અયોધ્યા વહીવટી તંત્રની માહિતી પ્રમાણે 12 વર્ષની કિશોરી પર ગૅંગરેપના આરોપીની બેકરી પર શનિવારે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.
અયોધ્યાના જિલ્લા મૅજિસ્ટ્રેટ ચંદ્રવિજયસિંહે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "મોઇદ ખાન નામની વ્યક્તિની બેકરી તોડી પાડવામાં આવી છે. આ બેકરી ગેરકાયદેસર રીતે એક તળાવ પર બનાવવામાં આવી હતી."
ઉત્તર પ્રદેશ પોલીસે 30 જુલાઈના રોજ બેકરીના માલિક મોઇદ ખાન અને તેમના કર્મચારી રાજુ ખાનની બળાત્કારના એક કેસમાં ધરપકડ કરી હતી.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ બંને આરોપીએ બે મહિના પહેલાં એક કિશોરી સાથે બળાત્કાર કરીને તેનો વીડિયો બનાવ્યો હતો.
ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ગુરુવારે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે મોઇદ ખાનનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે છે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પીડિતના પરિવારની પણ મુલાકાત કરી હતી. આ મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોઈ સીધી ટિપ્પણી કરી નથી. જોકે, તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને "દુષ્કર્મ કરનારા આરોપીઓનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માગણી કરી હતી." સમાજવાદી પાર્ટીના હૅન્ડલની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અખિલેશ યાદવે બળાત્કારના કેસ માટે જ આ માગણી કરી છે.
બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના સર્વોચ્ચ નેતા માયાવતીએ આ મામલે કાર્યવાહીને લઈને ઉત્તર પ્રદેશ સરકારનો બચાવ કર્યો અને અખિલેશ યાદવની ટીકા કરી છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસ બે મહિના જૂનો છે. કિશોરીને જ્યારે મેડિકલ ચેકઅપમાં જાણ થઈ કે તે ગર્ભવતી છે ત્યારે આ ઘટના સામે આવી હતી.
ઉત્તર પ્રદેશની વિધાનસભામાં યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે મોઇદ ખાનનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે છે અને તે 12 વર્ષની કિશોરીના બળાત્કારમાં સામેલ છે.
આ મામલે ઉત્તર પ્રદેશના ભદરસાના રહેવાસી મોઇદ ખાન અને તેમના સહયોગી રાજુ ખાનને 30 જુલાઈના રોજ પુરા કલંદર વિસ્તારમાંથી પકડ્યા હતા.
અયોધ્યાના એસએસપી રાજ કરણ નય્યરે મીડિયાને જણાવ્યું કે આરોપીઓએ વીડિયો થકી પીડિતાને ડરાવી અને ધમકાવી હતી.
તેમણે જણાવ્યું, "વીડિયો થકી ડરાવી-ધમકાવીને લગભગ અઢી મહિના સુધી ખાન કિશોરીનું શોષણ કરતો રહ્યો. તેમણે પોતાના સહયોગી રાજુ ખાનની સાથે મળીને આ ગુનો આચર્યો હતો."
ત્યારબાદ પરિવારની ફરિયાદના આધારે પોલીસે પુરા કલંદર પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ દાખલ કરી અને તપાસ શરૂ કરી.
અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પીડિતા રાજુ ખાન પાસે કામ કરતી હતી. અઢી મહિના પહેલાં કામ ખતમ કર્યા પછી રાજુએ પીડિતાને કહ્યું કે મોઇદ ખાન તેમને મળવા માંગે છે.
જે બાદ મોઇદે તેમનું શારીરિક શોષણ કર્યું અને આ ઘટનાનો વીડિયો બનાવ્યો.
મોઇદ ખાનની બેકરી પર બુલડોઝર કેમ ચલાવાયું?
અયોધ્યાના એડીએમ અનિરુદ્ધકુમાર સિંહે કહ્યું કે ગેરકાયદેસર અતિક્રમણની તપાસ બાદ વહીવટી તંત્રએ બાંધકામ પર બુલડોઝર ચલાવવાનો નિર્ણય કર્યો હતો.
અનિરુદ્ધે જણાવ્યું, "આરોપી વ્યક્તિએ જાહેર તળાવ, જાહેર રસ્તા પર ગેરકાયદેસર અતિક્રમણ કરીને મલ્ટીકૉમ્પ્લેક્સ અને બેકરી બનાવ્યાં હતાં. અહીં ગેરકાયદેસર બાઉન્ડ્રી બનાવવામાં આવી રહી હતી. અમારી રેવન્યૂ ટીમે આ વિશે તપાસ કરી હતી."
"ઑથોરિટી અને મ્યુનિસિપલ કૉર્પોરેશને કાયદેસરની કાર્યવાહી કરીને શનિવારે બેકરીને તોડી નાખી હતી."
તેમણે કહ્યું, "મલ્ટીકૉમ્પ્લેક્સમાં એક બૅન્ક ચાલી રહી છે અને અમે બૅન્કના મૅનેજર સાથે વાત કરી છે. બૅન્ક ત્યાંથી હઠશે. તેમને પણ અમે નોટિસ આપી છે, છતાં પણ તેઓ ગેરકાયદેસર અતિક્રમણ હઠાવશે નહી તે તેમના પર પણ કાર્યવાહી થશે."
"તેમણે જે જમીન પર કબજો કર્યો હતો તે જમીન રસ્તાને કિનારે છે અને આ જમીનનો બજાર ભાવ લગભગ એક કરોડ રૂપિયા છે. તેની બીજી સંપત્તિની તપાસ માટે પણ રેવન્યૂની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ વિશે આગળ તપાસ ચાલી રહી છે. અમે નિયમ પ્રમાણે કાર્યવાહી કરીશું."
આ ઘટનાના એક દિવસ પહેલાં પીડિતાના પરિવારે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કિશોરીનાં માતાએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રીએ ભરોસો આપ્યો છે કે મોઇદ ખાનની સંપત્તિની તપાસ કરાવશે.