રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 જૂન 2024 (09:30 IST)

ગુજરાતમાં ચોમાસું જામ્યું, સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

rain in gujarat
Gujarat weather- ગુજરાતમાં ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પણ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આવનાર દસેક દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. તો આગામી 24 કલાકમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે.
 
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદની શક્યતા છે.
 
આ વિસ્તારમાં તમામ જિલ્લામાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે.
 
મુંબઈમાં જે વરસાદ થઈ રહ્યો છે, તેની અસર દક્ષિણ ગુજરાતને પણ થઈ શકે છે.
 
હવામાન વિભાગના 26 જૂનના બુલેટિન અનુસાર, જૂનાગઢ અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ થયો છે.
 
તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઘણાં સ્થળોએ વરસાદ થયો છે.
 
બીબીસીના સહયોગીઓએ આપેલી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના અંબાજીમાં વરસાદ વરસ્યો છે. તેમજ રાજકોટ જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદ થયો છે. જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયો છે.
 
તો જૂનાગઢ તેમજ અમરેલીના ધારી-ગીર કાંઠા વિસ્તારમાં વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયાં છે. અહીં આસપાસનાં ગામોમાં પણ વરસાદ થયો છે.
 
ધારી પંથકમાં ચલાળા પાસે શેલ નદીમાં વરસાદને લીધે પૂર આવ્યું હતું.
 
હવામાન વિભાગ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ, લક્ષદ્વીપ, કેરળ, તટીય કર્ણાટક અને કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે.
 
તેમજ પૂર્વોત્તર ભારત, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણામાં સામાન્યથી મધ્યમ વરસાદ કેટલાંક સ્થળોએ થયો છે.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 27મી તારીખે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા અને નગરહવેલીમાં અલગઅલગ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે. આ દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.
 
28મી તારીખે સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે. છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.
 
29મી તારીખે ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણમાં વરસાદની આગાહી છે. તો આજના દિવસે ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડી શકે છે.
 
30મી તારીખે પણ નવસારી, વલસાડ અને દાદરા અને નગરહવેલીમાં વરસાદની આગાહી છે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, સુરત, વલસાડ, ડાંગ જિલ્લામાં મોટાં ભાગનાં સ્થળોએ હળવોથી મધ્યમથી વરસાદ પડી શકે છે.
 
તેમજ આ સિવાયનાં સ્થળો જેવાં કે કચ્છ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.