રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (10:39 IST)

કચ્છના ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર, ૭૭ ગામોને મળશે આ સુવિધા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડ ના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા  ૪ લિંકનું આયોજન કરાયું છે.
 
કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. 
 
મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે.એટલું જ નહિ અંદાજે બે લાખ ૮૧ હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.