બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 18 જૂન 2019 (12:36 IST)

માસુમ બાળકોના જીવની કોઈ કિંમત નહીં, RTOનો ડ્રાઇવના નામે તમાશો

mimi

શાળાઓ શરૂ થયાના હજી ગણતરીના દિવસો થયા છે ત્યારે સ્કૂલ વાનને લઇને કામગીરી અને નિયમોના પાલનની ડ્રાઇવ પહેલા જ કરવામાં આવતી હોય તો વાલીઓને તેમના બાળકોની ચિંતા ઓછી થાય તેમ હતું.પરંતુ ફરીથી આ સમગ્ર મુદ્દે કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવા કરવામાં તંત્ર વ્યસ્ત છે. જે વ્યક્તિઓ દ્વારા તપાસના દાવા કરવામાં આવે છે તેમના પરિવારમાંથી ભાગ્યે જ કોઇ બાળક આવી સ્કૂલ વાનમાં જતા જોવા મળે છે જેથી ચિંતા સામાન્ય લોકોને તેમના બાળકોની છે. આજે સવારે આરટીઓ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી ત્યારે સ્કૂલ વાન ચાલકો પોતાનો રસ્તો બદલીને જતા રહ્યા હોવાનું પણ નજરે ચઢ્યું હતું. આ ડ્રાઇવમાં 20 જેટલી સ્કૂલ વાનના ચાલકોને દંડ અને અન્ય કેટલીક સ્કૂલ વાનને ડિટેઇન કરવામાં આવી છે.
નિકોલમાં સ્કૂલ વાનમાં ઘેટાં બકરાંની જેમ બાળકોને લઇ જતી સ્કૂલ વાનનો દરવાજો ખુલી જતા એક વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં બાળકોને ઇજા થઇ હતી. સામાન્ય રીતે વાલીઓ દ્વારા સ્કૂલ વાનના ચાલકોને રૂપિયા આપીને તેમના બાળકોને સુરક્ષિત લાવવા લઇ જવા માટે વિશ્વાસ કરવામાં આવે છે. પરંતુ ખરેખર રસ્તામાં બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક બની જાય છે. જ્યારે કોઇ ઘટના બને ત્યારે પીડિત પરિવાર જ અફસોસ કરે છે, પરંતુ ખરેખર આ ઘટના કોઇના પરિવાર સાથે ન થાય તે માટે વાલીઓએ જાગૃત થવાની જરૂરિયાત છે.

સામાન્ય રીતે દરેક સ્કૂલ વાનમાં બાળકોની સંખ્યા નિશ્ચિત હોવાનો નિયમ છે પરંતુ ક્યારેય વાલી તેમના બાળકની સ્કૂલની વાનમાં કેટલા બાળકોને બેસાડવામાં આવે છે તે તપાસ કરવામાં આવતું નથી. બીજી તરફ સ્કૂલ વાનમાં ફાયર સેફ્ટી માટે એક ઉપકરણ રાખવું પડે છે પરંતુ આજે સવારથી સ્કૂલ વાનમાં ડ્રાઇવ દરમિયાન ચકાસવામાં આવે ત્યારે કોઇ પણ વાનમાં આ પ્રકારે ફાયર સેફ્ટીનું ઉપકરણ ન હતું.
બીજી તરફ સ્કૂલ વાનની કંડિશન કઇ છે તેમજ તેને કેટલા બાળકોનું પાસિંગ આપવામાં આવ્યું છે અને કેટલા કિમી આ વાહનો ચાલ્યા છે. તેની સાથે તેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ છે કે નહીં તે ચકાસવાનું બાળકોના વાલીઓ તસ્દી લેતા નથી. જેના કારણે સ્કૂલ વાનની આખી સિંડિકેટ પોતાને મનફાવે તેમ વર્તે છે અને કોઇ દુર્ઘટના થાય તો એકલ દોકલ જગ્યાએ તંત્ર દ્વારા કાર્યવાહી કરીને આટોપી દેવામાં આવે છે.

 આરટીઓ દ્વારા આજે સવારે જે ડ્રાઇવ કરવામાં આવી તેમાં કેટલીક સ્કૂલ વાન તો પ્રાઇવેટ પાસિંગની હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ કેટલાક સ્કૂલ વાનના ચાલકો ડ્રાઇવમાં ઊભેલા અધિકારીઓને જોઇને પોતાનું વાહન બીજી તરફ વળાવીને પલાયન થઇ ગયા હતા. સ્કૂલ વાનના ચાલકોની આખી સિંડિકેટ આમાં સક્રિય હોવાનું માનવામાં આવે છે. જેના કારણે મોટા ભાગના સ્કૂલ વાન ચાલકો આ ડ્રાઇવમાંથી બચી ગયા હતા.