મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (12:54 IST)

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 સાયન્સની વર્ષ 2021-22 માટે પરીક્ષાની પેપર સ્ટાઈલ તૈયાર કરાઈ

ધોરણ 12 સા. પ્રવાહ અને સાયન્સના 14 વિષયોના ફોર્મેટ જાહેર કરાયાં
 
કોરોનાકાળમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. સંક્રમણને કારણે અભ્યાસ પર અસર થતાં શિક્ષણ વિભાગ દ્વારા એક વર્ષ માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામા આવ્યાં છે. હવે બીજી પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 સાયન્સ માટે માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુણભાર અને હેતુલક્ષી પ્રશ્નોની વિગતો તૈયાર કરવામાં આવી છે. 
 
માત્ર ચાલુ વર્ષ દરમિયાન આ પદ્ધતિથી પરીક્ષા યોજાશે
ધોરણ 9થી 12ની બીજી પરીક્ષાને લઈને સાયન્સના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરવામાં આવ્યાં છે. બોર્ડે નક્કી કરેલ માળખા મુજબ જ સ્કૂલોએ પ્રશ્નપત્ર કાઢવાનું રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ DEO અને તમામ સ્કૂલોને આ માટે પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે.બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા માળખામાં 15 ગુણના 13 હેતુલક્ષી પ્રશ્નો, 4 ગુણના અતિ ટુંકા 4 પ્રશ્નો, 17 ગુણના 17 ટુંકા પ્રશ્નો, 9 ગુણના 3 લાંબા પ્રશ્નો અને 5 ગુણનો એક લાંબો પ્રશ્નનો સમાવેશ કરાયો છે. પ્રશ્નપત્રમાં કુલ 50 ગુણના પ્રશ્નો પુછાશે. માત્ર આ વર્ષ દરમિયાન જ આ પદ્ધતિથી પરીક્ષા યોજાશે. 
 
ધોરણ 12 સા. પ્રવાહ અને સાયન્સના 14 વિષયોના ફોર્મેટ જાહેર કરાયાં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના 14 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં છે. તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ 9થી12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના બદલે 30 ટકા પૂછવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને બોર્ડ દ્વારા 14 વિષયોના ફોર્મેટ જાહેર કરાયાં છે. અગાઉ બોર્ડ દ્વારા ધોરણ 10,12ના મળી કુલ 26 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં હતાં. જ્યારે વધુ 14 વિષયો સાથે હવે કુલ 40 વિષયોના ફોર્મેટ જાહેર થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
 
પ્રકરણદીઠ ગુણભાર જાહેર કરવામાં આવ્યાં
પ્રાપ્ત માહિતી પ્રમાણે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 9થી12ની પરીક્ષા પદ્ધતિમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યાં છે. જેના પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિષયોના પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. આ પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ 2021-22 માટે જ અમલી રહેશે તેવી પણ સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 10ના 11 વિષયોના પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણદીઠ ગુણભાર જાહેર કરવામાં આવ્યાં હતાં.