શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (14:59 IST)

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું શાલીન માનવરત્ન એવોર્ડથી કરાયું સન્માન

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સમાજમાં મૌન ધારણ કરી સમાજની નિસ્વાર્થ અને શ્રેષ્ઠત્તમ સેવા કરનારનું સમાજે સન્માન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આવા સન્માનથી સંતોના આશીર્વાદ તો મળે જ છે પરંતુ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના જીવનમાંથી દેશની ભાવિ પેઢીને પ્રેરણા મળે છે.અનુપમ મિશન, મોગરી દ્વારા સ્વામિનારાયણ મંદિર, કળશ મહોત્સવ નિમિત્તે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી નારાયણી પ્રતિભા સંપન્ન અને મહિલા સશક્તિકરણના સંપોષક આનંદીબેન પટેલ, શ્વસનતંત્રના રોગના નિષ્ણાત ડો. પાર્થિવ મહેતા, કરોડરજ્જુ નિષ્ણાત ડો.ભરતભાઈ દવેને પૂ.જશભાઈ સાહેબ, વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજના હસ્તે શાલીન માનવરત્ન સન્માનથી અલંકૃત કરવામાં આવ્યા હતા.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ અનુપમ મિશન દ્વારા સમાજ સેવામાં પોતાના અનન્ય યોગદાન બદલ વિવિધ ૫૦ જેટલા પ્રતિભાવંતોને શાલીન માનવરત્ન સન્માનથી નવાજવામાં આવ્યા છે. આનંદીબેન પટેલે ઉમેર્યું કે અનુપમ મિશન દ્વારા સમાજના રત્નોનું બહુમાન કરી સમાજ એક નવી દિશા બતાવી છે જે અન્ય સમાજ સેવી સંસ્થાઓ માટે અનુકરણીય છે.
 
તેમણે માનવજીવન દરમ્યાન સમાજને કઈક આપીને જવા માટે સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કરી પાણી બચાવો, વૃક્ષારોપણ,સ્વચ્છતા, અન્ન નો બગાડ અટકાવવા,પ્રકૃતિ બચાવવા જેવા કાર્યો થકી દેશની સેવા કરવા જણાવ્યું હતું. કોરોના કાળ દરમ્યાન સમગ્ર દેશના ડોક્ટર, નર્સ, પેરા મેડીકલ સ્ટાફ અને સુરક્ષા કર્મીઓએ પોતાની જિંદગીની પરવા કર્યા સિવાય માનવ જાતની સેવા કરવા બદલ તેમણે અભિનદન આપ્યા હતા. તેમણે જરૂરિયાતમંદોની સેવા કરવા હંમેશા પ્રયાસરત રહેવા જણાવ્યું હતું.
 
આનંદીબેન પટેલે રાજકીય ક્ષેત્રને સાચા અર્થમાં જન સામાન્યની સેવાનું માધ્યમ બનાવી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી તરીકે તેમણે હૃદયભાવ સાથે શિક્ષણ,  ગ્રામીણ અને શહેરી વિકાસ, જળસંચય, બાળપોષણ, મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી હતી. આદર્શ નેતૃત્વના મહારથી અને સમાજ સેવક એવા આનંદીબેન પટેલે પોતાનું આયખું રાષ્ટ્રને અર્પણ કર્યું છે. પૂ.જશભાઈ સાહેબે આશીર્વાદ આપતા જણાવ્યું કે નિ:સ્વાર્થ ભાવે સમાજની સેવા કરતા લોકોનું બહુમાન કરવુ એ પણ પ્રભુ ભક્તિ છે. તેમણે શ્રીમતી આનંદીબેન પટેલ સાથેના સંસ્મરણો યાદ કરી તેમને સહજ અને શાલીન સ્વભાવના ગણાવ્યા હતા.
 
શ્વસનતંત્રના રોગના નિષ્ણાત ડૉ. પાર્થિવ મહેતા, કરોડરજ્જુ નિષ્ણાત ડૉ. .ભરતભાઈ દવેએ બહુમાન બદલ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન અર્ચન કરી પૂ.જશભાઈ સાહેબના આશીર્વચન મેળવ્યા હતા. પ્રારંભમાં અનુપમ મિશનના ઉપપ્રમુખ અશ્વિનદાદાએ સૌનો આવકાર કરતાં જણાવ્યું કે સમાજ સેવામાં ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ દર વર્ષે પ્રતિભાશાળી વ્યક્તિઓને અનુપમ મિશનના પ્રણેતા ગુરુવર્ય જશભાઈ સાહેબ દ્વારા શાલીન માનવરત્ન સન્માન આપવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ, જયેશભાઈ પટેલ,અગ્રણીઓ, સંતો, દેશ વિદેશથી પધારેલા અનુયાયીઓ,  હરિભક્તો હાજર રહ્યા હતા.