કર્ણાટકમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા છે ત્યાં ITએ દરોડા પાડ્યા
ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા છે ત્યાં ITએ દરોડા પાડ્યા છે. વિભાગ દ્વારા કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે.શિવકુમારના ઘરે અને ઇગલટોન ગોલ્ફ રિસોર્ટમાં દરોડા પાડ્યા છે. ગુજરાત કૉંગ્રેસના 40થી વધુ ધારાસભ્યોને આ રિસોર્ટમાં લાવવામાં આવ્યા છે. જે બેંગલુરૂથી 30 કિલોમીટર દૂર મૈસૂર હાઇવ પર આવેલો છે. આ એક ગોલ્ફ ક્લબ હોવાની સાથે રિસોર્ટ પણ છે.
જેમાં બે રોયલ ક્લબ શ્યૂટ, ત્રણ કલબ સ્યુટ, 42 એક્ઝિક્યુટિવસ અને 60 ડિલક્સ રૂમ છે. આ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગોલ્ફ કોર્સ, મિનીબાર, વાઇ-ફાઇ, રૂમ્સમાં એસી, મલ્ટી ચેનલ ટીવી જેવી સુવિધા છે. આ ઉપરાંત, રિસોર્ટમાં સ્પા, કોન્ફરન્સ હોલ, રેસ્ટોરન્ટ, જીમ, ઇન્ડોર અને આઉટડોર ગેસ્સની પણ સુવિધાઓ છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા અને ઉમેદવાર અહેમદ પટેલે જ્યાં ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને ઉતારવામાં આવ્યા છે તે બેંગલુરુ સ્થિત ઈગલટન ગોલ્ફ રિસોર્ટ પર પાડવામાં આવેલા ઈન્કમટેક્સના દરોડા અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ‘આ રેડ રાજ છે. આ સરકાર કોઈ પણને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી ડરાવવા માગે છે. ભાજપ કોંગ્રેસની એક સીટ ઘટાડવા ઈચ્છે છે. ભાજપને નિશાન બનાવતાં અહેમદ પટેલે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે ભાજપનો મકસદ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યકરોના મનોબળને તોડવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપને એવું લાગી રહ્યું છે કે સોનિયા ગાંધીના પોલિટિકલ સેક્રેટરીને હરાવીને તેઓ સોનિયા ગાંધીને એક સેટબેક પહોંચાડવા માગે છે અને ભાજપ જનતાને આવો સંદેશો આપવા ઈચ્છે છે. આ ઉપરાંત અહેમદ પટેલે ટ્વિટ કરીને પણ ઈન્કમટેક્સના દરોડાને લઈ ભાજપ સામે નિશાન તાક્યું હતું. તેમણે લખ્યું હતું કે રાજ્યની મશીનરી અને અન્ય તમામ એજન્સીઓનો ઉપયોગ કર્યા બાદ ઈન્કમટેક્સના આ દરોડા ભાજપની નિરાશા અને હતાશા દર્શાવે છે. રાજ્યસભાની બેઠક જીતવા ભાજપ તમામ હાથકંડા અપનાવવા તૈયાર છે.