રહી છે.
આ દરમિયાન સમયાંતરે ભૂપેશ બઘેલ અને તેમના પરિવારજનોનાં ઘરોમાં ઈડીએ છાપામારી અને પૂછપરછ કરી છે.
શુક્રવારે થયેલી છાપામારી બાદ ભૂપેશ બઘેલ રાયપુર પહોંચ્યા અને તેમણે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લીધો.
આજે વિધાનસભામાં ચોમાસું સત્રનો અંતિમ દિવસ હતો. આ બધા વચ્ચે તેમના પરિવારજનોની પૂછપરછ ચાલુ હતી.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખેલી એક પોસ્ટમાં જણાવ્યું કે ઈડી વિધાનસભાના સત્રના અંતિમ દિવસે તેમના ઘરે આવી છે, જ્યારે તેમણે તમનારમાં અડાણી માટે વૃક્ષોને કાપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
એક પોસ્ટમાં તેમણે લખ્યું, "જન્મદિવસની જેવી ભેંટ મોદી અને શાહ જી આપે છે, તેવી ભેંટ દુનિયામાં કોઈ પણ લોકતંત્રમાં કોઈ નહીં આપી શકે."