1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (13:00 IST)

Women Reservation Bill - શુ છે મહિલા અનામત બિલ ? જાણો મહિલા અનામત વિશે 5 જરૂરી વાતો

women reservation
મીડિયાના અહેવાલો પ્રમાણે મોદી કૅબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ છેલ્લાં 27 વર્ષોથી અટકેલું હતું. મહિલા અનામત બિલ સોમવારે સંસદમાં પણ ચર્ચામાં રહ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના સંસદભવનમાં પોતાના અંતિમ ભાષણમાં કહ્યું કે બન્ને ગૃહોમાં અત્યાર સુધી 7500થી વધુ જન પ્રતિનિધિઓએ કામ કર્યું છે, જ્યારે મહિલા પ્રતિનિધિઓની સંખ્યા લગભગ 600 છે. તેમણે કહ્યું કે મહિલાઓના યોગદાને ગૃહની ગરિમા વધારવામાં મદદ કરી છે.
મંગળવારે કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદમાં બિલ રજૂ કર્યું હતું. આ બિલ માટે બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે. 
 
1. શુ છે મહિલા અનામત બિલ 
મહિલા અનામત બિલમાં સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો પ્રસ્તાવ છે. આ 33 ટકા અનામતની અંદર, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) માટે પેટા અનામતની જોગવાઈ હતી. પરંતુ અન્ય પછાત વર્ગો માટે અનામતની કોઈ જોગવાઈ નહોતી.
 
-આ બિલમાં દરખાસ્ત છે કે લોકસભાની દરેક ચૂંટણી પછી અનામત બેઠકો ફેરવવી જોઈએ. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે.
 
એસસી-એસટી મહિલાઓના અનામતનું શું થશે?
 
કલમ 330Aની નવી પેટાકલમ (2) મુજબ અનુસૂચિત જાતિની મહિલાઓ અથવા અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે ત્રીજા ભાગની બેઠકો અનામત રાખવામાં આવશે.
 
આ જ કલમની પેટાકલમ (3) મુજબ પેટાકલમ (2)ની મહિલાઓની બેઠકો સહિત ગૃહની કુલ બેઠકના ત્રીજા ભાગની બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
 
જેનો અર્થ કે સંસદમાં મહિલાઓ માટે લગભગ 33 બેઠકો અનામત રહેશે. બંધારણની કલમ 332માં દાખલ કરવામાં આવનારી નવી કલમો મુજબ દરેક રાજ્યોમાં પણ મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે. અહીં પણ લગભગ 33 ટકા બેઠકો મહિલાઓ જેમાં અનુસૂચિત જાતિ-જનજાતિની મહિલાઓનો પણ સામાવેશ થાય છે, અનામત રહેશે.
 
વર્તમાન સમયમાં એસસી-એસટી માટે 131 બેઠકો અનામત છે. તેમાંથી 43 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. ગૃહમાં મહિલાઓ માટે અનામત કુલ બેઠકો 43 ગણવામાં આવશે. જેનો અર્થ કે ગૃહની કુલ 543 બેઠકોની ત્રીજા ભાગની બેઠકો એટલે કે 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.


 
3 . મહિલા અનામત બિલમાં શુ છે જોગવાઈ 
 
લોકસભામાં રજૂ થયેલા મહિલા અનામત બિલની જોગવાઈની વાત કરીએ તો, બંધારણની કલમ 239AA, 330, 332, 334માં નવી કલમો-પેટાકલમો ઉમેરીને આ બિલની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે. ઉપરાંત બંધારણ 330માં નવી કલમ ઉમેરવામાં આવશે. તેમાં કલમ 330A. (1)ની નવી જોગવાઈ પ્રમાણે સંસદમાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
 
બંધારણની કલમ 334માં દાખલ કરવામાં આવનારી નવી કલમ 334A અને એની પેટાકલમો અનુસાર બંધારણનો આ 128મો સુધારો લાગુ થયા બાદ થનારી પ્રથમ વસ્તી ગણતરીના સંબંધિત આંકડાઓ પરથી નવું સીમાંકન નક્કી થયા બાદ આ મહિલા અનામત લાગુ થશે. 
 
જોગવાઈઓ સરકાર નોટિફિકેશન બહાર પાડી ગેઝેટમાં પ્રકાશિત કરશે એ મુજબ લાગુ થઈ જશે. પ્રસ્તુત બિલમાં કહેવાયું છે કે આર્ટિકલ 239AAમાં ક્લોઝ-2માં પેટાક્લોઝ (b) પછી નવા ક્લોઝ ઉમેરવામાં આવશે. નવા દાખલ કરવામાં આવનારા ક્લોઝ (ba) અનુસાર જેમાં નેશનલ કેપિટલ ટેરટરી ઑફ દિલ્હી (એનસીઆર દિલ્હી)ની વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
 
વળી નવો ક્લોઝ (bc) દાખલ કરાશે. જેમાં જોગવાઈ કરાઈ છે કે વિધાનસભામાં મહિલાઓ માટે કુલ બેઠકોના ત્રીજા ભાગની બેઠકો જેમાં અનુસૂચિત જાતિઓની મહિલાઓ માટેની બેઠકો પણ સામેલ ગણાશે તેને અનામત રાખવામાં આવશે જે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. અનુસૂચિત જાતિની મહિલાઓ માટેની બેઠકોનું પ્રમાણ સંસદ દ્વારા બનેલા કાયદા હેઠળ નક્કી કરવામાં આવશે.
 
