સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (15:22 IST)

'એક ભારત શ્રેષ્ઠ ભારત" થીમ આધારિત પ્રવાસન સમિટનું કાઉન્ટડાઉન શરૂ કરાયું

ગત વર્ષે કચ્છનાં સફેદ રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની પરિષદ યોજાયા બાદ આ વર્ષે વડાપ્રધાન મોદીની પરોક્ષ હાજરી વચ્ચે ભારતના પ્રવાસન વિભાગની ત્રિદિવસીય સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.આ વર્ષે `એક ભારત શ્રેષ્ઠ ભારત'ની થીમ પર આ પ્રવાસન સમિટનું આયોજન કરાયું છે. જેની સંપૂર્ણ તૈયારીઓ કચ્છના પ્રવાસ વિભાગે પૂર્ણ કરી લીધી છે. 20મીએ સાંજે 3.30 વાગ્યે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ પ્રવાસન સમિટનું વિધિવત ઉદ્દઘાટન કરશે. બે કેન્દ્રીય પ્રધાનો સહિત દેશના જુદા જુદા રાજ્યોના 19 પ્રવાસન અને રમતગમત, યુવક સાંસ્કૃતિક વિભાગના પ્રધાન મંડળના સાથીઓ ભાગ લેવાના છે. અધિક કલેકટર ડી.આર. પટેલ અને આ પ્રવાસન મીટ માટે ખાસ નિમાયેલા નોડેલ ઓફિસર ઇન્દ્રજિતસિંહ વાળાએ વિગતો આપતાં કહ્યું હતું કે, પ્રવાસન વિભાગના પ્રધાનો, સચિવ સહિત 250 ડેલિગેટ્સ ઉપરાંત એન.એસ.એસ., નેહરુ યુવા કેન્દ્ર તથા એન.સી.સી.ના 43 પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. અધિકારીઓના કહેવા પ્રમાણે તમામ રાજ્યના પ્રવાસન વિભાગના એમ.ડી., ડાયરેકટર પણ પરિષદમાં જોડાશે. સમિટની 20મીએ પ્રારંભ અને 22મીએ પૂર્ણાહુતિ થશે. દેશના પ્રવાસન, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રના વિકાસ માટે ત્રણ દિવસ સુધી વિચાર-વિમર્શ અને મનન કરવામાં આવશે. તમામ રાજ્યો વચ્ચે ભારત સરકારનું સંકલન સંધાય અને પ્રવાસન ક્ષેત્રેનો વધુને વધુ વિકાસ થાય તેવા પ્રયાસો બાદ વિચારણાને અંતે નિર્ણય લેવામાં આવશે.20મીએ ઉદ્દઘાટન સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ ડેલિગેટ્સને સંબોધન કરશે. સમગ્ર સમિટ માટે રાજ્ય સરકારે 40 નાયબ કલેકટર તથા અધિક કલેકટર કક્ષાના અધિકારીઓની ટીમ ફાળવી છે. ત્રણેય મંત્રાલયનું સંકલન સાંધીને સરળતાથી કામ કરી શકાય એટલે માટે આ સમિટને `એક ભારત શ્રેષ્ઠ ભારત'ની થીમ આપવામાં આવી છે પ્રધાન મંડળના કેટલાક સભ્યો 19મીએ સાંજે જ કચ્છના રણ ખાતે આવી જશે. જેને લઈને આજથી 23મી સુધી રણોત્સવ સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. પ્રવાસન મીટમાં જુદા જુદા રાજ્યોમાંથી આવનારા પ્રધાન મંડળના સભ્યોમાં મહેશ શર્મા -કેન્દ્રીય પ્રવાસનપ્રધાન, વિજય ગોયલ -કેન્દ્રીય રમતગમતપ્રધાન , શિવચંદ્રારામ-બિહાર, દયાલદાસ-છત્તીસગઢ, ગણપતસિંહ વસાવા-ગુજરાત , રાજેન્દ્ર ત્રિવેદી-ગુજરાત, અનિલ વીજ-હરિયાણા, પ્રિયા શેઠી-જમ્મુ કાશ્મીર, અમરકુમાર બાફરી-ઝારખંડ, પ્રિયંગ કવાર્ગ-કર્ણાટક, પ્રમોધ માધવરાજ-કર્ણાટક, અવંતિસિંઘ-મહારાષ્ટ્ર, એમ. જેટાલિંગન-મિઝોરમ, મહેંદી કરિશ્મા રાવા-પોંડીચેરી, ગજેન્દ્રસિંહ-રાજસ્થાન, અઝમીરા મુંડીલાલ-તેલંગાણા , ટી. પદમારાવ-તેલંગાણા, અલીપૂરમ વ્યંકટેશ્વરમ-તેલંગાણા, અયપ્પા નાયડુ-આંધ્રપ્રદેશ ઉપરાંત અરૂણાંચલ તથા મહારાષ્ટ્રના પ્રધાનો હાજરી આપશે. ધોરડો ખાતે 20મીથી યોજાનારી પ્રવાસન મીટમાં ભાગ લેવા આવતા મહેમાનો માટે વહીવટી તંત્ર દ્વારા આવકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે પ્રધાનમંડળ તેમજ ઉચ્ચ સચિવો વગેરે માટે નાના 75 વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અન્ય ડેલીગેટ્સને ધોરડો ખાતે પહોંચાડવા તેમજ આવનજાવન માટે 15 બસની વ્યવસ્થા કરવામાં આવી છે.