તેમાં 131 બેઠકો એસસી-એસટી માટે હોવાથી મહિલાઓ માટે 181માંથી બચેલી 43 બેઠકો અનામત રહેશે. જેનો મતબલ એ થશે કે જનરલ કૅટેગરીની મહિલાઓ માટે કુલ 138 બેઠકો અનામત હશે.
 
4 . મહિલા અનામત ક્યારે અમલમાં આવશે?
 
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં વસ્તી ગણતરી થવાની હતી પરંતુ કોરોના વાઇરસના કારણે તે મોકૂફ રહી જે વર્ષ 2021માં થવાની હતી જોકે, 2021માં પણ કોરોના વાઇરસના કારણે તે મોકૂફ રહી. જૂન-2023 સુધી વહીવટી સીમાંકન તૈયાર કરવાની ડેડલાઇન હતી પરંતુ એ મોકૂફ રખાઈ. હવે આગામી વર્ષ 2024માં ડિજિટલ વસ્તી ગણતરી કરવાનું સરકારનું આયોજન છે. એનો અર્થ કે લોકસભાની 2024ની ચૂંટણીઓ પછી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી શકે છે અને જોગવાઈઓ તેનાં લાગુ થયાનાં 15 વર્ષ પછી નિષ્ક્રિય થઈ જશે. એટલે કે મહિલા અનામત 15 વર્ષ સુધી લાગુ રહેશે.
 
વળી મહિલા બેઠકોની અનામત સરકાર કાયદા દ્વારા નક્કી કરે તે સમયાવધિ સુધી ચાલુ રહેશે. એટલે કે જો સરકાર તેને આગળ વધારવા ઇચ્છે તો કાયદો બનાવી સમયાવધિ પૂર્ણ થયા બાદ તેને લંબાવી શકે છે. જ્યાં સુધી તત્કાલિન લોકસભા, વિધાનસભાઓ ભંગ ન થાય ત્યાં સુધી આ નવી જોગવાઈઓ લાગુ નહીં થઈ શકે.
 
5  અનામતની બેઠકો કઈ રીતે નક્કી થશે?
 
ઉપરાંત સંસદ કાયદા દ્વારા નવા સીમાંકનની દરેક કવાયતો કરતી જશે એ મુજબ બેઠકોનું રોટેશન થતું રહેશે.
બિલમાં કહેવાયું છે કે, બંધારણીય સુધારો કરાયો છે તેના લીધે સરકારને દરેક નવી સીમાંકન કવાયત દ્વારા બેઠકોનું રોટેશન કરવાની સત્તા છે.
 
બેઠકોનું રોટેશન કરવા અને સીમાંકન કરવા માટે સંસદે કાયદો પસાર કરવો પડશે. અને નોટિફિકેશન બહાર પાડવું પડશે. ત્યાર પછી જ તે બેઠકોનું રોટેશન કરી શકશે.
 
હાલ પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ત્રીજા ભાગની બેઠકો મહિલાઓ માટે અનામત છે. તેને પણ દર ચૂંટણીએ રેટોશન આપવામાં આવે છે.
 
અનુસુૂચિત જાતિઓની બેઠકો મતક્ષેત્રમાં તેમની વસ્તીના પ્રમાણના અનુસંધાને નક્કી કરવામાં આવે છે.
 
6. નાનાં રાજ્યોમાં બેઠકો કઈ રીતે અનામત રાખવામાં આવશે?
 
હજુ એ સ્પષ્ટ નથી કે સંઘપ્રદેશો જેવા કે લદાખ, પુડ્ડુચેરી અને ચંદીગઢથી લોકસભાની દરેકની એક જ બેઠક છે. પૂર્વોત્તરનાં રાજ્યો જેવા કે મણિપુર, ત્રિપુરાની લોકસભાની બે બેઠક છે, જ્યારે નાગાલૅન્ડની એક બેઠક છે.
 
આ રાજ્યોની બેઠકો પણ અનામત રહેશે કે કેમ એ અસ્પષ્ટ છે.
 
જોકે વર્ષ 2010માં લાવવામાં આવેલા મહિલા અનામત બિલમાં એવી જોગવાઈ હતી કે જે રાજ્ય અથવા સંઘપ્રદેશમાં એક જ લોકસભા બેઠક હોય તેની બેઠક એક ચૂંટણીમાં મહિલા માટે અનામત રાખવામાં આવશે જ્યારે બીજી બે ચૂંટણીઓ માટે તે અનામત નહીં રહે. આ રીતે ક્રમવાર રીતે અનામત લાગુ કરાશે.
 
જ્યારે તે રાજ્યોમાં કે સંઘપ્રદેશમાં 2 બેઠકો હોય ત્યાં એક બેઠક અનામત રાખવામાં આવશે અને ત્રીજી ચૂંટણીમાં મહિલા માટે એક પણ બેઠક અનામતની જોગવાઈ નહીં રાખવામાં આવે.
 
જોકે, સવાલ એ પણ છે કે ,હાલ મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું છે?
 
હાલ લોકસભામાં 82 મહિલા સાંસદો છે. એટલે કે મહિલાઓનું પ્રતિનિધિત્ત્વ 15 ટકા છે. જ્યારે 19 વિધાનસભાઓમાં તે 10 ટકા કરતાં પણ ઓછું છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વિશ્વમાં દેશોની સંસદોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 26.5 ટકા છે.